Tue May 26 2026

Logo

પશ્ચિમ એશિયાની કટોકટી લંબાઈ તો સરકાર સંવેદનશીલ ક્ષેત્રો માટે પેકેજ જાહેર કરે તેવી શક્યતા

1 month ago
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયાની કટોકટી વધુ સમયગાળા સુધી લંબાઈ જાય તો સરકાર સ્થાનિક બજારમાં ફુગાવાને ટકાવાની સાથે અંકુશમાં રાખવા માટે એમએસએમસી સહિતનાં સંવદનશીલ ક્ષેત્રો માટે વધુ રાહતના પગલાંની જાહેરાત કરે તેવી શક્યતા જણાય છે. 

સરકારે આ મહિનામાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડા સહિતના ઘણાં પગલાંની  જાહેરાત કરી છે અને અર્થતંત્રના સંવેદનશીલ ક્ષેત્રોના રક્ષણ માટે વધુ પગલાં જાહેર કરતાં સરકાર અચકાશે નહીં, એમ સૂત્રોએ જણાવ્યું હતું. મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડતેલના ભાવ વધી આવતા ગ્રાહકોના હિત જાળવવા સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં લિટરદીઠ રૂ. ત્રણનો ઘટાડો કર્યો હતો. તેમ જ ડીઝલ અને એવિયેશન ટર્બાઈન ફ્યૂઅલ પરની નિકાસ ડ્યૂટી પુનઃ લાદી હતી.

નોંધનીય બાબત એ છે કે ગત 28મી ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયલે સંયુક્તપણે ઈરાન પર હુમલા કર્યા હતા અને તેના જવાબમાં તહેરાને પણ હુમલાઓ કર્યા હતા ત્યારથી અત્યાર સુધીમાં ક્રૂડતેલના ભાવમાં લગભગ 50 ટકા જેટલો ઉછાળો આવી ગયો છે. વર્તમાન માર્ચ મહિનામાં ઈરાન યુદ્ધ વધુ ઉગ્ર થતાં એક તબક્કે ક્રૂડતેલના ભાવ વધીને બેરલદીઠ 119 ડૉલર સુધી પહોંચ્યા હતા. ભારત તેની કુલ આવશ્યકતા પૈકી 80 ટકા ક્રૂડતેલની અને 50 ટકા કુદરતી ગૅસની આયાત કરે છે અને આ આયાત મુખ્યત્વે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગથી થાય છે. 

આ મહિનાના આરંભમાં સરકારે નિકાસકારોને તેની નિકાસ જવાબદારીઓ પૂરી કરવા માટે કેટલીક છૂટછાટો આપી હતી કેમ કે પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે વેપારી વર્ગ માલના પરિવહનની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. મધ્યપૂર્વમાં યુદ્ધને કારણે ભારતીય નિકાસકારો અસાધારણ નૂર વધારો, વધેલા વીમા પ્રીમિયમ અને યુદ્ધ સંબંધિત નિકાસ જોખમોનો સામનો કરી રહ્યા હોવાથી આ સમસ્યામાં હસ્તક્ષેપ કરવા રૂ. 497 કરોડના ભંડોળની રિસાયલન્સ ઍન્ડ લોજિસ્ટિક્સ ઈન્ટરવેન્શન એક્સપોર્ટ ફેસિલિટેશન (રિલિફ) સ્કીમ જાહેર કરવામાં આ હતી. આ હસ્તક્ષેપથી ભારતની સપ્લાઈ ચેઈનમાં સ્થિતિસ્થાપકતા રહેશે, નિકાસકારોનું રક્ષણ થશે, ઓર્ડર રદ થતા અટકશે અને નિકાસ ક્ષેત્રમાં રોજગાર પણ સચવાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે. 

વધુમાં સરકારે ઊંચા નૂર ખર્ચનો સામનો કરી રહેલા નિકાસકારોને સહાય માટે યોજના હેઠળના સંપૂર્ણ લાભો પુનઃ સ્થાપિત કર્યા હતા. તેમ જ ગયા મહિને ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે એક નોટિફિકેશન બહાર પાડીને  રેમિસન્સ ઑફ ડ્યૂટીઝ ઍન્ડ ટેક્સીસ ઓન એક્સપોર્ટેડ પ્રોડક્ટ્સ હેઠળ ડ્યૂટીના લાભના દર જે અડધા કરવામાં આવ્યા હતા તેને 23મી ફેબ્રુઆરી, 2026થી 31મી માર્ચ, 2026 સુધી પુનઃ સ્થાપિત કર્યા હતા. ઈરાન સાથે અમેરિકા-ઈઝરાયલ યુદ્ધને કારણે સ્ટ્રેટ ઑફ હોર્મુઝની આસપાસ વધતી સુરક્ષા ચિંતાઓને કારણે જહાજો અન્ય લાંબા માર્ગ તરફ વાળવા, કટોકટી-સંઘર્ષ  સંબંધિત સરચાર્જ વધવાને કારણે માત્ર કુલ પરિવહન ખર્ચમાં જ વધારો નથી થયો, પરંતુ માલની નિકાસ અંગે પણ અનિશ્ચિતતામાં વધારો થયો છે. 

દેશના ચીફ ઈકોનોમિક એડવાઈઝર વી અનંત નાગેશ્વરને જણાવ્યું હતું કે ભારતે સૌથી વધુ અસરગ્રસ્ત અને સંવેદનશીલ વ્યવસાયો અને ઘરગથ્થુ ધોરણે જ્યારે જરૂર પડે ત્યારે તાત્કાલિક રાહત પૂરી પાડવાની રહેશે તેમ જ જો આ વિવાદ લાંબા સમય સુધી ચાલે તો માત્ર ઊર્જા જ નહીં, પરંતુ ઘણી કૉમૉડિટીઝ અને મટિરિયલના પણ લાંબાગાળાના વ્યૂહાત્મક બફર સ્ટોક માટે રાજકોષીય ભંડોળ ઊભું કરવાનું રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું.