Fri Apr 17 2026

Logo

દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટમાં બિલ ગેટ્સ આપશે હાજરી, તમામ અટકળો પર મુકાયું વિરામ

1 month ago
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: ભારત મંડપમ ખાતે હાલમાં 'ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ'નો ધમધમાટ ચાલી રહ્યો છે. આ સમિટમાં માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ ભાગ લેશે કે નહીં, તે અંગે છેલ્લા કેટલાક દિવસોથી ભારે અસમંજસની સ્થિતિ જોવા મળી હતી. જોકે, હવે તમામ અટકળો પર વિરામ મુકાઈ ગયો છે. ગેટ્સ ફાઉન્ડેશનના સત્તાવાર પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે બિલ ગેટ્સ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ જ આ સમિટમાં હાજરી આપશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ભવિષ્ય અંગે પોતાનું મહત્વનું વક્તવ્ય રજૂ કરશે.

બિલ ગેટ્સની હાજરી અંગે વિવાદ ત્યારે સર્જાયો જ્યારે 17 ફેબ્રુઆરીના રોજ સમિટની સત્તાવાર વેબસાઇટ પર ગેસ્ટ લિસ્ટમાંથી તેમનું નામ ગાયબ જોવા મળ્યું હતું. આ ઘટના બાદ સોશિયલ મીડિયા અને ન્યૂઝ મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા હતા કે ભારત સરકારે તેમનું આમંત્રણ રદ કરી દીધું છે. આ પાછળનું મુખ્ય કારણ અમેરિકન ગુનેગાર જેફરી એપ્સટાઈન સાથે જોડાયેલા કેટલાક વિવાદાસ્પદ દસ્તાવેજોમાં બિલ ગેટ્સનું નામ બહાર આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે, પ્રવક્તાએ હવે આ બાબતે સ્પષ્ટતા કરી દીધી છે.

16 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ મેગા ઈવેન્ટ 20 ફેબ્રુઆરી સુધી ચાલવાની છે. આ સમિટની સાથે 'ઈન્ડિયા AI ઈમ્પેક્ટ એક્સપો 2026'નું પણ સમાંતર આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપોમાં વિશ્વભરની ટેક કંપનીઓ ભાગ લઈ રહી છે અને પોતાના અત્યાધુનિક AI સોલ્યુશન્સનું પ્રદર્શન કરી રહી છે. બિલ ગેટ્સ જેવા દિગ્ગજની ઉપસ્થિતિ આ સમિટને વૈશ્વિક સ્તરે વધુ મહત્વપૂર્ણ બનાવી રહી છે, જેમાં AI દ્વારા સામાજિક પરિવર્તન કેવી રીતે લાવી શકાય તે પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, જેફરી એપ્સટાઈન એક અમેરિકન ફાઇનાન્સર હતો જેના પર ગંભીર યૌન અપરાધો અને સગીરોની તસ્કરીના આરોપો હતા. 2019માં જેલમાં તેના આત્મહત્યા બાદ તાજેતરમાં કેટલાક ગુપ્ત દસ્તાવેજો જાહેર થયા હતા, જેમાં બિલ ગેટ્સના નામનો ઉલ્લેખ મળ્યો હતો. બિલ ગેટ્સે પોતે સ્વીકાર્યું હતું કે એપ્સટાઈન સાથે મુલાકાત કરવી એ તેમની મોટી ભૂલ હતી. આ ભૂતકાળના વિવાદને કારણે જ તેમની ભારત મુલાકાત સામે સવાલો ઉઠ્યા હતા, જેનો હવે અંત આવ્યો છે.