મુંબઈઃ ગત 28મી ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે સંયુક્તપણે ઈરાન પર હુમલાઓ કર્યા બાદ ઈરાને પણ તેના જવાબમાં ઈઝરાયલ તથા અમેરિકી સૈન્ય મથકો ધરાવતા આરબ દેશો પર હુમલાઓ શરૂ કરતાં યુદ્ધ છેડાઈ ગયું હતું અને ઈરાને મુખ્યત્વે ક્રૂડતેલ અને કુદરતી ગૅસનું જે દરિયાઈ માર્ગથી પરિવહન થતું હતું તે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ માર્ગ બંધ કરી દેતાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં આગઝરતી તેજી આવી જતાં તેની સમગ્ર વિશ્વની બજારો પર માઠી અસર પડી છે અને ફુગાવો વધવાની ચિંતા સપાટી પર આવી છે.
જોકે, અમેરિકા અને ઈઝરાયલની અપેક્ષા કરતાં યુદ્ધનો સમયગાળો વધુ લંબાઈ જતાં ક્રૂડતેલની ઊંચી ભાવસપાટી જળવાઈ રહી હોવાથી ચિંતા વધુ ઘેરી બની છે. તેમ છતાં ગત બુધવારે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેનું યુદ્ધ વહેલી તકે શાંત પડે તેવો સંકેત આપ્યો હોવાથી વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડો અને વૈશ્વિક ઈક્વિટી માર્કેટ સહિત સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં સુધારો આવ્યો હતો, પરંતુ ત્યાર બાદ ગત ગુરુવારે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે કરેલા રાષ્ટ્રજોગ પ્રવચનમાં યુદ્ધ હજુ વધુ લંબાઈ જાય તેવા સંકેત આપ્યા હોવાથી પુનઃ ક્રૂડતેલના ભાવ ઉછળી આવ્યા હતા અને સોના-ચાંદીમાં પીછેહઠ જોવા મળી હતી. જોકે, ગત શુક્રવારે વૈશ્વિક બજારો ગુડ ફ્રાઈડેની જાહેર રજાને કારણે બંધ રહ્યા હતા.
વધુમાં ગત સપ્તાહે સ્થાનિક સ્તરે ગત મંગળવારે મહાવીર જયંતી અને શુક્રવારે ગુડ ફ્રાઈડે નિમિત્તે બજાર બંધ રહી હોવાથી માત્ર ત્રણ સત્રમાં જ કામકાજો રહ્યાં હતાં અને વિશ્વ બજાર પાછળ સ્થાનિક ઝવેરી બજારમાં પણ ભારે બેતરફી વધઘટ જોવા મળી હતી. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહે વેરારહિત ધોરણે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 27મી માર્ચના 10 ગ્રામદીઠ રૂ. 1,42,942ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. 1,46,217ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,45,507 અને ઉપરમાં રૂ. 1,49,569ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે 2.56 ટકા વધીને રૂ. 1,46,608ના મથાળે બંધ રહ્યા હતા.
તે જ પ્રમાણે વેરારહિત ધોરણે 999 ટચ ચાંદીના કિલોદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 27મી માર્ચના રૂ. 2,21,647ના બંધ ભાવ સામે સુધારાના અન્ડરટોને રૂ. 2,27992ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 2,24,660 અને ઉપરમાં રૂ. 2,39,836ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે 2.78 ટકા વધીને રૂ. 2,27,813ની સપાટીએ બંધ રહ્યા હતા.
એકંદરે ગત સપ્તાહે વૈશ્વિક ભૂરાજકીય અહેવાલોને ધ્યાનમાં લેતા સોના-ચાંદીના ભાવમાં ભારે ચંચળતા જોવા મળી હતી. ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલું મજબૂતીનું વલણ સોનાની તેજી માટે અવરોધક રહ્યું હતું અને ભાવ દબાણ હેઠળ આવી રહ્યા હતા. તેમ છતાં નીચા મથાળેથી વૈશ્વિક અનિશ્ચિતતાઓને ધ્યાનમાં લેતાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે વૈશ્વિક ભાવમાં સાપ્તાહિક ધોરણે ત્રણ ટકા જેટલો સુધારો આવ્યો હતો.
જોકે, હજુ મધ્યપૂર્વમાં ભૂરાજકીય તણાવ શાંત થાય તેવાં કોઈ અણસારો ન હોવાથી આગામી સપ્તાહે પણ યુદ્ધ અને શાંતિના અહેવાલોને ધ્યાનમાં લેતા ભાવમાં ચંચળતાનું વલણ જળવાયેલું રહેશે. ગત માર્ચ મહિનામાં સોના અને ચાંદીના ભાવમાં મોટી માત્રામાં કરેક્શન જોવા મળ્યા બાદ હવે નીચા મથાળેથી રોકાણકારોની પુનઃ સલામતી માટેની માગ ખૂલી છે અને ભાવ સ્થિર થવા મથી રહ્યા છે.
હાલના તબક્કે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ક્રૂડતેલના ભાવ વધી આવતાં ફુગાવમાં થનારી અપેક્ષિત વૃદ્ધિને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ ન મૂકે તેવી પ્રબળ બનતી શક્યતા અને અમુક અંશે નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવી શકે, પરંતુ લાંબા સમયગાળે સોનામાં મજબૂત અન્ડરટોન જળવાયેલો રહેશે, જ્યારે ચાંદીને સોલાર એનર્જી, ઈલેક્ટ્રિક વાહનો અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવાં ક્ષેત્રોની ઔદ્યોગિક વપરાશકારોની માગનો ટેકો મળતો રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે ઉમેર્યું હતું કે અમારા મતે આગામી સપ્તાહ દરમિયાન વૈશ્વિક સોનામાં ઔંસદીઠ 4100 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને 4800 ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થશે, જ્યારે ચાંદીના ભાવ ઔંસદીઠ 60થી 82 ડૉલર આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા છે. તેમ જ સ્થાનિક સ્તરે સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1.33 લાખથી 1.58 લાખની રેન્જમાં અને ચાંદીના વાયદામાં ભાવ કિલોદીઠ રૂ. 1.80 લાખથી 2.45 લાખ આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.
ગત ગુરુવારે અમેરિકી પ્રમુખે જાહેર સંબોધનમાં ઈરાન પરના હુમલાઓ ચાલુ રાખવામાં આવશે અને તેઓ ઈરાન સામેના વ્યૂહાત્મક લક્ષ્યાંકો હાંસલ કરવાની નજીકમાં હોવાનું જણાવ્યું હતું. આમ યુદ્ધના અંત અંગેના કોઈ સંકેતો ન મળતાં વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં આઠ ટકા જેટલો ઉછાળો આવી ગયો હતો અને ફુગાવાલક્ષી ચિંતા સપાટી પર આવવાની સાથે અમેરિકી ફેડરલ રિઝર્વ આ વર્ષમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા નબળી પડતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું નેટિક્સિસનાં વિશ્લેષક બર્નાર્ડ દહાદહે જણાવ્યું હતું.
સામાન્યપણે યુદ્ધ અને વધતા ફુગાવાના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની સલામતી માટેની લેવાલી રહેતી હોય છે, પરંતુ હાલના તબક્કે જો ફુગાવામાં વધારો થાય તો અમેરિકી ફેડરલ રિઝર્વ સહિતની કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજદરમાં કાપ તો નહીં મૂકે, પરંતુ વ્યાજદરમાં વધારો પણ કરી શકે એવી ભીતિને ધ્યાનમાં લેતા સોનામાં તેજી રૂંધાઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અત્રે નોંધનીય બાબત એ છે કે અગાઉ અમેરિકી ફેડરલ રિઝર્વ આ વર્ષના અંત સુધીમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી 25 ટકા શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા હતા તેની સામે હવે માત્ર 14 ટકા શક્યતા જ બજાર વર્તુળો જોઈ રહ્યા છે.