ગદગ: કર્ણાટકમાં શિરહટ્ટી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ડૉ. ચંદ્રુ લમાની 11 લાખ રૂપિયાના લાંચ કેસમાં પાંચ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. તેમની ધરપકડ કર્ણાટક લોકાયુક્ત પોલીસે ભ્રષ્ટાચારના આરોપસર કરી છે. તેમની સાથે તેમના બે પીએ મંજુનાથ વાલ્મિકી અને ગુરુનાઈકની પણ ધરપકડ કરવામાં આવી છે.
કોન્ટ્રાકટરની ફરિયાદ બાદ ગડગ જિલ્લા લોકાયુક્ત પોલીસે છટકું ગોઠવ્યું
આ અંગે મળતી માહિતી મુજબ કોન્ટ્રાકટર વિજય પૂજારીની ફરિયાદના આધારે ગદગ જિલ્લા લોકાયુક્ત પોલીસે છટકું ગોઠવ્યું અને ચંદ્રુ લમાણીની ધરપકડ કરી હતી. જેમાં એવો આરોપ છે કે ધારાસભ્યએ સિંચાઈ વિભાગની રિટેનિંગ વોલના કામના સંદર્ભમાં રૂપિયા 11 લાખની લાંચ માંગી હતી, અને જ્યારે રૂપિયા 5 લાખ આપવામાં આવી રહ્યા હતા ત્યારે લોકાયુક્ત પોલીસે તેમને રંગે હાથે પકડી લીધા. આ કેસમાં આરોપી ધારાસભ્ય અને તેમના બે સહયોગીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
હાઇ-પ્રોફાઇલ ધરપકડે ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો
કર્ણાટકમાં ભાજપના ધારાસભ્યની હાઇ-પ્રોફાઇલ ધરપકડે કર્ણાટકમાં ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશને બળ આપ્યું છે. તેમજ માળખાગત પ્રોજેક્ટ્સમાં રાજકીય હસ્તક્ષેપને પણ ઉજાગર કરે છે. લોકાયુક્ત પોલીસ નાણાકીય વ્યવહારો અને પ્રોજેક્ટ રેકોર્ડની તપાસ સઘન કરી છે.લોકાયુક્ત પોલીસ આવા નેટવર્કને ઝડપવા અને લોકોના વિશ્વાસને પુનઃસ્થાપિત કરવા માટે કાર્યરત છે.