Sat Apr 18 2026

Logo

આહારથી આરોગ્ય સુધીઃ માસ્ટર વિટામિન- ડી

3 days ago
Author: Dr. Harsha Chadwa
Article Image

 

ડૉ. હર્ષા છાડવા

શરીરના પોષણ નવસર્જન અને રક્ષણ માટે જરૂરી પોષ્ટિક તત્ત્વોમાં વિટામિન્સ મહત્ત્વપૂર્ણ છે. વિટામિન શબ્દનો મતલબ જ આરોગ્ય માટે જરૂરી વાયટાલિટી-જીવનિયતા આપતું તત્ત્વ. વિટામિનની ઊણપ માટે ગંભીરતાથી વિચારવું જરૂરી છે. માસ્ટર વિટામિન તરીકે ગણાતા વિટામિન-ડીની ઊણપ એ નાના બાળકોથી લઇને વયોવૃદ્ધ સુધીના લોકોમાં વધુ દેખાવા લાગી છે. મિનરલ્સમાં જરૂરી કેલ્શિયમ છે. વિટામિન-ડી અને કેલ્શિયમની જુગલબંધી છે, જે શરીરમાં હાડકાનું સ્વાસ્થ્ય અને બીજી ઘણીએ સમસ્યાના નિવારણ માટે જરૂરી છે.

સૂર્યતાપથી બચવા ચામડી ગોરી બનાવવા વપરાતા વિવિધ કોસ્મેટીકસનો પ્રયોગ સતત છાયામાં તથા એરકન્ડિશન્ડ બંધિયાર અને કૃત્રિમ પ્રકાશવાળા વાતાવરણમાં લાંબા કલાક સુધી રહેવું, સમયાભાવ અને સ્પર્ધાત્મક પરિસ્થિતિને પહોંચી વળવા ભૂખ, ઊંઘ, આરામ જેવા આરોગ્ય માટે જરૂરી બાબતોને અવગણવી, અનિયમિત અને પોષણ નહીં પરંતુ સ્વાદને ધ્યાનમાં રાખી ખવાતા ખોરાક જેવાં કારણો આધુનિક લાઇફ સ્ટાઇલમાં ટાળવા મુશ્કેલ છે. તેથી જ વધુ સંખ્યામાં યુવાવર્ગને અસર થાય છે. 

આજનાં તરુણો, યુવાનો શેરીમાં, ચોકમાં, મેદાનમાં રમવા જતાં નથી. ખુલ્લા વાતાવરણની રમતોનું સ્થાન વીડિયો મોબાઇલ ગેમે લઇ લીધું છે. વધુ ઇનડોર ગેમ પર ધ્યાન અપાય છે. એરકન્ડિશન્ડ વાહનો પણ સૂર્યતાપનું મળવું રોકે છે. ખાદ્ય પદાર્થમાંથી વિટામિન-ડી મળી શકે છે. પણ આધુનિક ભોજનમાં વધુ રસાયણ તેમ જ કેફેન પદાર્થનું સેવન જેવા કે ચોકલેટ, ચહા, કોલ્ડ્રીંક, કોફી, કોફીનું ચલણ અતિ પ્રમાણમાં વધ્યું છે. જેના કારણે વસા ખરાબ થાય છે. વસા (ચરબી)ના કારણે વિટામિન-ડીનું સ્તર જળવાઇ રહે છે. 

વસામાં વિટામિન-ડી એ ધુલનશીલ યોગિકનો એક સમૂહ છે. જે અન્ય જૈવિક કાર્યોની સાથે સાથે કેલ્શ્યિમ અને ફોસ્ફેટ આંતરડામાં અવશોષણ કરાવવા માટે જવાબદાર છે. મનુષ્યમાં આ સમૂહનો સૌથી મહત્ત્વપૂર્ણ યોગિક વિટામિન ડી-3,(કોલેકૈલ્સીફેરોલ) અને વિટામિન-ડી-2,(એગોકેલ્સિફેરોલ) છે.  આ ઊણપના કારણે હમણાંના સમયમાં ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ જ ઊંચું છે.

સૂર્યતાપની કમી અને ખોરાકમાં અખાદ્ય પદાર્થના સેવનના કારણે વિવિધ શારીરિક સ્થિતિમાં કમર, ડોક, ગળું, પેટ, આંતરડા, લિવર, પેન્ક્રીયાસ, કિડની, એડ્રીનલિન, થાઇરોઇડ, પેરાથાઇરોડ, જેવી ગ્રંથીઓ અને અવયવોમાં રક્તપરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી. શરીરમાં રસમાંથી બનતાં રક્ત, માંસ, મેદ, હાડકાં અને મજ્જા જેવી ધાતુઓના પોષણ માટે જરૂરી ધાત્વાગ્રિ-ભૂતાગ્રિનું કામ ખોરવાય છે કે તેના પર સીધી અસર શરીરની બહુઆયામી પાચન પોષણ મેટાબોલિઝમ ક્રિયા પર થાય છે. 

સૂર્યકિરણોમાં રહેલાં યુ.વી.બી.  કિરણો ત્વચામાં શોષાઇ અને ત્વચાગત 7-ડીહાઇડ્રોકોલેસ્ટ્રોલ પર પ્રક્રિયા કરી વિટામિન ડી-3 બનવા માટે જરૂરી પ્રારંભિક ક્રિયા કરે છે. માત્ર ખોરાકમાં રહેલાં પોષ્ટિક તત્ત્વો વિટામિન-ડી બનાવવા પર્યાપ્ત નથી. ચામડીમાં રહેલું વિશિષ્ટ 7 ડી હાઇડ્રોકોલેસ્ટ્રોલ ઉપરાંત અલ્ટ્રાવાયલેટ કિરણો ચામડીમાં શોષવા માટે પણ જરૂરી છે. શરીરનાં મહત્ત્વપૂર્ણ અંગો જેવા કે કિડની અને લીવરની જૈવ રાસાયણિક પ્રક્રિયા યોગ્ય રીતે કરવાની ક્ષમતા માટે જરૂરી છે. જેથી હાડકાંની બધી જ સમસ્યા પર નિયંત્રણ રહે છે.

વિટામિન-ડીની ઊણપ વિશે જાણ થતાં લોકો એવું વિચારે છે કે ડોકટર બ્લડ રિપોર્ટને આધારે નક્કી કરેલા ડોઝની ટીકડી લખી એટલે આની ઊણપ દૂર થઇ જશે. આ બાબત સત્ય નથી અને માત્ર દવાના જોર પર વિટામિન-ડીની ઊણપ દૂર કરવી એ સંપૂર્ણ ઉપચાર નથી. સૂર્યના કિરણો ત્વચા નીચે રહેલાં તત્ત્વો સુધી પહોંચે તે માટે ચામડીમાં રહેલા લોમરંધ્રો દ્વારા શોષણ યોગ્ય રીતે થવું જરૂરી છે. ત્યારે હાડકાં લીવર અને કિડનીની પરિણમનની ક્રિયા યોગ્ય રીતે થાય અને શરીરની કાર્યક્ષમતા જળવાઇ રહે છે.

ઘણાંય દોડવીરો કે રમતગમતની સાથે જોડાયેલા લોકો કેલ્શ્યિમ અને વિટામિન-ડીની ટીકડીઓ સાથે લે છે ત્યારે સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. આવું વિશ્લેષણમાં જોવામાં આવ્યું છે. તેથી ખોરાક દ્વારા અને સૂર્યનાં કિરણો દ્વારા કેલ્શ્યિમ અને વિટામિન-ડી લેવું જરૂરી છે. દોડવીર જે કેફેનવાળા કોલ્ડ્રિંકનું સેવન કરે છે. તેઓને હાથ-પગના હાડકા વળી જવાની સમસ્યા સૌથી વધુ દેખાય છે. 

વિટામિન-ડીની ઊણપથી ઘણીવાર ઓસ્ટિયોમેલેસિયાના લક્ષણો જેમાં હાડકાં નરમ અને મેરુદંડ (સ્પાયનલ કોડ) વળી જાય છે. જેમાં વિટામિન-ડીનું સ્તર લગભગ દસ એમ.જી. થઇ જાય છે. વૃદ્ધ લોકોમાં હાડકાંની  સમસ્યા વધુ છે તેની માટે યુવા વસ્થામાં જ ધ્યાન રાખવું જરૂરી છે. પછીથી આ સમસ્યાના ઉકેલ કરવો બહુ મુશ્કેલ છે. થોડી જ રાહત મળે છે. 

સ્વસ્થ સમુદાયમાં રહેવાવાળા વૃદ્ધોની સંખ્યા બહુ થોડી છે. સ્ત્રીઓમાં આ વિટામિનની ઊણપ ખૂબ નુકસાનદાયક છે. જન્મ લેનાર બાળક પર આની માઠી અસર પડે છે. તે જન્મતા જ નબળા રહે છે. સ્ત્રીઓના નખ સડી જાય છે. વાળ ખૂબ જ મોટા પ્રમાણમાં ખરી જાય છે. માટે કેફેનનું સેવન તેમ જ મીઠાઇઓ, ચીક્કીઓ, કેન્ડી, કોલ્ડ્રિંક જેવા ખાદ્ય પદાર્થનું સેવન સંદતર બંધ કરવું જોઇએ. વિટામિન-ડીની ઉણપ હાડકાંના ફ્રેકચરનું જોખમ વધી જાય છે. ઓસ્ટીયો પોરાસિસની સમસ્યા ચાલીસની ઉંમર પછી દેખાવા લાગે છે.

ખોરાકમાં સુધાર તેમ જ સૂર્યનાં કિરણો કે સૂર્યનમસ્કાર આ સમસ્યાને થોડા જ દિવસોમાં સાજું કરે છે. આ ઉનાળામાં સૂર્યનાં કિરણોનું યોગ્ય રીતે સેવન કરવું જરૂરી છે. ખોરાકમાં દૂધ, છાસ, માખણ, મશરૂમ અને યોગ્ય  શાકભાજી, ફળોનું સેવન આ સમસ્યાથી રાહત આપે છે. સાકરનું સેવન એસીડીટી વધારી દે છે. જેના કારણે હાડકાં પર અસર થાય છે. માઠાઇ બનાવવા નારિયેળની સાકર, પામ સુગરનો ઉપયોગ લેવો. જેથી ઉનાળામાં રી-હાઇડ્રેશનની સમસ્યા થતી નથી. ઠંડા સુપનું સેવન પાચનક્રિયાને સુધારે છે અને યોગ્ય પાચનથી વિટામિન-ડીની સમસ્યામાં સુધાર થાય છે.

આ માસ્ટર વિટામિન છે. જેની અવગણના ન કરવી. વૃદ્ધાવસ્થામાં થતી સમસ્યા કે મોટી વયનાં હાડકાંની સમસ્યા અતિદુ:ખદાયક હોય છે. તો યોગ્ય રીતે સૂર્યનો તાપ લેવો તેનાથી બચવું નહીં.