Sun Apr 19 2026

Logo

કોલકાતાના કોચ અભિષેક નાયરની હકાલપટ્ટી? પીટરસને તો ભાવિ કોચનું નામ પણ આપી દીધું!

1 day ago
Author: Ajay Motiwala
Article Image

કોલકાતાઃ શાહરુખ ખાન અને જુહી ચાવલા-જય મહેતાની માલિકીનું કોલકાતા નાઇટ રાઇડર્સ અગાઉ ત્રણ ટાઇટલ જીતી ચૂક્યું છે, પણ હાલમાં આ ટીમ સૌથી કઠિન પરિસ્થિતિનો સામનો કરી રહી છે, કારણકે આ ટીમ પાંચ મૅચ હારી ચૂકી છે અને હવે તો કહેવાય છે કે એના હેડ-કોચ અભિષેક નાયરના માથે લટકતી તલવાર છે. અધૂરામાં પૂરું, ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને (Pietersen) એક એવો સંકેત આપ્યો છે જેનાથી આ ટીમના કોચિંગ-સ્ટાફમાં મોટા ફેરફાર જોવા મળશે એવી સંભાવના છે.

કોલકાતાએ છમાંથી પાંચ મૅચમાં પરાજય જોવો પડ્યો છે અને બાકી રહેલી એક મૅચમાં એને અનિર્ણીત પરિણામનો એક પૉઇન્ટ મળ્યો છે. અજિંક્ય રહાણેના સુકાનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (20 ઓવરમાં 10/180)નો શુક્રવારે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ (19.4 ઓવરમાં 5/181) સામે પાંચ વિકેટે પરાજય થયો હતો. પૉઇન્ટ્સ-ટેબલમાં આ ટીમ સાવ તળિયે (10મા સ્થાને) છે.

અભિષેક નાયર (Abhishek Nayar)ને હેડ-કોચના હોદ્દા પરથી હટાવી નાખવામાં આવી રહ્યો હોવાની અટકળ વચ્ચે કેટલાક લોકો તેને કોલકાતાના વર્તમાન પતન માટે જવાબદાર ગણાવી રહ્યા છે.

કેવિન પીટરસને ક્રિકેટચાહકોને એક ટવીટમાં જણાવ્યું છે કે `મારી વાત લખી રાખજો, ભવિષ્યમાં (લગભગ આવતી સીઝનમાં) બ્રેન્ડન મૅક્લમને કોલકાતાનું ફ્રૅન્ચાઇઝી પોતાની ટીમનો કોચ બનાવી દેશે.'

ન્યૂ ઝીલૅન્ડનો ભૂતપૂર્વ બૅટ્સમૅન બ્રેન્ડન મૅક્લમ ઘણા વર્ષોથી ઇંગ્લૅન્ડની ટીમનો હેડ-કોચ છે. એવું મનાય છે કે ઇંગ્લૅન્ડનું ક્રિકેટ બોર્ડ જો મૅક્લમ સાથેના કરારનો અંત લાવી દેશે તો મૅક્લમ કોલકાતાના ફ્રૅન્ચાઇઝી સાથે જોડાઈ જશે. 2008માં મૅક્લમે કોલકાતા વતી આઇપીએલના પહેલા જ દિવસે અણનમ 158 રનની અણનમ ઇનિંગ્સ સાથે ધમાકેદાર શરૂઆત કરી હતી. તે ભૂતકાળમાં કોલકાતાની ટીમને કોચિંગ આપી ચૂક્યો છે.