તેહરાનઃ અમેરિકા અને ઈરાન વચ્ચે ઈસ્લામાબાદમાં શરૂ થનારી બીજા તબક્કાની શાંતિ મંત્રણા પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના નેતૃત્વમાં ટીમને ઈસ્લામાબાદ રવાના કરી છે તો ઈરાન આ વખતે શાંતિ વાર્તામાં ભાગ લેવા ઈચ્છુક હોય તેમ લાગતું નથી. ઈરાનના સ્પીકર મોહમ્મદ બાગેલ ગાલિબાફે કહ્યું કે, ધમકીના પડછાયામાં અમેરિકા સાથે કોઈપણ પ્રકારની શાંતિ વાર્તા થઈ શકે નહીં. જોકે પાકિસ્તાન તરફથી ઈરાનનું પ્રતિનિધિમંડળ વાટાઘાટોમાં સામેલ થશે તેમ કહેવામાં આવ્યું છે.
ટ્રમ્પની ધમકી અને હોર્મુઝની ખાડીમાં અમેરિકાની નાકાબંધીથી ઈરાન નારાજ છે અને આ કારણે ઈસ્લામાબાદ જવાનો ઈનકાર કર્યો હતો, જે બાદ પાકિસ્તાન તરફથી ઈરાનને મનાવવાની સતત કોશિશ થઈ રહી છે. હરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફે ટ્રમ્પને સણસણતો જવાબ આપ્યો છે.
શું કહ્યું ગાલિબાફે
ગાલિબાફે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને લખ્યું, નાકાબંધી કરીને તથા સીઝફાયર તોડીને આ પ્રકારની વાતીચીત ન થઈ શકે. ટ્રમ્પ હોર્મુઝ વિસ્તારમાં સતત નાકાબંધી કરીને અને યુદ્ધવિરામનો ભંગ કરીને આ વાટાઘાટોના ટેબલને પોતાની કલ્પનામાં શરણાગતિની ટેબલમાં બદલવા માંગે છે અથવા તો ફરીથી યુદ્ધને યોગ્ય ઠેરવવા માંગે છે. પરંતુ અમે ધમકીઓના દબાણમાં કોઈપણ પ્રકારની વાટાઘાટો કરવા તૈયાર નથી. છેલ્લા બે અઠવાડિયામાં અમે યુદ્ધના મેદાનમાં અમારા નવા પત્તા ખોલવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે.
ટ્રમ્પે શું કહ્યું
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, યુદ્ધમાં અમેરિકાની જીત થઈ રહી છે. ઈરાન સાથે ડીલ થયા બાદ હોર્મુઝથી અમેરિકન નૌસેના નાકાબંધી હટાવશે. આ ઉપરાંત ટ્રમ્પે કહ્યું, અમારી ટીમ ઈસ્લામાબાદ જઈ રહી છે. ઈરાને તેનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણ રીતે છોડવો પડશે. કોઈ પરમાણુ હથિયાર નહીં હોય. ટ્રમ્પે એમ પણ કહ્યું કે, તેમને ઈકાની નેતાઓ સાથે મુલાકાત કરવામાં કોઈ પરેશાની નથી, પરંતુ તેણે પરમાણુ ઈચ્છા છોડવી પડશે. આ ઉપરાંત તેમણે ચેતવણી આપી કે જો કોઈ સમજૂતી નહીં થાય તો પરિણામ વિનાશકારી રહેશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું મંત્રણા નિષ્ફળ જશે તો શું થશે. જેનો જવાબ આપતાં કહ્યું કે, હું આ અંગે તમને કંઈ કહેવા નથી માંગતો. તમે ખુદ કલ્પના કરી શકો છો કે તેનું પરિણામ સારું નહીં હોય.
આસિમ મુનીરે ટ્રમ્પ સાથે કરી વાત
ઈરાનના સૂત્રોએ જણાવ્યું કે, અમેરિકા સાથે પાકિસ્તાનમાં થનારી શાંતિ વાર્તામાં સામેલ થવા પર તેઓ વિચાર કરી રહ્યા છે. પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરે પણ ટ્રમ્પ સાથે હોર્મુઝની નાકાબંધીને લઈ વાત કરી છે. સૂત્રો મુજબ મુનીરે ટ્રમ્પને કહ્યું કે, અમેરિકા દ્વારા હોર્મુઝની નાકાબંધી વાતચીતમાં સૌથી મોટી અડચણ છે. ઈસ્લામાબાદ ટૉકને લઈ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં ન આવ્યો હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.