Mon May 25 2026

Logo

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો વૈશ્વિક કટોકટી છે, સંગ્રહ ન કરો: ફડણવીસ

41 minutes ago
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને વૈશ્વિક કટોકટી ગણાવી હતી લોકોને સંગ્રહ ન કરવાની અપીલ કરી હતી, કારણ કે એમ કરવાથી પુરવઠા પર દબાણ આવશે. 

આજે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 2.61 રૂપિયા અને ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જે બે અઠવાડિયાથી ઓછા સમયમાં ચોથો વધારો છે. 15 મે પછી આ વધારો પ્રતિ લિટર કુલ 7.5 રૂપિયા થયો છે. પરિણામે ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં પેટ્રોલ - ડીઝલના ભાવ વધારા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા અને રાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા પછી સરકાર ગ્રાહકો પર બોજ નાખવાનો આરોપ મૂક્યો હતો.

સરકાર દ્વારા લાદવામાં આવેલા કરવેરા અને તેના નીતિગત નિર્ણયને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હોવાના વિપક્ષના આરોપો અંગે પૂછવામાં આવતા ફડણવીસે મુંબઈમાં સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 'તમે બધા જાણો છો કે આ એક વૈશ્વિક કટોકટી છે. 

વૈશ્વિક કટોકટીને કારણે પુરવઠો ખોરવાઈ ગયો છે અને વિશ્વભરના ઘણા દેશોએ પેટ્રોલ અને ડીઝલ સંબંધિત કટોકટી જાહેર કરી છે. કેટલીક જગ્યાએ બે દિવસ માટે લોકડાઉન પણ કરવામાં આવ્યું છે.'

મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે 'ખેડૂતો પણ કેનમાં ડીઝલની માંગ કરે છે, ખાસ કરીને આ સિઝનમાં. સામાન્ય રીતે અમે એ રીતે નથી આપતા, પરંતુ આ સિઝન દરમિયાન અમે ખેડૂતોને આપીએ છીએ. જોકે, પછી ઈંધણ નહીં મળે એવા ભયથી માંગમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે.'