Fri Apr 17 2026

Logo

રજૌરીથી લઈને રામેશ્વર સુધીના વાતાવરણમાં પલટો, એપ્રિલમાં અષાઢી માહોલ

1 week ago
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ભારતને પણ હેરાન-પરેશાન કરી રહ્યું છે. ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ જોવા મળતા દેશભરના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. દિલ્હીથી વાતાવરણમાં પલટો આવતા સમગ્ર દેશના જુદા-જુદા વિસ્તારાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો. ક્યાંક કરા પડ્યા તો કયાંક ધોધમાર વરસાદથી નદીઓ રસ્તા પર વહેતી હોય એવો માહોલ જોવા મળ્યો હતો. દિલ્હીના હવામાન ખાતાએ દેશના અલગ-અલગ વિસ્તાર માટે આગાહી કરી છે જેમાં ભારે પવન સાથે વરસાદ અને કરા પડવાની સંભાવનાઓ છે. 

વરસાદ થવાની શક્યતાઓ
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે રવિવારથી બે-ત્રણ દિવસમાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન 50થી 60 કિમીની ગતિથી પવન ફૂંકાઈ શકે છે. તા.7થી 9 એપ્રિલ દરમિયાન હવામાનમાં મોટો પલટો આવી શકે છે. ખાસ કરીને આની અસર બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ તથા ઓડિશામાં 8 એપ્રિલના રોજ ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કેરળ, તમિલનાડુ, તેલંગણા અને કર્ણાટકમાં પણ 5થી 8 એપ્રિલ સુધીમાં વરસાદ પડે એવી પૂરી શક્યતાઓ છે. 

દિલ્હીમાં હવામાન હજુ બદલાશે
રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો 5થી 7 એપ્રિલ દરમિયાન દિલ્હીમાં ગરમીમાંથી રાહત મળશે પણ ભારે પવન સાથે હળવો વરસાદ પડી શકે છે. ખાસ કરીને બપોર પછીના સમયમાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. દિલ્હી જ નહીં દિલ્હીની આસપાસના વિસ્તારમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની પૂરી શક્યતાઓ છે. એ પછી વાતાવરણમાં ઉઘાડ આવશે અને બફારો શરૂ થશે, જોકે આ દિવસોમાં કોઈ ભારેથી અતિભારે વરસાદ થવાના કોઈ એંધાણ નથી. 

પશ્ચિમના રાજ્યોમાં વાદળછાયું હવામાન
પશ્ચિમના રાજ્યોમાં 9 એપ્રિલ સુધી વાદળછાયું હવામાન રહી શકે છે. આ ઉપરાંત બપોરે આંશિક ગરમી જ્યારે વહેલી સવારે ઠંડકનો અહેસાસ થઈ શકે છે. તાપમાન નીચું ઊતરતા રાહત થશે, રિપોર્ટ અનુસાર એપ્રિલ મહિનામાં તાપમાન ઊંચું જાય એવા દિવસો શરૂ થતા સમય લગાશે. સામાન્ય રીતે એપ્રિલ મહિનો તડકાનો મહિનો માનવામાં આવે છે. આ વખતે સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હળવા વરસાદ સાથે ઘણા શહેરોમાં દિવસની શરૂઆત થઈ હતી. રાજસ્થાનના જયપુર, જોધપુર, ઉદયપુર, જેસલમેર, બિકાનેર તથા શ્રીગંગાનગરમાં આ વખતે ખાસ કોઈ તાપમાનમાં રેકોર્ડ નોંધાયું નથી. સામાન્ય તાપને કારણે ગરમીનો અહેસાસ થયો હતો. જ્યારે ગત અઠવાડિયામાં વાદળછાયા વાતાવરણથી ઝાપટું પડતા ઠંડક પ્રસરી હતી.