Fri Apr 17 2026

Logo

ભારત-બાંગ્લાદેશના સંબંધો પર શું બોલ્યા તારિક રહેમાન? જીત બાદ યોજી પહેલી પ્રેસ કોન્ફરન્સ

Dhaka   2 months ago
Author: Vimal Prajapati
Article Image

ઢાકા: બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ની બાંગ્લાદેશમાં ભવ્ય જીત થઈ છે. ભારે બહુમત સાથે સાથે જીતેલી બીએનપીના અધ્યક્ષ તારિક રહેમાને જીત બાદ પહેલી પ્રેસ કોન્ફરન્સ યોજી છે. આ પ્રેસ દરમિયાન જ્યારે તેમને ભારત અને બાગ્લાદેશના સંબંધો વચ્ચેના સંબંધો અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે માત્ર એક લાઈનમાં જવાબ આપી દીધો હતો. અત્યારે ભારત અને બાંગ્લાદેશની વચ્ચે સંબંધો સારા નથી. બાંગ્લાદેશમાં અનેક હિંદુઓની હત્યા કરવામાં આવી હતી, જેના કારણે બાંગ્લાદેશ વિવાદમાં આવ્યું હતું. હવે બાંગ્લાદેશમાં બીએનપીની જીત થઈ છે તો બંને દેશો વચ્ચે કેવા સંબંધો સ્થાપિત થશે તે એક પ્રશ્ન છે?
 
ભારત અને બાંગ્લાદેશના સંબંધો કેવી રીતે આગળ વધારશે?

આ ચૂંટણીમાં મોટી જીત મેળવ્યા પછી યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારે તારિક રહેમાનને પૂછ્યું કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોને આગળ કેવી રીતે વધારવા માંગો છો? આ પ્રશ્નનો જવાબ આપતા તારિક રહેમાને કહ્યું કે, ‘અમારા માટે બાંગ્લાદેશ અને બાંગ્લાદેશના લોકો પ્રથમ છે. બાંગ્લાદેશ અને તેના લોકો માટે જે વધુ સારું થાય તે જ અનુસાર અમારી વિદેશ નીતિ નક્કી થશે’. તારિક રહેમાનના આ જવાબમાં વિદેશ નીતિ સ્પષ્ટ રીતે સમજાઈ શકે તેમ નથી. 

17 વર્ષ પછી બાંગ્લાદેશ પાછા આવેલા તારિક રહેમાને શું કહ્યું?

તારિક રહેમાન 17 વર્ષ પછી લંડનથી ફરીને આવ્યા છે અને શેખ હસીના સરકારના પતન પછી બીએનપીને ચૂંટણીમાં વિજય અપાવ્યો છે. ‘આ વિજય લોકશાહી માટે બલિદાન આપનારા લોકોનો છે. આજથી આપણે સાચી સ્વતંત્રતા અને અધિકારો સાથે મુક્ત છીએ’ તેવું તારિક રહેમાને કહ્યું હતું. આ પ્રેસ દરમિયાન બાંગ્લાદેશના અન્ય મુદ્દાઓ પર પણ તારિક રહેમાને અનેક વાતો કરી હતી. ખાસ કરીને બાંગ્લાદેશ ચીન સાથેના સંબંધોને વધારે મજબૂત કરશે તેવું તારિક રહેમાનના નિવેદન પરથી લાગ્યું છે.