Fri Apr 17 2026

Logo

શાંતિ મંત્રણા માટે 4 અમેરિકન અને 5 ઈરાની પ્રતિનિધિ પહોંચ્યા પાકિસ્તાન? ઇસ્લામાબાદ કિલ્લામાં ફેરવાયું

Islamabad   6 days ago
Author: Vimal Prajapati
Article Image

 

ઇસ્લામાબાદઃ ઇસ્લામાબાદ અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સ્થપાય તે માટે મધ્યસ્થી કરી રહ્યું છે. આ શાંતિ મંત્રણા બેઠકને પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે ‘કરો યા મરો’ પરિસ્થિતિ તરીકે વર્ણવી છે.  જો આ બેઠકમાં શાંતિ માટે સમજૂતી નહીં થાય તો પછી પરિણામ માઠા આવશે તેવા એંધાણ છે. આ શાંતિ મંત્રણા કાયમી રીતે યુદ્ધ વિરામ થાય તે માટે આયોજીત છે. આ બેઠક પર વિશ્વભરના દેશોની નજર છે. એમેરિકા અને ઈરાન વચ્ચે કાયમી યુદ્ધ વિરામ થશે આ બેઠક પર નિર્ભર છે. તો ચાલો જાણીએ આ શાંતિ મંત્રણા બેઠક માટે અમેરિકા અને ઈરાનમાંથી કોણ કોણ આવ્યું છે?

વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી ઈરાનનું પ્રતિનિધિત્વ કરશે

આ શાંતિ મંત્રણા માટે ઈરાનથી 6 મોટા ચહેરા ઈસ્લામાબાદ પહોંચ્યાં છે. આ ટીમનું નેતૃત્વ ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી કરી રહ્યા છે, જેમની સાથે ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફ પણ છે. આ સાથે  સુરક્ષા અને આર્થિક વિભાગોનું સંચાલન કરતા અલી અકબર અહમદિયન અને અબ્દોલનાસર હેમ્માતી પણ આવ્યાં છે. વધુમાં ઈરાનના અનુભવી રાજદ્વારી માજિદ તખ્ત-રવંચી અને સુરક્ષા નિષ્ણાત મોહમ્મદ બાઘર ઝોલઘદર પણ વાટાઘાટોમાં જોડાઈ શકે છે.

અમેરિકાથી ચાર પ્રતિનિધિઓની ટીમ પાકિસ્તાન પહોંચી

અમેરિકાની વાત કરવામાં આવે તો, અમેરિકાથી ચાર પ્રતિનિધિઓની ટીમ પાકિસ્તાન પહોંચી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ હાઇ-પ્રોફાઇલ ટીમનું નેતૃત્વ યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ કરી રહ્યા છે. તેમની સાથે ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વાસુ અને જમાઈ જેરેડ કુશનર સામેલ છે.  જેરેડ કુશનરે આ પહેલા અનેક મુખ્ય કરારોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવેલી છે. મધ્ય પૂર્વ માટેના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને લશ્કરી વ્યૂહરચનાકાર વાઇસ એડમિરલ બ્રેડ કૂપર પણ ઈરાન સાથેની આ ચર્ચાઓમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરવાના છે.

આ શાંતિ મંત્રણાને લઈને ઇસ્લામાબાદને એક કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે. તમામ પ્રકારના પ્રોટોકોલનું પાનલ કરવામાં આવી રહ્યું છે.  પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ આ બેઠકને હોસ્ટ કરવાના છે. આ સાથે પાક સેના પ્રમુખ અસીર મુનીર, વિદેશ પ્રધાન ઈશાક ડાર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મુહમ્મદ અસીમ મલિક  પર જોડાશે તેવું મીડિયા રિપોર્ટ પ્રમાણે જાણવા મળ્યું છે.