ભારતમાં મોટા ભાગના લોકોની સવાર ચાના કપ વગર અધૂરી માનવામાં આવે છે. ચા માત્ર એક પીણું નહીં, પણ દિવસભરની સ્ફૂર્તિ જાળવી રાખવાનું 'એનર્જી બૂસ્ટર' છે. ઘણા લોકોને જો ચા ન મળે તો દિવસભર સુસ્તી અને તણાવનો અનુભવ થાય છે. જોકે, આ આદત ધીમે-ધીમે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. ઘણા બોલીવુડ સેલિબ્રિટીની ડાયેટિશિયન રૂજુતા દિવેકરે ચા પીવા અંગેના કેટલાક પાયાના નિયમો સમજાવ્યા છે, જે આપણી રોજીંદી આદતોમાં સુધારો લાવીને સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ થઈ શકે છે.
વધુ પડતી ચા પીવાથી શું થાય?
ડાયેટિશિયનના મતે, કોઈપણ વસ્તુની અતિશયતા નુકસાનકારક હોય છે. તેમના જણાવ્યા મુજબ, દિવસમાં બે થી ત્રણ કપ ચા પીવી સ્વાસ્થ્ય માટે પર્યાપ્ત છે. તેનાથી વધુ સેવન કરવાથી શરીરમાં કેફીનનું પ્રમાણ વધી જાય છે, જેની નકારાત્મક અસરો જોવા મળે છે. એક સંશોધન મુજબ, જે લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછી ત્રણ વાર ખાંડ વગરની અને ઓછા દૂધવાળી ચા પીએ છે, તેમનામાં હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ 20% જેટલું ઓછું જોવા મળ્યું છે.
સવારની શરૂઆત ચાથી કરવાનું ટાળો
મોટાભાગના લોકોની આદત 'બેડ ટી' લેવાની હોય છે, પરંતુ આ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. કેફીન મગજને જગાડવાનું કામ તો કરે છે, પણ સાથે જ તે બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા પણ વધારે છે, જે લાંબા ગાળે તણાવનું કારણ બને છે. દિવસની શરૂઆત ચાને બદલે તાજા ફળોથી કરવી જોઈએ. સવારે ફળ ખાવાથી પાચનશક્તિ સુધરે છે, બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને આખો દિવસ કામ કરવાની કુદરતી શક્તિ મળે છે.
આ સમયે ચા પીવો જોઈએ
ચા પીતી વખતે સમયનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સાંજના સમયે ચા પીવાથી રાતની ઊંઘમાં ખલેલ પડી શકે છે, જેનાથી ચિડિયાપણું અને અનિદ્રા જેવી સમસ્યાઓ થાય છે. ઉપરાંત, ઘણા લોકો ભોજનની સાથે કે તરત પછી ચા પીવાનું પસંદ કરે છે, પરંતુ ચા એક 'ગેસ્ટ્રિક એજન્ટ' હોવાથી પેટ પર દબાણ લાવે છે અને અપચો કરી શકે છે. તેથી, ભોજન અને ચા વચ્ચે યોગ્ય અંતર રાખવું અનિવાર્ય છે.
ચા સાથે શું ખાવું જોઈએ?
સામાન્ય રીતે લોકો ચા સાથે બિસ્કિટ, ફળસાણ અને તળેલો નાસ્તો લેવો પસંદ કરતા હોય છે. પરંતુ આ ખોરાકમાં રહેલું તેલ, મીઠું અને ખાંડ વજન વધારવા સાથે કોલેસ્ટ્રોલમાં પણ વધારો કરે છે. જો તમે ચાનો સાચો આનંદ માણવા માંગતા હોવ, તો તેની સાથે શેકેલા મખાના, કાળા ચણા જેવા પૌષ્ટિક આહારનો વિકલ્પો પસંદ કરવો જોઈએ. આ નાના ફેરફારો કરવાથી તમે ચાનો સ્વાદ પણ માણી શકશો અને સ્વાસ્થ્ય સાથે કોઈ સમાધાન પણ નહીં કરવું પડે.
ડિસક્લેમર: આ માહિતી સામાન્ય હેલ્થ ટિપ્સના હેતુથી શેર કરવામાં આવી છે. તેને તબીબી સલાહ તરીકે ન ગણવી. તમારી જીવનશૈલીમાં ફેરફાર કરતા પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક કરવો.