ભરત પટેલ
નંદભદ્રનો વાણી-પ્રવાહ સતત વહે છે. તે કહે છે, ધર્મમાં એટલી તાકાત છે જે કોઈ જીવ પોતાના આરાધ્યની શુદ્ધ ભાવથી આરાધના કે ઉપાસના કરે તો તે જીવ મોક્ષે ગયા વગર રહેતો નથી, તેને અવશ્ય મોક્ષ મળે. ધર્મ જીવનને કઈ રીતે જીવવાનું તે શિખવાડે છે. ધર્મ એક આદર્શ જીવનશૈલી છે, ધર્મ જીવનમાં સુખશાંતિથી રહેવાની પાવન પદ્ધતિ છે. ધર્મ જ સર્વ લોકોનું કલ્યાણ કરનારી પવિત્ર આચારસંહિતા છે.
આટલું સાંભળી સત્યવ્રત કહે છે કે, ‘ધર્મનું આચરણ કરનાર સદા દુ:ખી રહે છે, ધર્મ જ શ્રેષ્ઠ હોય તો માણસ પથ્થરની મૂર્તિને શા માટે પૂજે છે?’ તેના સવાલનો જવાબ આપતાં નંદભદ્ર કહે છે, ‘હું તમને એમ પૂછું છું કે શું આંધળો સૂર્યને જોઈ શકે છે? બ્રહ્માથી માંડીને સર્વ દેવતાઓ, મહાત્માઓ, ઋષિ મુનીઓ અને સાર્વભૌમ ચક્રવર્તી રાજાઓ પણ પોતાના ઇષ્ટદેવની આરાધના-ઉપાસના કરે છે. એમની સ્થાપિત મૂર્તિઓ આજેય દૈદિપ્યમાન છે.
શું તેઓ મૂર્ખ હતા? તમે જ સર્વસ્વ હોવ તો તમારી થાળીમાં આપોઆપ ભોજન કેમ પીરસાઈ જતું નથી? ‘ઈશ્વર કે ભગવાન નથી’ એવી વાતો તો કેવળ મૂર્ખ માણસોનો ભ્રમ છે, જે તેઓ ફેલાવી રહ્યા છે. કોઈએ પણ ધાર્મિક થવું તે સાધના છે. ધાર્મિક દેખાવવું વિલાસ છે. ધાર્મિક બનવું તે પોતાના જ કલ્યાણ માટે છે. ધર્મમાંથી વ્યવહારને તિલાંજલિ આપવામાં આવશે અને વ્યવહારને ધર્મમય બનાવવામાં આવશે ત્યારે જ સાચા અર્થમાં ‘ધાર્મિક’ બની શકાશે, માટે ધાર્મિક અને પ્રેમમય વ્યવહાર દ્વારા જીવનને વિશુદ્ધ રાખવું જરૂરી છે.
નારાયણ નામનું નાણું જેની પાસે છે તેનો ખજાનો ખૂટતો નથી.’ આટલું કહેતાં જ ધર્માત્મા નંદભદ્ર સામે શુદ્ર સત્યવ્રત ભોઠો પડી ગયો. સત્યવ્રતને ધર્માત્મા નંદભદ્રએ પંચાક્ષર મંત્ર ‘ઓમ નમ: શિવાય’ આપી કહ્યું કે આ પંચાક્ષર મંત્રનો જાપ કરો, ભગવાન શિવની કૃપા અવશ્ય થશે. શુદ્ર સત્યવર્ત પંચાક્ષર મંત્રનો જાપ કરવા લાગ્યો, થોડા જ સમયમાં તેના જીવનમાં આમૂલ્ય પરિવર્તન આવવા માંડયું. થોડા સમય બાદ નંદભદ્ર ભગવાન શિવના સાક્ષાત દર્શન કરવાના હેતુથી કપિલેશ્વર મંદિરમાં ગયો.
કહેવાય છે કે ચાલીસ દિવસે ભગવાન શિવ બાળરૂપ ધારણ કરીને નંદભદ્રને દર્શન આપે છે. ભગવાન શિવના સાક્ષાત દર્શન કરી નંદભદ્ર કૃતકૃત્ય બન્યો. ત્યારબાદ વરદાની નંદભદ્ર પોતાનું સાલસ જીવન ભોગવી યોગ્ય સમયે પોતાના શરીરને ત્યાગ્યું. ભગવાન શિવના વરદાનથી તે શિવગણોમાં સામેલ થઈ કૈલાસ ખાતે ભગવાન શિવની સેવામાં હંમેશ માટે જોડાઈ ગયો.
*
બીજી તરફ સ્વર્ગલોક પર અસુરો આક્રમણ કરે છે. સમગ્ર દેવતાગણ એનો સામનો કરે છે. થોડા જ સમયમાં અસુરો પલાયન થવા લાગે છે.
દેવરાજ ઇન્દ્ર: ‘દેવતાઓની શક્તિ જોઈ અસુરો પલાયન થઈ ગયા, હવે પછી તેઓ હિંમત નહીં કરે અહીં આવવાની.’
દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવરાજ ઇન્દ્ર અસુરો પલાયન થઈ ગયા છે યુદ્ધના વાદળ વિખેરાઈ ગયા છે, પણ હું ભય હેઠળ છું કારણ કે હજી સુધી, સૂર્યદેવ, ચંદ્રદેવ, અગ્નિદેવ, પવનદેવ અને વરુણદેવ અહીં પહોંચ્યા નથી, તેઓ ક્યાં છે.’
દેવરાજ ઇન્દ્ર: ‘ગુરુદેવ ચિંતા ન કરો, પંચતત્ત્વ દેવો કયાંક તો હશે, પણ મને એવું લાગે છે કે અસુરો સ્વર્ગથી કંઈક તો ચોરી જ ગયા હશે?’
એ જ ક્ષણે તેમની નજર કામધેનુની જગ્યા પર પડે છે જ્યાં કામધેનુ હોય છે.
દેવરાજ ઇન્દ્ર: ‘કામધેનુ ક્યાં છે. દેવગણો સ્વર્ગલોક પર નજર ફેરવો બીજું કંઈ ચોરાયું તો નથી.’
*
બીજી તરફ નવો શિવગણ નંદભદ્ર અને અન્ય શિવગણો કૈલાસ ખાતે ભગવાન શિવ અને માતા પાર્વતીની સેવાભક્તિમાં મગ્ન હતા. એક દિવસ સવારથી નંદી દેખાતા નહોતા.
ભગવાન શિવ: ‘હે ભૃંગી! પુત્ર નંદી આજે દેખાઈ નથી રહ્યાં ક્યાં છે તેઓ?’
માતા પાર્વતી: ‘ભૃંગી! જઈને સુયશાને પૂછી આવો ક્યાં છે.’ થોડા જ સમયમાં ભૃંગી અને સુયશા ત્યાં પધારે છે.
સુયશા: ‘માતા વહેલી પરોઢથી સ્વામી ક્યાંક ચાલી ગયા છે, કહ્યું કે આવું છું. સૂર્યદેવ મધ્યાન્હે પહોંચી જવાના છે પરંતુ તેઓના કોઈ વાવડ નથી.’
ભગવાન શિવ: ‘ચિંતા ન કરો સુયશા, નંદી જલ્દી જ આવી જશે.’
ફરી શિવગણો પોતાના કાર્યમાં અને માતા પાર્વતી પોતાની રસોઈમાં વ્યસ્ત થઈ ગયાં. મધ્યાન્હે ભોજન તૈયાર થઈ જતાં સૌ કોઈ ફરી નંદીની રાહ જોવા લાગ્યા. એ જ સમયે નંદી અસ્તવ્યસ્ત હાલતમાં ત્યાં આવી પહોંચે છે.
નંદી: ‘ક્ષમા કરો માતા, આવતાં થોડું મોડું થઈ ગયું. મને ખબર છે તમે મધ્યાન્હ થઈ જતાં ભોજન માટે રાહ જોતા હશો.’
ભૃંગી: ‘નંદી શું તમે ક્યાંક મલ યુદ્ધ કરી આવ્યા હોય તેવું લાગે છે.’
નંદી: ‘પ્રભુ થોડી જ વારમાં સ્નાન કરી તમારી સેવામાં ઉપસ્થિત થાઉં છું.’
આટલું કહી નંદી ત્યાંથી સ્નાન કરવા આગળ વધે છે. વ્યથિત નંદીને જોઈ ભગવાન શિવ થોડી વારમાં તેની પાસે પહોંચે છે.
ભગવાન શિવ: ‘નંદી.’
નંદી: ‘પ્રભુ હું મૂર્ખ હતો, મને એવું હતું કે મારી મનની વ્યથા તમને ખબર નથી.’
ભગવાન શિવ: ‘સંકોચ શેનો નંદી?’
નંદી: ‘પ્રભુ સંકોચ નહીં ગ્લાનિ. માતા અને તમારી અનુપસ્થિતિમાં હું બળદ બની સંસારમાં વિચરણ કરી રહ્યો હતો ત્યારે સંસારમાં પશુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તે જોઈ હું ખૂબ દુ:ખી છું. મેં જોયું કે પશુઓએ અત્યાચાર સહેવા સિવાય બીજો કોઈ માર્ગ નથી, પ્રભુ પશુઓ પર આટલો અત્યાચાર શું કામ? હું કૈલાસ તો આવી પહોંચ્યો પણ મારું મન એવું કહે છે કે સંસારમાં ક્યાંક ને ક્યાંક પશુઓ પર અત્યાચાર ચાલુ જ હશે અને પ્રભુ સંસારના પશુઓની રક્ષા પશુપતિનાથ નહીં કરે તો કોણ કરશે?’
માતા પાર્વતી: ‘નંદી કોણ કહે છે કે હજી સુધી પશુઓના ઉદ્ધારના કાર્યની શરૂઆત નથી થઈ.’
નંદી: ‘એટલે...’
માતા પાર્વતી: ‘એટલે... નંદી તમે પૂછી રહ્યા છો એ જ ક્ષણે પૃથ્વીલોક પર પંડ્યાન વંશના રાજા આર્યવર્તનની રાજ સભામાં કંઇક થઈ રહ્યું છે.’
નંદી: ‘પ્રભુ! શું તમે આર્યવર્તન પંડ્યાનને માર્ગ બતાડશો.’
ભગવાન શિવ: ‘આ વખતે આ કાર્ય મારો એક ભક્ત જ કરશે, જે મનુષ્યોનો પોતાની ભૂલનો આભાસ કરાવશે.’
નંદી: ‘પ્રભુ હું તમારા દરેક ભક્તને ઓળખું છું શું તમે કૃપા કરી મને કહેશો કે એ અનન્ય નસીબદાર ભક્ત કોણ છે.’
ભગવાન શિવ: ‘મણિકા...’
*
સામે પૃથ્વીલોક પર પંડ્યાન વંશના રાજા આર્યવર્તન રાજ સભામાં બધા મંત્રીઓને બોલાવે છે.
રાજા આર્યવર્તન: ‘હે વિવેક (તેમના સારથી), હું અત્યારે જ અશ્વશાળાની મુલાકાત લઇને આવ્યો છું. અશ્વશાળામાં અશ્વોની સંખ્યા જોઈ વિચલીત છું, અડધી અશ્વશાળા ખાલી કેમ છે.’
વિવેક: ‘મહારાજ, છેલ્લા પાંચ વર્ષમાં અસુરો સાથે થયેલા યુદ્દમાં ઘણા અશ્વો મરણ પામ્યાં છે અને ઘણાં અશ્વો વૃદ્ધ થયા છે, તેથી આપણી અશ્વશાળામાં અશ્વની સંખ્યા ઓછી થઈ ગઈ છે.’
રાજા આર્યવર્તન: ‘આપણને હાલમાં કેટલા અશ્વની જરૂરત છે?’
વિવેક: ‘મહારાજ હાલમાં આપણને દસ સહસ્ર અશ્વની જરૂર છે.’
(ક્રમશ:)