Fri Apr 17 2026

Logo

28 દિવસનો રિચાર્જ પ્લાન એક કૌભાંડઃ રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાં ટેલિકોમ કંપનીઓની મનમાની પર ઉઠાવ્યા સવાલ

1 month ago
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ આખાતી દેશમાં ઈરાન-ઈઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે દુનિયાભારના રાષ્ટ્રનું પ્રેશર વધી રહ્યું છે. ગેસના ભાવમાં વધારા બાદ સરકારનું એવું કહેવું છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ભડકો નહીં થાય. ખેંચતાણના માહોલમાં રાજ્યસભામાં પણ વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે શાબ્દિક તકકાર જોવા મળી હતી. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ લોકોને સ્પર્શતા વિષયનો એક મુદ્દો રાજ્યસભામાં ઉછાળ્યો હતો. આ પહેલા તેમણે ગિગ્સ વર્કર્સનો મુદ્દો ઊઠાવ્યો હતો, જેની અસર એ થઈ કે, 10 મિનિટમાં ડિલેવરીની રેસ બંધ થઈ ગઈ. 

આમ આદમીને લગતો મુદ્દો

રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાં કહ્યું હતું કે, પ્રિપેઈડના રિચાર્જ મામલે ગ્રાહકો સાથે એક પ્રકારની છેત્તરપિંડી થઈ રહી છે. ટેલિકોમ કંપનીઓ પ્રિપેઈડ રિચાર્જથી ગ્રાહકોને લૂંટી રહી છે. 28 દિવસનો રિચાર્જ પ્લાન એક પ્રકારનો ગોટાળો છે, જેના પર બ્રેક લગાવી દેવી જોઈએ. સાંસદે એક્સ (ટ્વિટર) પર લખ્યું હતું કે, મેં આજે સંસદમાં પ્રિપેઈડ રિચાર્જ કસ્ટમર્સ સાથે જે પ્રકારની લૂંટ થઈ રહી છે એનો મુદ્દો ઉઠાવ્યો છે. જો તમારૂ રિચાર્જ ખતમ થઈ ગયું હોય અને આઉટગોઈંગ કોલ્સ બંધ થઈ જાય એ સમજી શકાય એવી વાત છે. પણ ઈનકમિંગ કોલ્સને બંધ કરી દેવા એ તો રીતસરની કંપનીઓની મનમાની છે. 

સંપર્ક વિહોણા થઈ જવાય

રિચાર્જ ખતમ થઈ જતા ન કોઈ આપનો સંપર્ક કરી શકે, ન કોઈ આપના ફોન પર OPT જેવા મહત્ત્વના મેસેજ આપી શકે. ઈમરજન્સીની સ્થિતિમાં વ્યક્તિ મદદવિહોણો થઈ જાય છે. ટેલિકોમ કંપનીઓની મનમાની પર ટાર્ગેટ કરતા નેતાએ કહ્યું કે, કંપની તરફથી આપવામાં આવતો 28 દિવસનો રિચાર્જ પ્લાન એક મોટો ગોટાળો છે. વર્ષમાં 12 મહિના હોય છે પણ રિચાર્જ 13 વખત કરાવવું પડે છે. રિચાર્જ પ્લાનની વેલિડિટી કેલેન્ડરના મહિનાના હિસાબથી હોવી જોઈએ કારણ કે, 28 દિવસના ચક્કરમાં લોકો વધારે પડતું રિચાર્જ કરાવી નાંખે છે. 

મોબાઈલ એ કોઈ લક્ઝરી નથી

મોબાઈલ એ આજના સમયમાં કોઈ લક્ઝરી નથી. સામાન્ય નાગરિકની જરૂરિયાત છે. આ ટેલિકોમ કંપનીઓના ગ્રાહકો સાથે પારદર્શક અને ઈમાનદાર વલણ અપનાવવું જોઈએ. ઓછામાં ઓછા એક વર્ષ સુધી ઈનકમિંગ કોલ ચાલું રહેવા જોઈએ જેથી કરીને દેશનો સામાન્ય માણસ રાઈટ ટુ કમ્યુનિકેશન સામે સરેન્ડર ન કરે. આ પહેલા તેઓ એક દિવસ માટે ગિગ્સ વર્કર બન્યા હતા. જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.