મેક્સિકો: વિશ્વના મોસ્ટ વોન્ટેડ ડ્રગ તસ્કરનો ખાતમો મેક્સિકોની સેનાએ એક અત્યંત ગુપ્ત અને સાહસિક ઓપરેશનમાં વિશ્વના સૌથી કુખ્યાત ડ્રગ માફિયા નેમેસિયો રૂબેન ઓસેગુએરા સર્વેન્ટેસ ઉર્ફે ‘એલ મેંચો’ને ઠેર કર્યો છે. મેક્સિકોના રક્ષા મંત્રાલયે આ ઓપરેશની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે જલિસ્કોના ટાપાલપા વિસ્તારમાં સેનાએ ઘેરો ઘાલી આ કાર્યવાહી કરી હતી. મેક્સિકો સરકારના એન્ટી-કાર્ટેલ કેમ્પેઈન માટે આ એક ઐતિહાસિક સફળતા માનવામાં આવે છે, કારણ કે એલ મેંચો વર્ષોથી સુરક્ષા એજન્સીઓની આંખમાં ધૂળ નાખીને આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક ચલાવી રહ્યો હતો.
કોણ હતો 'એલ મેંચો' અને તેનું સામ્રાજ્ય?
એલ મેંચોનો ઈતિહાસ કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછો નથી. તે અગાઉ પોતે એક પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ ગુનાની દુનિયાના આકર્ષણે તેને ડ્રગ્સના વેપારમાં ધકેલી દીધો. છેલ્લા એક દાયકામાં તેણે 'જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ' (CJNG) ને મેક્સિકોના સૌથી ક્રૂર અને શક્તિશાળી સંગઠનમાં ફેરવી દીધું હતું. આ સંગઠન અમેરિકામાં મોટા પાયે કૃત્રિમ ડ્રગ્સ 'ફેટાનિલ'ની સ્મગલિંગ કરવા માટે જવાબદાર હતું, જેના ઓવરડોઝને કારણે અમેરિકામાં લાખો લોકોના મોત થયા છે.
માફિયાના મોત બાદ મેક્સિકોમાં રક્તપાત
સેનાના આ ઓપરેશન બાદ સમગ્ર મેક્સિકોમાં ઠેર ઠેર હિંસા થતી જોવા મળી છે. એલ મેંચોના મોતથી રોષે ભરાયેલા કાર્ટેલના સભ્યોએ હાઈવે બ્લોક કરી દીધા છે અને સેંકડો વાહનોને આગ ચાંપી દીધી છે. ટાપાલપા, ઝાપોપન અને ગ્વાડલહારા જેવા શહેરો અત્યારે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયા છે. આ હિંસામાં અનેક સૈનિકો અને સામાન્ય નાગરિકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે લોકો ડરના માર્યા ઘરોમાં કેદ થઈ ગયા છે અને અનેક પ્રાંતોમાં શાળાઓ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે.
સેનાની આકરી કાર્યવાહી અને આંતરરાષ્ટ્રીય અસર
હિંસાને ડામવા માટે મેક્સિકન મિલિટરીએ બખ્તરબંધ ગાડીઓ અને હેલિકોપ્ટર સાથે મોરચો સંભાળ્યો છે. સેનાએ અનેક શકમંદોની ધરપકડ કરી છે અને દરોડા દરમિયાન રોકેટ લોન્ચર જેવા અત્યાધુનિક હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ ઓપરેશન ટ્રમ્પ વહીવટીતંત્ર માટે પણ એક મોટી જીત સમાન છે, કારણ કે અમેરિકા લાંબા સમયથી મેક્સિકો પર આ કાર્ટેલને ખતમ કરવા માટે દબાણ કરી રહ્યું હતું.