Fri Apr 17 2026

Logo

લોકસભામાં મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર,સરકાર પાસે છે આ વિકલ્પો

1 hour ago
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: લોકસભામાં મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ પર મતદાન થયું હતું. જોકે, વિપક્ષે સાથ ના આપતા મહિલા  આ બિલો લોકસભામાં નામંજૂર થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે વિપક્ષને આ બિલોને સમર્થન આપવા અપીલ કરી હતી. જોકે, આખરે  મહિલા અનામત સંબંધિત આ બિલો લોકસભામાં પસાર થવામાં નિષ્ફળ ગયા હતા. જોકે, તેમ છતાં સરકાર પાસે આ બિલ અંગે હજુ અનેક વિકલ્પો છે. 

ચોમાસું કે બજેટ સત્રમાં રજૂ કરી શકે 

કેન્દ્ર સરકાર આ બિલની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેને ફરી એકવાર ચોમાસું કે બજેટ સત્રમાં રજૂ કરી શકે છે.  જેમાં ફરી વાર બિલ પર ચર્ચા અને મતદાન સહિતની સમગ્ર કાયદાકીય પ્રક્રિયા પછી નવેસરથી હાથ ધરવામાં આવશે.

સુધારા સાથે બિલ ફરી રજૂ કરવામાં આવી શકે

આ ઉપરાંત બિલને દક્ષિણ ભારતના રાજયોની માંગ મુજબ સુધારા સાથે ફરી રજૂ કરવામાં આવી શકે છે. જેમાં આ રાજ્યોના હાલનું પ્રમાણસર પ્રતિનિધિત્વ જાળવી રાખવું  સ્વીકારવામાં આવે તે જરૂરી છે. 

દક્ષિણ ભારતના રાજ્યોના પક્ષો સાથે સંકલન જરૂરી 

કેન્દ્ર સરકાર વર્ષ 2029માં મહિલા  અનામત લાગુ કરવા માંગે છે. તો તેણે ફરી એક વાર વિપક્ષી પાર્ટીઓ ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોના પક્ષો સાથે સહમતી બનાવવી પડશે.જોકે, હાલમાં દક્ષિણ ભારતના રાજ્યો સીમાંકન મુદ્દે કોઇ બાંધછોડ કરવા તૈયાર નથી. 

મહિલા અનામતને લાગુ કરવા મર્યાદિત સુધારો લાવી શકાય 

જ્યારે કેટલાક  નિષ્ણાતોના મતે વર્ષ 2029માં  મહિલા અનામતને લાગુ કરવા માટે એક અલગ  મર્યાદિત સુધારો રજૂ કરી શકાય છે. જોકે, સરકારની યોજના મહિલા  અનામત લાગુ કરવાની સાથે બેઠકોની સંખ્યા વધારવાની છે. નિષ્ણાતોનો મત છે કે 2029ની લોકસભા ચૂંટણી હાલના સીમાંકન મુજબ  543 બેઠકો પર લડવામાં આવશે. તેમજ  લોકસભા બેઠકોની કુલ સંખ્યામાં વધારો થશે નહીં. જેના લીધે મહિલા અનામત ક્વોટા પણ અમલમાં નહિ આવે.