થાણે: થાણે મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 16 વર્ષ અગાઉ અકસ્માતમાં મૃત્યુ પામેલા 26 વર્ષના ટેન્કરચાલકના કુટુંબને 24.05 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
ટ્રકની વીમા કંપનીએ દાવાનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે 2010માં થયેલા અકસ્માત માટે અરજી 2020માં દાખલ કરવામાં આવી હતી, જે સમયમયાર્દા પછી થઇ હતી. ટ્રકને પાછળથી ટક્કર મારવા બદલ ટેન્કરચાલકની બેદરકારીનો પણ આરોપ લગાવાયો હતો.
જોકે એમએસીટીના સભ્ય આર. વી. મોહિતેએ પાંચમી માર્ચના જારી કરેલા આદેશમાં આ દલીલને ફગાવી દીધી હતી. આ અકસ્માત 18 એપ્રિલ, 2010ના રોજ થયો હતો, જ્યારે ફિરોઝ સિદ્દીક અહમદ શેખ ઉર્ફે ખાન કેમિકલનું ટેન્કર લઇને ઝાંસી જઇ રહ્યો હતો. થાણે જિલ્લામાં મુંબઈ-આગ્રા હાઇવે પર શહાપુર ખાતે કળંબ ગામ નજીક આગળ જઇ રહેલી ટ્રકના ડ્રાઇવરે કોઇ પણ સિગ્નલ વિના અચાનક બ્રેક મારી હતી, જેને કારણે ટ્રક સાથે ટેન્કર ભટકાતાં આગ લાગી હતી, જેમાં ફિરોઝ શેખ દાઝી ગયો હતો અને એ જ દિવસે તેનું મૃત્યુ થયું હતું.
ટ્રિબ્યુનલે ફિરોઝ શેખની આવક માસિક 12,000 આંકી હતી અને તેમાં 40 ટકા ઉમેરીને 24.05 લાખ રૂપિયાના વળતરનો આદેશ આપ્યો હતો. ટ્રિબ્યુનલે ટ્રકના માલિક અને વીમા કંપનીને અરજીની તારીખ (2020)થી વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે દાવેદારોને સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આદેશ મુજબ વળતર શેખની પત્ની અને માતા વચ્ચે વહેંચવામાં આવશે અને અને રકમનો એક હિસ્સો ફિકસ્ડ ડિપોઝિટમાં રાખવામાં આવશે, એમ તેમાં જણાવાયું હતું. (પીટીઆઇ)