Mon May 25 2026

Logo

ટેરર ફન્ડિંગ કેસનું જુઠ્ઠાણું ચલાવી સાયબર ઠગે 40 લાખ રૂપિયા પડાવ્યા

2 hours ago
Author: Yogesh C. Patel
Article Image

થાણે: ટેરર ફન્ડિંગ કેસમાં ધરપકડ કરવાની ધમકી આપીને સાયબર ઠગે પોલીસના સ્વાંગમાં થાણેના સિનિયર સિટીઝન પાસથે 40.5 લાખ રૂપિયા પડાવ્યા હતા. થાણેના માજીવડા વિસ્તારમાં રહેતા 70 વર્ષના વેપારીને 9 એપ્રિલથી 28 એપ્રિલ દરમિયાન ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. વેપારીની ફરિયાદને આધારે રાબોડી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ રામ ગાયકવાડ, પ્રેમ કુમાર ગૌતમ અને રાકેશ અગ્રવાલે પોલીસ અધિકારીના સ્વાંગમાં ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદીને ડરાવીને મોબાઈલમાં સિગ્નલ ઍપ ડાઉનલૉડ કરવાનું કહેવામાં આવ્યા પછી તેના માધ્યમથી વીડિયો કૉલ કરાયો હતો. એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડે ફરિયાદી વિરુદ્ધ લખનઊમાં કેસ નોંધ્યો છે, એવું આરોપીએ કહ્યું હતું. 

આતંકી ગુના સંબંધી નાણાં ફરિયાદીના ખાતા ટ્રાન્સફર થયાં હોવાથી તેમની વિરુદ્ધ વૉરન્ટ ઇશ્યુ કરાયા છે, એવું કહીને આરોપીએ ધરપકડ કરવાની ધમકી આપી હતી. બાદમાં વિવિધ કારણો રજૂ કરી ફરિયાદીને અલગ અલગ છ બૅન્ક ખાતાંમાં 40.5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાની ફરજ પડાઈ હતી. આ પ્રકરણે પોલીસ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)