Sat Apr 25 2026

Logo

લોકલ ટ્રેનમાં હોમગાર્ડની દાદાગીરી: ફરજ પરના ટ્રેનના ગાર્ડને લાત મારી, CCTVમાં ઘટના કેદ

21 hours ago
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટ-બોરીવલી રૂટ પર દોડતી લોકલ ટ્રેનમાં ફરજ પરના લોકલ ટ્રેનના મેનેજરને હોમગાર્ડે લાત મારી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટના ચર્ચગેટ-બોરીવલી રૂટ પર 21 એપ્રિલના રાત્રે લગભગ 9:30 વાગ્યે બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, લોકલ દાદર પહોંચી ત્યાં સુધી મહિલા ડબ્બામાં કોઈ હોમગાર્ડ નહોતો. દાદર ખાતે, એક હોમગાર્ડ મહિલા ડબ્બામાં ચઢ્યો . બાંદ્રા સ્ટેશન પહોંચતા જ ત્રણ હોમગાર્ડ મહિલા ડબ્બામાં ચઢ્યા. 

આ ચારેય હોમગાર્ડ મહિલા ડબ્બાના દરવાજા પાસે ઊભા હોવાથી મહિલા મુસાફરો માટે લોકલમાં ચઢવા-ઉતરવાનું મુશ્કેલ બન્યું હતું, તેથી, મુસાફરોની સલામતી માટે લોકલ ટ્રેન મેનેજર ચૈતન્ય માલવડેએ હોમગાર્ડ્સને કોચમાંથી નીચે ઉતરવા વિનંતી કરી હતી. જોકે, તેઓએ નીચે ઉતરવાનો ઇનકાર કર્યો હતો અને દુર્વ્યવહાર કરી ધમકી આપી. લોકલ વિલે પાર્લે પહોંચતાની સાથે જ એક હોમગાર્ડ માલવડેને લાત મારી અને દુર્વ્યવહાર કર્યો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ મામલાની તપાસ ચાલી રહી છે.

22 એપ્રિલના રોજ લગભગ 22 લોકલ મેનેજરો અંધેરી રેલવે પોલીસ સ્ટેશન સામે એકઠા થયા હતા અને કેસ નોંધવાની માંગ કરી હતી. જોકે, ફક્ત એક જ નોન-કમિટલ (એનસી) કેસ નોંધવામાં આવી હતી. પશ્ચિમ રેલવે મઝદૂર સંઘે આ મામલે અંધેરી રેલવે પોલીસ પાસે કેસ નોંધવાની માંગ કરી છે.

આ ઘટનાએ મહિલા મુસાફરોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. મહિલા મુસાફરોના ડબ્બામાં હોમગાર્ડ, રેલવે પોલીસ, મહારાષ્ટ્ર સુરક્ષા દળના જવાનો તૈનાત હોય છે. જોકે, એક જ સમયે ઘણા હોમગાર્ડની ઘૂસણખોરીને કારણે મહિલા મુસાફરો માટે મુસાફરી કરવી મુશ્કેલ બની ગઈ હતી. આ ઘટનાએ મહિલાઓના  ડબ્બામાં સુરક્ષા નિયમો અને અધિકારો પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કર્યો છે.

હાલમાં, મેનેજર હોસ્પિટલમાં દાખલ છે.આ બાબતે ફરિયાદ સંબંધિત હોમગાર્ડના મુખ્ય કાર્યાલયને મોકલવામાં આવશે. તે મુજબ, મુખ્ય કાર્યાલય દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, એમ વરિષ્ઠ રેલ્વે પોલીસે જણાવ્યું હતું.