Fri Apr 17 2026

Logo

ફેસબુક સ્ટોરી જોઈ સોડિયમ નાઈટ્રેટના ઉપયોગથી પત્નીના પ્રેમીની હત્યા

1 month ago
Author: Yogesh C Patel
Article Image

ઑનલાઈન મગાવેલું સોડિયમ નાઈટ્રેટ સ્પ્રાઈટમાં ભેળવીને આપ્યું: ચાકુથી ગળું પણ ચીર્યું: દંપતીની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
પત્નીના આડા સંબંધની જાણ થતાં પતિએ પત્ની સાથે જ મળી તેના પ્રેમીનું ઘાતકી રીતે કાસળ કાઢ્યું હોવાની ઘટના થાણે નજીકના મુંબ્રામાં બની હતી. ફેસબુક સ્ટોરી જોઈને ઑનલાઈન મગાવેલો સોડિયમ નાઈટ્રેટ પાઉડર કોલ્ડ ડ્રિન્કમાં ભેળવીને પ્રેમીને આપ્યા પછી ચાકુથી તેનું ગળું પણ ચીરી નાખ્યું હતું. પોલીસે ગુનો દાખલ થયાના બે કલાકમાં જ ગુનો ઉકેલી આરોપી દંપતીની ધરપકડ કરી હતી.

મુંબ્રા પોલીસે પકડી પાડેલા આરોપી દંપતીની ઓળખ મોહમ્મદ આબિદ અબ્દુલ વાજિદ મલિક (29) અને ફરહીન મોહમ્મદ આબિદ મલિક (27) તરીકે થઈ હતી. મુંબ્રાના સહારા સિટી નજીકની નિર્માણાધીન ઈમારતના ત્રીજા માળે સુપરવાઈઝર રાજુ લલન યાદવ (39)ની સોમવારની મધરાતે એક વાગ્યાની આસપાસ કરાયેલી હત્યાના કેસમાં દંપતીની ધરપકડ કરાઈ હતી.

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી મલિકની પત્ની ફરહીનને મૃતક યાદવ સાથે આઠ મહિનાથી અફૅર હતું. આ વાતની જાણ ફરહીનના પતિ મલિકને થતાં દંપતી વચ્ચે વિવાદ થયો હતો. આખરે મલિકે યાદવને પતાવી નાખવાની યોજના બનાવી હતી.

મલિકે ફેસબુક સ્ટોરી પર સોડિયમ નાઈટ્રેટથી હત્યાની જાણકારી મેળવી હતી. પછી તેણે સોડિયમ નાઈટ્રેટ પાઉડર ઑનલાઈન મગાવ્યો હતો. નક્કી થયા મુજબ ઘટનાની રાતે ફરહીને યાદવને નિર્માણાધીન ઈમારતના ત્રીજા માળે મળવા બોલાવ્યો હતો.

કહેવાય છે કે વાતોમાં પરોવી ફરહીને યાદવને સોડિયમ નાઈટ્રેટ ભેળવેલું સ્પ્રાઈટ પીવા આપ્યું હતું. ઠંડું પીણું પીતાં જ યાદવ ભાન ભૂલવા લાગ્યો હતો. યાદવ બેભાન અવસ્થામાં હતો ત્યારે ફરહીને પતિ મલિકને બોલાવી લીધો હતો. મલિકે ત્રીજા માળે આવી બામ્બુથી યાદવને ફટકાર્યો હતો. પછી ચાકુથી ગળું ચીરી તેની હત્યા કરી હતી, એવું પોલીસ તપાસમાં જણાયું હતું.

બીજી સવારે યાદવનો મૃતદેહ મળી આવ્યા પછી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. યાદવની પત્નીની પૂછપરછમાં ફરહીન સાથેના અફૅરની માહિતી મળી હતી. પોલીસે ઘટનાસ્થળે આવ-જા કરનારી વ્યક્તિઓની માહિતી પણ સ્થાનિકો પાસેથી કઢાવી હતી. મળેલી માહિતીને આધારે ફરહીનને તાબામાં લઈ પૂછપરછ કરવામાં આવતાં તેણે ગુનો કબૂલ્યો હોવાનો દાવો પોલીસે કર્યો હતો.