Tue Apr 21 2026

Logo

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ એક નાની છલાંગ અનેક ભયને ભગાડી શકે...

1 month ago
Author: Shweta Joshi Antani
Article Image

 

શ્વેતા જોષી-અંતાણી 

સવારના કૂણા તડકામાં નરમ ઘાસ પરથી ઝાકળબિંદુઓ હજુ ઝગારા મારી રહેલાં. ચોતરફ ઊંચા પહાડો વચ્ચેના મેદાન પ્રદેશમાં વહેતી નદીની ધારા ચાંદી માફક ચમકી રહેલી. નેહા એની અન્ય પાંચ બહેનપણી સાથે ટ્રેકિંગ માટે નીકળી હતી. સૌથી આગળ હતી કાવ્યા. લાંબી, આત્મવિશ્વાસથી ભરપૂર અને હંમેશાં બધી જ જગ્યાએ આગળ રહેવાની જીદ્દ ધરાવનારી. એની પાછળ ઈશિતા- સના અને તૃષા. સૌથી પાછળ ચાલી રહી હતી નેહા. સોળ વર્ષની, આખા ગ્રુપમાં સૌથી નાની અને કદાચ સૌથી ઓછું બોલનારી...    

નેહાના શૂઝ થોડાં જૂનાં હતાં. બેગમાં મમ્મીએ આપેલો સાધારણ ઘરે બનાવેલો નાસ્તો. બીજી છોકરીઓના એકદમ નવાં બ્રાન્ડેડ ટ્રેકિંગ શૂઝ, સ્ટાઇલિશ જેકેટ અને ગોગલ્સ પહેરેલાં ચહેરાઓ સામે નેહાને પોતાનો કાળી ફ્રેમના ચશ્મા, લોકલ માર્કેટમાંથી ખરીદેલાં શૂઝ અને પપ્પાનું જૂનું જેકેટ જોઈ અજૂગતું લાગી રહેલું. ટ્રેકિંગ કેમ્પમાં બધાં મોટાં અવાજે ગીતો ગાતાં, મજાક-મસ્તી કરી રહ્યાં હતાં સોશ્યલ મીડિયાના નવા ટ્રેન્ડ્સ પર વાતો કરતી, ફોટા પડાવતી, અકારણ હસતી રહેતી છોકરીઓને જોઈ નેહા પણ કોઈ વાતમાં ખબર પડે કે ના પડે, છતાં  બધામાં રસ લેવા આતુર જોકે નેહાના મનમાં એક નાનકડો ડર હતો: હું ક્યારે આ લોકો જેવી બની શકીશ?

સહુ કોઈ ટ્રેકિંગ ઇન્સ્ટ્રક્ટરના કહેવા પ્રમાણે નદીના કિનારે કિનારે ચાલી રહેલી. રસ્તામાં નાના-નાના પાણીનાં  ઝરણાઆં માછલીઓ કે દેડકાના બચ્ચાં તરતાં દેખાતાં. આસપાસ પતંગિયાઓ ઉડાઉડ કરી રહેલા. હવામાં ચીડનાં વૃક્ષોની સુગંધ ફેલાયેલી હતી.   

નેહાને તો જોકે આ બધું જોઈને જ સખ્ત રોમાંચ અનુભાઈ રહ્યો હતો.  થોડી દૂર જતાં પાણીનો ફ્લો વધવા લાગ્યો. દૂરથી જ વોટરફોલનો અવાજ સંભળાય રહ્યો હતો. થોડું વધુ ચાલતાં દૂધ જેવા સફેદ ધોધ પર સૂર્યનાં કિરણોમાં ચમકતાં દેખાયાં. બધી છોકરીઓ ખુશખુશાલ થઈ ઊઠી. પાસે એક મોટી ચટ્ટાન પર જઈ સહુ પોતાના શૂઝ ઉતારવા લાગ્યા. નેહાના મનમાં ખચકાટ થયો. આટલું ચાલવામાં એના શૂઝ નીચેથી સાવ ઘસાય ગયેલાં. 

હજુ અવઢવ પૂરી ના થઈ ત્યાં કોઈએ સેન્ડવીચ કાઢી, કોઈ જ્યુસની બોટલ તો કોઈ પેસ્ટ્રીનું બોક્સ ખોલવાં લાગ્યું. એક ખૂણા તરફ આડું મોં રાખી નેહાએ ચૂપચાપ પોતાનું નાનકડું ટિફિન ખોલ્યું. જેમ કોઈનું એના જૂતાં પર ધ્યાન નહોતું એમ જ કોઈએ એના ટિફિન પર ધ્યાન ના આપ્યું, પણ નેહા અંદરથી સખ્ત ઈન્ફિરીયારિટી અનુભવવા લાગી. પોતે કંઈક અન્યો કરતાં ઊતરતી છે એ ભાવ નેહા પર હાવી થવા લાગ્યો. એના મનમાં આ આખાં ટોળાં વચ્ચે ‘ઓડ મેન આઉટ’ જેવી લાગણી ઊભરી આવી.

એવામાં કાવ્યા ઝડપથી ઊભી થતાં બોલી, ‘ચાલો, આપણે ઉપર તરફ જઈએ. ત્યાંથી નીચેનો આખો વ્યૂ ખૂબ સરસ લાગતો હશે’ કાવ્યા કહે ને કોઈ ના પાડે ખરું! બધાં થયાં ઊભા ને ધીમે-ધીમે કાવ્યાની પાછળ આખો કાફલો ચાલવા લાગ્યો. નેહાને પોતાના જૂતાની ક્ષમતા પર ભરોસો નહોતો, પણ એ ના પાડી શકી નહીં.

ઉપર જવા માટે ધોધમાંથી ફાંટો પાડી નીકળતાં નાનકડાં ઝરણાંની ધારને પાર કરવી પડે એમ હતી. છોકરીઓ એક પછી એક કૂદીને બીજી તરફ પહોંચી જવા લાગી. એ એકબીજાને ચીડવતી, હસતી, વાતો કરતી પાણી ઠેકતી ગઈ. નેહા જાણીજોઈને પાછળ રહી ગયેલી. મૂળ એના શૂઝની ગ્રીપ સરખી નહોતી. પાણીનું વહેણ વધારે હતું. ત્યાંથી જો પગ લપસ્યો તો પછી આવી જ બન્યું સમજો. એનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. હાથમાં પસીનો વળી ગયો. 

મન ચોખ્ખી ના પાડવાં લાગ્યું, ‘બેસી જા બેન, રહેવા દે. આપણે અહીં સુધી આવ્યાં એ ઘણું છે.’ ત્યાં તૃષાની બૂમ સંભળાય, ‘ઓ નેહા, અહીં  આવવા તને જુદું ઈન્વિટેશન આપવું પડશે કે શું?’ સાંભળી ગ્રૂપમાં હસાહસ થઈ પડી. નેહા બિચારી ઓઝપાય ગઈ. એ નીચી નજર નાખી એના ગ્રીપ વગરના શૂઝને નિહાળતી ઊભેલી ત્યાં એને ઈશિતા પાછી આવતી દેખાઈ. એ નેહા સામે ઊભી રહેતાં બોલી, ‘આરામથી આવ, જૂતાં કાઢી હાથમાં પકડી લે. શરમાવાનું છોડ, હું અહીં જ છું.’

ઈશિતાના અવાજમાં ના હાસ્ય હતું, ના કોઈ મજાક-મસ્તી. એના શબ્દો પર ભરોસો કરી નેહાએ ઊંડો શ્વાસ લીધો. એણે જાતને કહ્યું, ‘હું આ તો કરી શકીશ. આ માત્ર નાનકડી પાણીની ધાર છે. કોઈ મોટો પહાડ નથી ઓળંગવાનો.’ એણે દોડીને છલાંગ લગાવી. એક કાચી સેક્ધડ માટે એનો પગ લપસ્યો, પણ એ જ ક્ષણે ઈશિતાએ એનો હાથ ઝાલી લીધો. 

હૃદયના ધબકારા હજુ પણ વધારે હતાં, પણ બંનેના ચહેરા પર અનાયાસે જ હાસ્ય ફરકી ગયું. બંને છોકરી સામ સામે તાળીઓ આપી. ઈશિતાએ એના જૂતાં હાથમાં લેતાં કહ્યું, ‘નેહા, આઈ નેવર જજ સમવન બાય થીંગ્સ ધે હેવ.’ નેહાએ હસીને માથું હલાવ્યું. આ ઝરણું પાર કરવામાં ઈશિતાએ લંબાવેલા હાથે એનામાં ઉગી રહેલાં ઈન્ફિરિયારિટી કોમ્પલેક્ષને જાણે બહાર ખેંચી લીધેલું.

ઉપરથી દેખાતાં  દ્રશ્યો ખરેખર અદ્ભુત હતા. નેહાને લાગ્યું જો એ અહીં  ના આવી હોત તો જિંદગીની અમૂલ્ય ક્ષણો માણવાથી વંચિત રહી જાત. પાછાં ફરતાં રસ્તામાં એ બધાથી પાછળ નહોતી ચાલતી. એ કાવ્યા અને ઈશિતા સાથે બરાબર કદમ મિલાવીને ચાલી રહેલી. એની વાતોમાં રસ લેતાં હવે એ જાતને સાબિત કરવા બેચૈન નહોતી. એને સમજાય ગયેલું કે, અમુક જાતે ઊભા કરેલાં ડરને નાથવા, નાનકડી એવી છલાંગ પણ પૂરતી હોય છે.