Sat Apr 25 2026

Logo

સ્ટાર-યાર-કલાકાર: હાયલા, હીરોઈનની હોરર કથા... માનો તો માનો, યા માણો !

1 day ago
Author: Sanjay Chel
Article Image

- સંજય છેલ 

મે વેસ્ટ 

‘મેં એકવાર મારી પ્રતિષ્ઠા સમાજ સામે ખોઇ દીધી પણ પછી મને એની ક્યારેય જરૂર જ ના પડી.’

‘હું સારી છું, ત્યારે બહુ સારી છું પણ ખરાબ હોઉં ત્યારે ઓર પણ બહેતર!’

‘હું સિંગલ કે એકલી છું, કારણકે હું એ જ રીતે જન્મેલી.’

‘સારી છોકરીઓ સ્વર્ગે જાય, ખરાબ તો બધે જ જઇ શકે.’

આવાં અનેક વિવાદાસ્પદ વિધાનો કરનાર બિંદાસ, સેક્સ સિંબોલ અભિનેત્રી-ગાયિકા- લેખિકા મે વેસ્ટે 30-40ના દાયકામાં બેબાક લાઇફ સ્ટાઇલ કે ગુદગુદાત્મક વાતો દ્વારા આખા અમેરિકાને હલાવી નાખેલું.

જેમ આપણા સફળ ફિલ્મ સ્ટાર વિનોદ ખન્નાને પણ થતું કે-આ બધા સુખો પછી આખરે શું? એટલે આધ્યાત્મિકતામાં વિનોદને રસ જાગ્યો ને બોલિવૂડ છોડીને એ રજનીશજીના માર્ગે વળી ગયેલા. એ જ રીતે હોલિવૂડની સનસનીખેજ સ્ટાર અભિનેત્રી, સેક્સ સિંબોલ, મે વેસ્ટને પણ થતું કે સેક્સ, સક્સેસ કે અમાપ પૈસો આખરે શું બચે છે?

અને શરૂ થઇ એક અગમનિગમની ગૂઢ ગાથા. એક ભવ્ય હીરોઇનની ભૂતકથા...

આમેય આજકાલ બોલિવૂડમાં અને સાઉથની કે ગુજરાતી ફિલ્મોમાં પણ ભૂતડાંઓની જ ફિલ્મોનો રાફડો ફાટ્યો છે. ‘સ્ત્રી1’, ‘સ્ત્રી’ થી માંડીને છેક હમણાં આવેલ ભૂત બંગલા સુધી એટલી બધી ફિલ્મો બની છે કે હવે ભૂતડાંઓને પણ માણસોનો ડર લાગતો હશે કે હજી અમારા પર કેટલી ફિલ્મો બનાવાશે?

હા, તો 1941માં, મે વેસ્ટ એના મેનેજર જિમ ટિમોની અને મિકી નામના દોસ્ત સાથે કોઇ ધાર્મિક સભામાં જઇ પહોંચી. એ સભાના પ્રમુખ હતા, જેક કેલી નામના સેલિબ્રિટી, જેણે ભાષણની વચ્ચે અંગ્રેજીના ‘એસ’-‘જ’ અક્ષરથી શરૂ થતું નામ લઈને મિકી તરફ ઈશારો કર્યો. મિકીએ ચોંકીને કહ્યું, ‘અરે,આ તો મારું ખરું નામ છે! આને કેવી રીતે ખબર?’

પછી કેલીએ કહ્યું, ‘એસ- ‘જ’ શબ્દથી શરૂ થતા નામવાળા માણસના પિતાનો આત્મા અહીં હાજર છે, જે પુત્રને કહેવા માગે છે કે એમની લાશ પાણીમાં નાખતા પહેલાં જ એમની હત્યા કરવામાં આવી હતી!’

મિકીએ, કહ્યું કે ‘એ પોતે પણ એવું જ માને છે!’

 પછી એ જેક કેલીની વાતોથી ઈમ્પ્રેસ થઈને મે વેસ્ટે એક સાંજે એમને ઘરે બોલાવ્યા ને સેલિબ્રિટી મિત્રો ઉપરાંત એની બહેન બેવરલી વેસ્ટને પણ આમંત્રી. મે વેસ્ટના ઘરે પહોંચીને કેલીએ કહ્યું કે ‘રૂમમાં હાજર લોકોની વર્તમાન ને ભવિષ્યના જીવન વિશે એ વાતો કહેશે, પણ સૌને એક ખુરશી સાથે બાંધવામાં આવે ને સૌની આંખોને કપડાથી ઢાંકવામાં આવે, લોકો એમની જગ્યા બદલી નાખે!’

 પછી, કેલીએ રૂમમાં હાજર દરેક વ્યક્તિના વિશે એવી એવી ગુપ્ત વાતો કહી, જેની ફકત એ લોકોને જ ખબર હતી!

સૌથી છેલ્લે, કેલીએ એક બંધ કવર ઉપાડ્યું જેમાં મે વેસ્ટે, અમુક સવાલ પૂછ્યા હતા, જેમ કે-

‘શું અમેરિકા વર્લ્ડ-વોરમાં ભાગ લેશે?’

કેલીએ કહ્યું. ‘ત્રણ મહિનામાં અમેરિકાના હવાઈ ટાપુ પર અચાનક હુમલો થશે,’ - ને એમ જ થયેલું.

બીજો સવાલ- ‘આ મહાયુદ્ધ ક્યાં સુધી ચાલશે?’

કેલીએ કહ્યું, ‘પાંચ-છ વર્ષ સુધી ને પ્રેસિડન્ટ રૂઝવેલ્ટ થોડા સમયમાં જ મરી જશે!’ એ પણ થયું.

ત્રીજો સવાલ- ‘અમેરિકાની મહાયુદ્ધમાં જીત થશે?’

કેલીનો જવાબ હતો, ‘હા, અમેરિકા ને ઈંગ્લેન્ડ મળીને લડાઈમાં જીતશે.’ જે થયું પણ!

બીજા પ્રશ્નો પર્સનલ હતા પણ કેલીએ એમના જવાબ પણ સચોટ આપ્યા. હવે મે વેસ્ટને ખાતરી થઈ ગઈ કે કેલી કોઇ અદ્ભુત ક્ષમતાવાળો બંદો તો છે! એવામાં એક અજાણ્યો માણસ મે વેસ્ટની બહેન બેવરલીના ફાર્મ પર મળવા આવ્યો. બેવરલીને ત્યારે ખબર નહોતી કે પેલો માણસ પોતાની પત્નીનું મર્ડર કરીને આવ્યો છે. જો કે રેડિયો ને અખબારોમાં મર્ડરના સમાચાર વિશે વાત આવેલી, પણ પેલા માણસે બેવરલીના ઘરે અખબારો બંધ કરી દીધેલાં ને રેડિયો પણ બગાડી નાખેલો! પછી એ બેવરલીના ફાર્મ પર કામ કરવા માંડ્યો, પણ એની ધરપકડ કરવા માટે    પોલીસવાળા મે વેસ્ટને મળ્યા, કારણ કે પોલીસને બેવરલીના ફાર્મનું એડ્રેસ ખબર નહોતું. જ્યારે પોલીસ બેવરલીના પોલટ્રી ફાર્મમાં પહોંચી એના બે દિવસ પહેલાં જ પેલો માણસ ભાગી ગયેલો!

આ ઘટના પછી મે વેસ્ટે આ વિશે જ્યારે જેક કેલીને પૂછ્યું, ત્યારે એણે કહ્યું, ‘ડોન્ટ વરી... એ માણસની વીસ મિનિટ પહેલાં જ ધરપકડ થઈ છે!’ મે વેસ્ટે લોસ એન્જલસના પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો ને ખરેખર 25 મિનિટ પહેલાં જ એની ધરપકડ કરવામાં આવેલી!

પછીથી મે વેસ્ટ જેવી જાણીતી સ્ટાર બધું છોડીને જેક કેલી પાસે મેલીવિદ્યાઓ શીખવા લાગી!

આ દરમિયાનમાં મે વેસ્ટના મેનેજર ને મિત્ર જિમ ટિમોનીનું મૃત્યુ થઈ ગયું. કેલીની મદદથી મે વેસ્ટે ટિમોની આત્મા સાથે સંપર્ક કર્યો. ત્યારથી ટિમોનીનું ભૂત હંમેશાં મે વેસ્ટની આસપાસ રક્ષકની જેમ રહેવા લાગ્યું! મે વેસ્ટ માનતી કે ટિમોનીએ જ એને નાટ્ય-લેખિકા બનાવી, સાંભળો મેની પોતાની કેફિયત

‘એકવાર હું બોક્સિંગ મેચ જોતી હતી ને અચાનક લાગ્યું કે ટિમોની મારા કાનમાં એક વાર્તા સંભળાવી રહ્યો છે. વાર્તાના ડાયલોગ એવા ચોટદાર કે મને યાદ રહી ગયા. ઘરે જઈને મેં એને નાટક રૂપે લખી નાખ્યું અને નાટક હિટ થયું! બસ,પછી મને બીજાં નાટકોને લખવાની પ્રેરણા મળી. એ પછી પણ ટિમોનીના ભૂત તરફથી મને એના હંમેશાં સંદેશાઓ મળતા રહ્યા જે સચોટ પુરવાર થતા રહ્યા જેક કેલીની ભવિષ્યવાણીઓ! આ જગતમાં હું જીવંત માણસો કરતાં ટિમોનીના ભૂત પર વધુ વિશ્વાસ કરું છું!’

હોલિવૂડ સ્ટાર મે વેસ્ટની અપાર સફળતા, અબાધ સેક્સ લાઇફ, બેફામ નિવેદનો વિશે આખો ગ્રંથ લખી શકાય પણ કદાચ ટીમોનીનું ભૂત અમને એ બધું લખાવે તો...

(1 મિનિટ હં...અત્યારે દોઢ વાગ્યે આ આર્ટિકલ લખી રહ્યો છું ત્યારે અચાનક મને બારણાં પર કોઈ ધીમા અવાજે ટકોરા મારતું હોય એવું કેમ લાગે છે?!)