Fri Apr 17 2026

Logo

ટ્રમ્પે ફરી કર્યો મોટો ધડાકો, કહ્યું ઈરાનનું અસ્તિત્વ ખતમ, ઈરાન નષ્ટ થઈ ગયું...

Washington DC   3 weeks ago
Author: Mumbai Samachar Team
Article Image

Brendan Smialowski/AFP


વોશિંગટનઃ રાજકારણમાં નેતાઓના નિવેદનો એટલા ઝડપથી બદલાઈ જાય છે કે, તેમના મનમાં ખરેખર શું ચાલી રહ્યું છે તે સમજવું મુશ્કેલ બની જાય છે. કંઈક આવું જ હાલ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે પણ જોવા મળી રહ્યું છે. ઈરાન સાથે શરૂ થયેલા યુદ્ધ પછી તેમના નિવેદનોમાં ઘણો વિરોધાભાસ જોવા મળ્યો છે. ટ્રમ્પ ઘણાય વિવાદાસ્પદ નિવેદન આપે છે તો ક્યારેક પોતાના જ નિવેદનથી પલટી મારી જાય છે. આવી જ એક ઘટના ફરી જોવા મળી, જ્યારે બે પોસ્ટ અને અચાનક લેવાયેલા યુ-ટર્નથી આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ.

યુદ્ધ હજું બાકી છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે માત્ર એક કલાકની અંદર ઈરાનને લઈને સોશિયલ મીડિયા પર બે પોસ્ટ કર્યા. બંને પોસ્ટ એવા છે કે કોઈપણ વાંચે તો કન્ફ્યુઝ થઈ જાય કે ટ્રમ્પ ખરેખર શું કહેવા માંગે છે. બંને નિવેદનોમાં રહેલા વિરોધાભાસને કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે. પહેલા નિવેદનમાં તેમણે ઈરાન પર સંપૂર્ણ જીતના સંકેત આપ્યા, જ્યારે બીજા નિવેદનમાં હોર્મુઝનો ઉલ્લેખ કરીને કહ્યું કે યુદ્ધ હજુ પૂર્ણ થયું નથી.

પહેલી પોસ્ટમાં ટ્રમ્પે શું કહ્યું?
પહેલી પોસ્ટમાં તેમણે તેહરાન સામે જીતનો દાવો કરતા લખ્યું હતું કે, અમેરિકાએ ઈરાનને નકશામાંથી મિટાવી દીધું છે. તેમનું નેતૃત્વ સમાપ્ત થઈ ગયું છે, તેમની નૌકાદળ અને વાયુસેના નષ્ટ થઈ ગઈ છે અને હવે તેમના પાસે કોઈ રક્ષણ તંત્ર બાકી નથી. આ નિવેદનથી ટ્રમ્પે એવો સંકેત આપ્યો કે, ઈરાનની સેનાશક્તિ અને નેતૃત્વ સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ ગયું છે, પરંતુ તેના થોડા જ સમય બાદ તેમણે ફરી એક પોસ્ટ કરીને કડક ચેતવણી આપી અને સ્પષ્ટ કર્યું કે સંઘર્ષ હજુ પણ સમાપ્ત થયો નથી. બીજી પોસ્ટમાં ટ્રમ્પે એ કહ્યું હતું કે, જો ઈરાન 48 કલાકની અંદર કોઈ ધમકી વિના હોર્મુઝને સંપૂર્ણ રીતે ખુલ્લું નહીં કરે, તો યુનાઇટેડ સ્ટેટ્સ તેમના વિવિધ ઊર્જા પ્લાન્ટ્સ પર હુમલો કરીને તેમને નષ્ટ કરી દેશે.

પહેલાં પણ આપી ચૂક્યા છે વિવાદાસ્પદ નિવેદનો
ટ્રમ્પ ઈરાન યુદ્ધને લઈને પહેલા પણ ઘણા વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂક્યા છે. તા. 2 માર્ચે તેમણે કહ્યું હતું કે આ યુદ્ધ 4 અઠવાડિયા અથવા તેનાથી ઓછા સમયમાં પૂરુ થઈ જશે. એ જ રાત્રે ફરી તેમના નિવેદનમાં ફેરફાર જોવા મળ્યો અને તેમણે કહ્યું કે તેઓ અનિશ્ચિત સમય સુધી લડવા માટે તૈયાર છે. આ યુદ્ધના કારણે સમગ્ર મિડલ ઈસ્ટમાં સ્થિત તણાવગ્રસ્ત બની રહી છે. ક્રૂડ અને ગેસની સપ્લાયમાં ખલેલ પહોંચી છે. એશિયા અને યુરોપ સહિતના અનેક રાષ્ટ્રો ક્રૂડને લઈને કટોકટીનો સામનો કરી રહ્યા છે. ટ્રમ્પના આ નિવેદનથી દુનિયામાં અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ ચૂકી છે. 3 માર્ચે તેમણે જણાવ્યું હતું કે ઈરાન સામેની જંગ હંમેશા માટે ચાલુ રહી શકે છે. ટ્રમ્પે “મિશન કમ્પ્લીટ” થયાનું પણ કહ્યું હતું. બીજી તરફ, અમેરિકાના રક્ષામંત્રી એ પત્રકારોને જણાવ્યું હતું કે જંગ હજુ વધારે ભયાનક થઈ રહી છે.