નવી દિલ્હીઃ રવિવાર, આઠમી માર્ચનો દિવસ ભારતીય ક્રિકેટ માટે ઐતિહાસિક બન્યો ત્યાર પછી હવે રવિવાર, 15મી માર્ચનો દિન પણ યાદગાર કહેવાશે, કારણકે ભારતને ટી-20ની ઐતિહાસિક ત્રીજી વર્લ્ડ કપ ટ્રોફી અપાવનાર ટીમનું એ દિવસે બહુમાન (Felicitation) કરવામાં આવશે તેમ જ કેટલાક નામાંકિત ખેલાડીઓની વિવિધ પ્રકારના પુરસ્કારોથી નવાજેશ કરાશે.
આઠમી માર્ચે અમદાવાદની ફાઇનલને વન-સાઇડેડ બનાવીને ન્યૂ ઝીલૅન્ડને 96 રનથી હરાવનાર ભારતીય ટીમ માટે બીસીસીઆઇ (BCCI) 131 કરોડ રૂપિયાનું તોતિંગ ઇનામ જાહેર કરી ચૂક્યું છે. રવિવારે પાટનગર દિલ્હીમાં `નમન અવૉર્ડ્સ' સેરેમની યોજાશે જેમાં છેલ્લા થોડા મહિના દરમ્યાન કુલ પાંચ આઇસીસી ટાઇટલ જીતનાર ભારતીય ટીમોનું બહુમાન કરાશે. ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આ અપ્રતિમ સિદ્ધિઓ પહેલી જ વખત જોવા મળી છે.
ટી-20 વર્લ્ડ કપની તાજેતરની સિદ્ધિની પહેલાં ભારતે આ ચાર ટાઇટલ મેળવ્યા હતાઃ 2025માં આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રોફીમાં મેન્સ ટીમ વિજેતા, 2025માં વન-ડે વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમ ચૅમ્પિયન, 2025માં ટી-20 અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમ વિજેતા, 2026માં મેન્સ અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારત વિજેતા. બીસીસીઆઇ આ તમામ ચૅમ્પિયનોનું બહુમાન કરશે.
ભારતના ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન શુભમન ગિલને 2024-'25ની સીઝન માટેના બેસ્ટ ઇન્ટરનૅશનલ ક્રિકેટર તરીકે પૉલી ઉમરીગર અવૉર્ડ આપવામાં આવશે. વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના પાંચમી વખત મહિલાઓમાં બેસ્ટ ઇન્ટરનૅશનલ ક્રિકેટર તરીકેના પુરસ્કારથી સન્માનિત થશે.
રોજર બિન્ની તથા રાહુલ દ્રવિડને કર્નલ સી. કે. નાયુડુ લાઇફટાઇમ અચિવમેન્ટ અવૉર્ડથી નવાજવામાં આવશે. ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી અપાતું આ સર્વોત્તમ સન્માન છે. ભૂતપૂર્વ મહિલા કૅપ્ટન મિતાલી રાજને બીસીસીઆઇ લાઇફટાઇમ અચિવમેન્ટ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે. બિન્ની 1983 વર્લ્ડ કપ ટીમના મેમ્બર હતા અને એ ટૂર્નામેન્ટમાં તેમણે સૌથી વધુ 18 વિકેટ લીધી હતી.
2022થી 2025 દરમ્યાન તેઓ કોચ, સિલેક્ટર તેમ જ બીસીસીઆઇ પ્રમુખ હતા. દ્રવિડની ગણના ભારતના મહાન બૅટ્સમેનોમાં થાય છે. તેના નામે કુલ 24,000થી પણ વધુ આંતરરાષ્ટ્રીય રન છે. નવી પેઢીના ભારતીય ક્રિકેટરો તૈયાર કરાવવામાં તેનું બહુ મોટું યોગદાન છે.
ઇરા જાધવને ભારતીય મહિલા ડોમેસ્ટિક ક્રિકેટની સર્વશ્રેષ્ઠ ખેલાડી બદલ જગમોહન દાલમિયા ટ્રોફી અપાશે, જ્યારે શેફાલી વર્માને સિનિયર ડોમેસ્ટિક વન-ડે ફૉર્મેટની બેસ્ટ વુમન ક્રિકેટરનો પુરસ્કાર અપાશે. અન્ડર-19 વર્લ્ડ કપના ચૅમ્પિયન કૅપ્ટન આયુષ મ્હાત્રેને લાલા અમરનાથ અવૉર્ડ મળશે, જ્યારે વિદર્ભના હર્ષ દુબેને રણજી ટ્રોફીના બેસ્ટ ઑલરાઉન્ડરનો પુરસ્કાર અપાશે.
મુંબઈ ક્રિકેટ અસોસિયેશન (એમસીએ)ને બીસીસીઆઇ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટોમાં ચાર ચૅમ્પિયન ટાઇટલ તેમ જ બે રનર-અપના ટાઇટલ જીતવા બદલ બેસ્ટ સ્ટેટ ક્રિકેટ અસોસિયેશનના પુરસ્કારથી નવાજવામાં આવશે.