Tue May 26 2026

Logo

મિશન બોર્ડર સિક્યોરિટી: દેશની સરહદો સુરક્ષિત કરવા ગૃહ પ્રધાન અમિત શાહ એક્શન મોડમાં!

2 hours ago
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: દેશની સરહદોને લઈને કેન્દ્ર સરકાર એક્શન મોડમાં દેખાઈ રહી છે.  કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આગામી થોડા અઠવાડિયા દરમિયાન દેશભરના વિવિધ સરહદી વિસ્તારોની મુલાકાત લેવાના છે અને આ મુલાકાત દરમિયાન, તેઓ સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે અને સુરક્ષા એજન્સીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો કરવાના છે તેવા અહેવાલો છે. સરહદ સુરક્ષા, ઘૂસણખોરી વિરોધી વ્યૂહરચના અને સંવેદનશીલ વિસ્તારોમાં જમીની પરિસ્થિતિ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ મુલાકાત હોવાનું હાલ સૂત્રોએ જણાવ્યું હતું.

આ પ્રવાસ દરમિયાન અમિત શાહ સૌપ્રથમ રાજસ્થાનના બિકાનેરની મુલાકાત લેશે,  ત્યારબાદ  26 મેના રોજ સવારે લગભગ 10 વાગ્યે તેઓ સાંચુમાં BSF બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે. ત્યાં તેઓ સરહદ પર તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે અને સુરક્ષા દળો માટેની કલ્યાણકારી યોજનાઓનું ઉદ્ઘાટન પણ કરવાના છે. ત્યારબાદ બપોરે લગભગ 2 વાગ્યે બિકાનેરમાં એક મોટી સુરક્ષા સમીક્ષા બેઠક યોજાશે. આ બેઠકમાં ગૃહ મંત્રાલય, રાજસ્થાન સરકાર અને બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. રાજસ્થાનના પાંચ સરહદી જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકો પણ ભાગ લેશે. આ બેઠકમાં સરહદ સુરક્ષા, ઘૂસણખોરી અટકાવવાના પગલાં અને સરહદ સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

ત્યારબાદ 29 મેના રોજ અમિત શાહ ગુજરાતની મુલાકાત પર આવશે એ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ જશે. ભુજ  મુલાકાત દરમિયાન તેઓ BSF સરહદ ચોકીઓનું નિરીક્ષણ કરશે અને સંવેદનશીલ હરામીનાળા વિસ્તારની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદની દ્રષ્ટિએ હરામીનાળાને એક મહત્વપૂર્ણ સુરક્ષા ક્ષેત્ર માનવામાં આવે છે. ત્યારબાદ અમિત શાહ આવતા મહિને 5 જૂને ત્રિપુરા સરહદી વિસ્તારની મુલાકાત લેવાના છે.

આગામી જૂન મહિનામાં મધ્ય ભાગમાં ગૃહ પ્રધાન પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારોની પણ મુલાકાત લેશે. આ મુલાકાતો દ્વારા કેન્દ્ર સરકાર સરહદ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકી રહી છે. ગૃહ મંત્રાલય સરહદી વિસ્તારોમાં સુરક્ષા પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. અમિત શાહની આ મુલાકાતોને સરહદ સુરક્ષા અને જમીની પરિસ્થિતિની સીધી સમીક્ષા તરીકે જોવામાં આવી રહી છે.