નવી દિલ્હીઃ ભારતની વિશ્વવિખ્યાત રણજી ટ્રોફી (Ranji Trophy) ટૂર્નામેન્ટ ફરી એક વખત બે તબક્કામાં રમાશે જેનો પ્રથમ તબક્કો 11મી ઑકટોબરે શરૂ થશે. બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) દ્વારા 2026-'27ની નવી ડોમેસ્ટિક સીઝન દરમ્યાન કુલ મળીને 1,788 મૅચ રમાશે. બીસીસીઆઇએ બુધવારે સમયપત્રક Domestic schedule) બહાર પાડ્યું હતું જે મુજબ સીઝનની શરૂઆત 23મી ઑગસ્ટે દુલીપ ટ્રોફીથી થશે. ઉલ્લેખનીય છે કે રણજી ટ્રોફી નામ ક્રિકેટ-લેજન્ડ રણજિતસિંહજીના નામ પરથી અને દુલીપ ટ્રોફીનું નામ મહાન ક્રિકેટર દુલીપસિંહજીના નામ પરથી પડ્યું છે.
2025-26ની રણજી ટ્રોફીમાં જમ્મુ અને કાશ્મીરની ટીમ પહેલી જ વખત ચેમ્પિયન બની હતી.
સમગ્ર સીઝનમાં કુલ મળીને 1,788 મૅચ પુરુષોના જે વર્ગમાં રમાશે એમાં અન્ડર-16, અન્ડર-19, અન્ડર-23 તેમ જ સિનિયર લેવલની ટૂર્નામેન્ટનો સમાવેશ છે. મહિલાઓના વર્ગમાં અન્ડર-15, અન્ડર-19 અને અન્ડર-23 તેમ જ સિનિયર લેવલની ટૂર્નામેન્ટમાં લીગ તથા નૉકઆઉટ મૅચો રમાશે.
વિવિધ વર્તુળોની માગણીને આધીન અન્ડર-23 ટૂર્નામેન્ટ સફેદ બૉલથી મર્યાદિત ઓવરના રૂપમાં રમાશે. ઇન્ટર-ઝોનલ યુનિવર્સિટી ટૂર્નામેન્ટ (વિઝી ટ્રોફી) ટી-20 ફૉર્મેટમાં રમાશે.
વિવિધ ટૂર્નામેન્ટોનું સમયપત્રક
- દુલીપ ટ્રોફીઃ 23 ઑગસ્ટથી 10 સપ્ટેમ્બર, બેંગ્લૂરુમાં
- રણજી ચૅમ્પિયન જમ્મુ-કાશ્મીર અને રેસ્ટ ઑફ ઇન્ડિયા વચ્ચે ઇરાની કપઃ 1-5 ઑક્ટોબર, શ્રીનગરમાં
- રણજી ટ્રોફીનો પ્રથમ તબક્કોઃ 11 ઑક્ટોબરથી પાંચમી નવેમ્બર, વિવિધ શહેરોમાં
- રણજી ટ્રોફીનો બીજો તબક્કોઃ 17 જાન્યુઆરીથી 3 માર્ચ, વિવિધ શહેરોમાં
- સૈયદ મુશ્તાક અલી ટ્રોફીઃ 14 નવેમ્બરથી 6 ડિસેમ્બર, મુંબઈ તેમ જ મોહાલી, વિઝાગ, કોલકાતા, નાગપુરમાં
- વિજય હઝારે ટ્રોફીઃ 14 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી
- વિજય મર્ચન્ટ ટ્રોફી (અન્ડર-16): નવેમ્બરથી જાન્યુઆરી.