Sat Apr 18 2026

Logo

મોજની ખોજઃ અલ્યા, ટ્રમ્પ કોને મળવા ઠેઠ મુંબઈ આવ્યો...?

3 days ago
Author: Subhash Thakkar
Article Image

સુભાષ ઠાકર

‘અરે, દીવાનો મુજે પહેચાનો કહાં સે આયા મૈ હું કોન’ મારો રીંગટોન રણક્યો.
‘હેલ્લો ઠાકરિયા ટ્રમ્પ હિયર.’
‘પંપ? કયો પંપ સાઈકલનો કે પાણી કાઢવાનો કે પેટ્રોલ પંપ?’
‘અરે, પંપ નઈ ટોપા... ટ્રમ્પ- ધ પ્રેસીડન્ટ ઓફ અમેરિકા.’

‘નાનપણનો તારો ગોઠીયો સ્કૂલમાં સાથે...’
‘અરે..હા.. વાઉઉઉ ટ્રમ્પીયા તુંઉઉઉ?’ હું નાચણીયા ઘોડાની જેમ ત્રણ વાર અઢી ફૂટ ઉછળ્યો :

‘જા તારી કિટ્ટા. ડોન્ટ ટોક વીથ મી. સાલા, પટેલ બહારગામ જાય ને ભેશના ખીલા ભૂલી જાય એમ તું મને ભૂલી ગયો? તને ભાવનગરના ગાંઠીયા યાદ આવે છે પણ આ ગોઠીયો યાદ નથી આવતો.’

‘એવું નથી પણ આ ઈરાનના લફડામાં ભૂલી ગયો. યુ નો મેં તો અહી આવી સંસદમાં પણ કીધું અમારા ગુજરાતમાં એજ્યુકેશનનું સ્તર એટલું ઊંચું છે કે ત્યાંના ગાંઠિયાની દુકાન આગળ પણ બોર્ડ મારેલું ‘અહી ભાવનગરી ભણેલાગાંઠીયા મળશે.’

‘અરે ડોબા,, બુદ્ધિના બળદિયા ... ટુ ઈન વન એ ભણેલા નઈ વણેલા લખેલું છે, તું યાર મગજની મેથી ન માર મને તો ભૂલી ગયો પણ મારી ગુજરાતી ભાષાને પણ ભૂલાવી દઈશ... તું ભુરામાંથી ટ્રમ્પ બન્યો એમાં તારી જાતને મોટો માણસ સમજવા લાગ્યો પણ મોટા થવામાં બહુ માલ નથી મા પણ પછી કેડમાંથી નીચે ઉતારી દે.’

‘મા કેડમાંથી ઉતારે કે બાપા ખભા ઉપરથી પણ હું જે ધારું એ થવું જ જોઈએ.’

‘એ જીદ સારી નથી.  હું પણ ઘરમાં જે ધારું એ જ થાય પણ મારે શું ધારવું એ વાઈફ નક્કી કરે... બાકી ટ્રમ્પ બકા, ઈશ્વરે તને મગજ આપ્યું પણ અંદર બુદ્ધિ મુકવાનું ભૂલી ગયો. તારા લીધે આજે ચારે દિશામાં હાહાકાર મચી ગયો છે અને ગામેગામે ગામડેગામડે શહેરેશહેરે શહેરની ગલીએગલીએ... જીભેજીભે ચોરે ચૌટે ને સમગ્ર વાયુ મંડળમાં ગાજતો અને ગુંજતો એક જ પ્રશ્ન કે અમે ચોર્યાસી લાખ ફેરામાં પણ આટલો કાતિલ ખેલ જોયો નથી. આ ઈરાન સાથે તારું આ ઢિસુઅમ...ઢિસુમ... ધિક્કાર છે તારા પર.’

‘ધિક્કાર કરવાનો તને અધિકાર છે. હમણાં યુદ્ધવિરામ જાહેર કરી હું મુંબઈ આવું છું તારી સાથે મુક્કાલાત કરવા... 

બોલ, તારા માટે શું લેતો આવું?’
‘તું હજી મુલાકાતને મુક્કાલાત કહેવાનું ભૂલ્યો નથી. મારા માટે 200 ગેસ સિલિન્ડરના બાટલા ને 200 ટન પેટ્રોલ લઈ આવજે.’

‘બાપરે આટલું બધું? તમે ગેસથી સ્નાન કરો છો?’ ટ્રમ્પે પૂછ્યું.
‘અલ્યા ચરકટ, હમણાં દાદા ખલાસ થઈ ગયા ત્યારે ઘરના જેટલા રડેલા એના કરતાં તો ગેસ ખલાસ થયો ત્યારે વધુ રડેલા પછી બાજુવાળાએ ગેસ સિલિન્ડરનો બાટલો આપ્યો ત્યારે ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી’ જેટલો આનંદ થયો. સમજ્યો? તું આવ હું રિસીવ કરવા અંધેરી લેવા આવું છું.’

અંધેરી સ્ટેશને ટ્રમ્પ મને ભેટ્યો પછી ચમક્યો : ‘શું થયું? કેમ આમ ગરીબડી ગાય જેવું મોઢું થઇ ગયું છે?’

‘મોઢું જ નઈ હું આખો ગરીબડી ગાય જેવો બની ગયો છું. અરે, પેટ્રોલની બબાલમાં કોઈ સ્ટેશનની બહાર મારી સાઇકલ ચોરી ગયું ને એનું સ્કુટર મૂકી ગયું પછી એ સ્કુટરમાં પેટ્રોલ ભરાવી લેવાની દોડમાં બધા પેટ્રોલપંપ જતા જતા વધેલું પેટ્રોલ પણ ખલાસ થઈ ગયું...કીડા પડશે કીડા જે મારી સાઈકલ લઇ ગયું એને... હવે સાંભળ અહીં રાજાઓના જમાનાથી વર્ષો જૂની ‘અંધેરી નગરી ને ગંડુરાજા:’ નામની કહેવત પરથી આ પરાનું નામ અંધેરી પડેલું.

‘અત્યારે તારા જેવા ગંડુરાજાને લીધે આખા વિશ્વમાં અંધકાર છે. દેખ ટ્રમ્પ ભીડુ, યહાં ટ્રેનમેં બહોત ભીડ હોગી ટ્રેન આયેગી કે તુર્તજ પાંચ હનુમાન ચાલીસા બોલના ઓર ઈરાનવાળા બંદૂક લઇ તુજે મારને કો પીછે પડ્યા હોય ઐસા દોડકે લપાઈને અંદર ઘુસકે છુપ જાના. સમજા?’

 ‘બટ વાય?’

‘અરે ! વાય વાળી વચ્ચે રામમંદિર આવે છે. ને મંદિર આવે એટલે બહાર પગરખા ને અંદરના અભરખા કાઢવા પડે, સમજ્યો? ટ્રમ્પીયા તારા વાઈટ હાઉસના સોગંદ ખાઈને કહું છું તું અંધેરીથી ગોરેગામ સુધી ટ્રેનના ડબ્બામાં તારો એક પગ નીચે હશે પણ જો બીજો પગ નીચે મૂકી બતાવે તો મુંબઈનું આખું શૅરબજાર તારા નામે...! અહીં ટ્રેનમાં ટ્રેઈન થવાના પણ ક્લાસ કરવા પડે. ... 

મનમાં વિચારોની ભીડ, બુદ્ધિમાં જ્ઞાન અને આવડતના અહંકારની ભીડ, આત્મામાં પરમાત્માઓની ભીડ...આપણે એક પરમાત્માથી ચાલતું નથી એટલે મંદિર, હવેલી, ચર્ચ, દેરાસર, મસ્જિદ, ગુરુદ્વારા ઊભા કર્યા ને એમાં પેટા વિભાગ ઊભા કર્યા, કારણ ઈશ્વરે તને માણસ બનાવ્યો પણ માણસાઈ મુકવાનું ભૂલી ગયો લાગે છે... તારા લીધે આખુ વિશ્વ અશાંત બન્યું છે છતાં તને શાંતિ-એવોર્ડ જોઇએ છે.’ 
‘મેરે બબુલ પ્યારે પ્લીઝ યુદ્ધને રજા આપી દે...’

બોલો શું કહો છો?