Sun Apr 19 2026

Logo

સોલિડ કોમેડી સરહદ પારની... પાકિસ્તાન હાજિર હો!

2 hours ago
Author: Sanjay Chhel
Article Image

મિજાજ મસ્તી - સંજય છેલ

ટાઇટલ્સ:

ઇતિહાસ સમજાય તો ટ્રેજેડી, નહીંતર કોમેડી. (છેલવાણી)

એક ગરીબ પાકિસ્તાની દુઆ માગે છે: ઉપરવાલે, ખાને કો રોટી, પહનને કો કપડા, રહને કો મકાન દે.

આ સાંભળીને મુલ્લાજીએ કહ્યું, ‘આ બધું તે કંઇ માગવાની ચીજ છે? ઉપરવાળા પાસે કોઇ મહાન ચીજ માગ!’

‘આપ શું દુઆ માગો છો?’

‘હું તો માગુ કે મને ધર્મ આપ, પ્રમાણિકતા આપ!’

હા, ઇન્સાન એ જ માગેને, જે એની પાસે ના હોય?’ ગરીબે કહ્યું

પાકિસ્તાની સમાજનાં ધાર્મિક દંભ વિશે આવું કોઇ ભારતીયે નથી લખ્યું, પણ પાકિસ્તાનના જ અદ્ભુત વ્યંગકાર ‘ઇબ્ને ઇન્શા’એ ઉર્દૂ કી આખિરી કિતાબમાં ચાબખાં મારતી રમૂજો લખી છે.

આજકાલ ઈરાન સાથે અમેરિકા-ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે પાકિસ્તાન ફરી ચર્ચામાં છે. 

ત્યારે ઇબ્નેજીની જલદ ઝુબાની ફરીફરીને યાદ આવે છે. જેમ કે...

‘ઈંગ્લેન્ડમાં કોણ વસે છે?’

‘અંગ્રેજો.’

‘ફ્રાંસમાં કોણ વસે?’

‘ફ્રેંચ લોકો!’

તો પાકિસ્તાનમાં પાકિસ્તાની કૌમ રહેતી હશેને? ના એમાં સિંધી, પંજાબી, બંગાળી કૌમ પણ છે!

પંજાબી ને સિંધીઓ તો હિન્દુસ્તાનમાં પણ છે. તો અલગ દેશ કેમ બનાવ્યો?

ભૂલ થઇ ગઈ. બીજીવાર નહીં બનાવીએ.

એ જ રીતે ભાગલા પછી, અંગ્રેજરાજ સાથે ગરીબ પાકિસ્તાનને સરખાવીને કરુણ કોમેડી પણ કરી છે:

 અંગ્રેજો કારીગરોનાં અંગૂઠા કાપી લેતા. હવે આપણાં ઉદ્યોગપતિઓ આખેઆખા કારીગરોને જ કાપી નાખે છે. આઝાદી પહેલાં અંગ્રેજો અને શેઠિયાઓ બેઉ આપણને લૂંટતા. આપણને લાગ્યું કે આઝાદી પછી એ જુલમ બંધ થાય ને પછી આપણા શેઠિયાઓ જ એકલા આપણને લૂંટે. તો ચલો, હવે એ ઈચ્છા પૂરી થઇને?

જોકે એ જ ધારદાર વ્યંગકાર ઇબ્ને ઇન્શાજી જ્યારે ‘ભારત’ વિશે લખે છે ત્યારે એમની રમૂજમાં ભારત માટે જરાયે અનાદર નથી ઊલટાનું એ બહાને પાકિસ્તાનને ફટકા મારે છે:

‘આ ભારત છે! જ્યાં ગાંધીજી જન્મેલા, જેમને લોકો ‘મહાત્મા’ કહેતાં અને એટલે જ લોકોએ એમને મારી પણ નાખ્યા. પછી ત્યાં જ સમાધિ બનાવી. 

મોટામોટા દેશોનાં નેતાઓ ભારત આવે ત્યારે ગાંધીજીની સમાધિ પર ફૂલો ચઢાવે. ગાંધીજી માર્યાં ગયાં ના હોત તો વિદેશીઓ પાસે ફૂલો ચઢાવવાની કોઈ જગ્યા જ ના હોત! પાકિસ્તાનીઓ ઝીણાંસાહેબનાં આભારી છે કે જાતે જ ચૂપચાપ મરી ગયાં ને ફૂલો ચઢાવવા માટે એક જગ્યા ઊભી કરી આપી. નહીં તો ગાંધીજીની જેમ આપણે ઝીણાંને મારી નાખવા પડત!’

ઇન્ટરવલ:

સિકંદરને પોરસ સે કી થી લડાઇ,
જો કી થી લડાઇ, તો મૈં ક્યા કરું? 
(રાજા મહેંદી અલીખાન)

ઇબ્ને ઇન્શાએ મુગલ શાસકોને પણ છોડયા નથી. અકબર વિશે લખે છે, ‘બિરબલના ટૂચકાઓમાં તો તમે અકબરનું નામ સાંભળ્યું જ હશે. અકબરના ચિત્રો જોઇને લાગે છે કે એ હંમેશાં દાઢીમાં પાંથી પાડીને, કડક મૂછો કરીને, ઘૂંટણીયે બેસીને ફૂલ સુંઘતો હશે અથવા તો બિરબલના જોક્સ સાંભળતો હશે! અકબર અભણ હતો પણ એટલે જ સારી રીતે રાજ ચલાવી શક્યો, એવું ઘણાં માને છે. અકબરનાં દરબારમાં ભણેલા નોકરો હતાં જે ‘નવ-રત્ન’ કહેવાતા. આ પરંપરા હજૂય ચાલુ છે કે અભણ લોકો ભણેલાંઓને નોકર બનાવે છે ને ભણેલાઓ પાછા એ વાત પર ગર્વ પણ કરે છે! 

અકબર પછી જહાંગીર દિલ્હીના તખ્ત પર બેઠો, કારણકે જહાંગીર, અકબરનો પુત્ર હતો. જો બાપ હોત તો ચોક્કસ અકબર પહેલાં રાજગાદી પર બેસત. એની પત્ની નૂરજહાં, (પાકિસ્તાની ગાયિકા ને હીરોઈન નૂરજહાં નહીં હો..) બહુ સુંદર હતી ને જવાનીમાં કબૂતરોને પકડવામાં માહિર હતી. નૂરજહાંની કબૂતર પકડવાની કળા જોઈને જ જહાંગીરે એને જ પકડી પાડી ને પછી પરણી ગયો.

જહાંગીર એની સુંદર પત્ની સિવાય બાદશાહ તરીકેના ‘અદલ ઇન્સાફ’ માટે પણ પ્રખ્યાત હતો. જહાંગીરે પ્રજા માટે 24 કલાક ન્યાય મેળવવા, રાજમહેલના ઝરુખા બહાર એક સાંકળ સાથે ઘંટ બાંધી રાખેલો, જે વગાડીને નાગરિક ગમે ત્યારે ન્યાયની અપીલ કરી શકે, પણ થતું એવું કે જેવો કોઈ ફરિયાદી ઘંટ વગાડવા આવે કે ત્યાં બેઠેલો વોચમેન એને દંડો મારી ભગાડી દેતો, છતાંયે કોઈ ઘંટ વગાડી જાય ને જહાંગીરની રાતબેરાત ઊંધ બગડે તો એને સજા પણ મળતી. આજે સરકાર આવા ઘંટ ને સાંકળ બાંધતી હોત તો લોકો એ બેઉને ચોરીને ભંગારમાં વેચી મારત! ઇબ્ને ઇન્શાએ વિવાદાસ્પદ બાદશાહ ઔરંગઝેબ માટે લખે છે ત્યારે ફૂલ ફોર્મમાં હોય છે: ઔરંગઝેબ એકવારની નમાઝ પણ છોડતો નહીં ને એજ રીતે એણે એકેય ભાઇઓને પણ જીવતા છોડ્યા નહોતા!

બોરિંગ ઔરંગઝૈબ: ‘ના સંગીત સુનુંગા ઔર ના સુનને દૂંગા’ની પૉલિસીમાં માનતો. ઔરંગઝેબની જ્યારે અંતિમયાત્રા નીકળી ત્યારે કોઇએ પૂછયું: ‘આ કોનો જનાઝો છે?’

‘સંગીતનો જનાઝો!’ જનતામાંથી કોઇ બોલ્યું.

એ જ રીતે ઇબ્નેજી ‘તાજ મહેલ’ ફેઇમ રોમેંટિક રાજા શાહજહાં માટે કહે છે:

‘શાહજહાંએ અનેક મહેલો કે કિલ્લા બનાવ્યા એટલે ઘણાંને એમ લાગે કે એ નક્કી કોઇ બિલ્ડરનો બેટો હશે અથવા સરકારી બાંધકામ વિભાગમાં કામ કરતો હશે. પણ ના એ બાદશાહ હતો ને દૂરંદેશી હતો, કારણ કે જો તાજ મહેલ ના હોત તો ભારતમાં ટૂરિઝમ બિઝનેસ વિકસત કઇ રીતે? તાજ મહેલ ના હોત તો તાજ મહેલ છાપ બીડી કે ચા ના હોત. તાજ મહેલ વિના લોકો કેલેંડર પર ફોટાં કોના છાપત?’

શું છે કે ખુદ પર કે ખુદના દેશ સમાજ પર હસીને ‘હાલાતની લાત’ ઝીલીને મન મનાવવું એય એક કળા છે ને એનો આગવો અંદાઝ છે.

સેંસ ઓફ હ્યુમર, સહિષ્ણુતાની સૌથી મોટી સાબિતિ છે.

એન્ડ ટાઈટલ્સ:

આદમ: તું ઇતિહાસ જાણે છે?

ઇવ:  હાસ્તો...તારો !