Fri Apr 17 2026

Logo

ઇન્સ્પેક્ટર કરણ બક્ષી કેસ ફાઈલ્સઃ શાતિર

6 days ago
Author: Karan Bakshi
Article Image


 
ટીના દોશી 

ખૂની કોણ છે એની ખબર હતી, ખૂનીએ ખુદ કબૂલ કર્યું કે એણે ખૂન કર્યું છે, પણ એને ખૂની પુરવાર કરવો જરૂરી હતું. એને ખૂની સાબિત કરવા માટે પુરાવો તો શું, નાની અમથી કડી પણ જડી નહોતી ઈન્સ્પેક્ટર કરણ બક્ષીને. ખાસ્સી તપાસને અંતે પણ કાંઈ હાથ નહોતું લાગ્યું. એણે ખૂન કર્યાની કોઈ સાબિતી નહોતી. કહેવું પડશે ખૂની છે તો શાતિર...! 

નગરથી સાતેક કિલોમીટર દૂર સાત બંગલાની અલંકાર નામની સોસાયટી આવેલી. બેઠા ઘાટના બંગલાનાં નામ હતાં : સુવર્ણ, ચાંદી, હીરા, મોતી, માણેક, નીલમ અને પન્ના... લીલાંછમ હરિયાળાં વૃક્ષોથી બંગલાઓ ઘેરાયેલા. વૃક્ષો બંગલાઓ પર ચામર ઢાળતા હોય એવું રળિયામણું ચિત્ર ઉપસતું. પણ એક રાત્રે રૂડારૂપાળા બંગલાઓની શોભા લોહીના લાલ રંગે રંગાઈ ગઈ. પોલીસ સ્ટેશને ધનંજય જાગીરદારનો ફોન આવ્યો. મેગા મોલના માલિક કહી રહેલા  : અલંકાર સોસાયટીના મારા પાંચ નંબરના માણેક બંગલામાં જલ્દીથી પહોંચો. મારી સેક્રેટરી પદ્મિનીનું ખૂન થઈ ગયું છે !

કરણ બક્ષી, જયરાજ જાડેજા અને દેવકી દીક્ષિત કામે વળ્યાં. પોલીસ જીપ પર સવાર થઈને ઝટપટ અલંકાર સોસાયટીના માણેક બંગલો પહોંચી ગયાં. બીજા બંગલાઓની ચમક થોડી ઝાંખી પડી ગયેલી, પણ માણેક બંગલાનો રંગ હમણાં જ થયો હોવાને કારણે પોલીસ ત્રિપુટીએ જોયું કે આસપાસના બંગલામાં રહેતા લોકો માણેક બંગલાને ટોળે વળેલાં. એમની વચ્ચેથી માર્ગ કરતી પોલીસ ત્રિપુટી આગળ વધી. ગ્રેબ્લેક રંગથી રંગાયેલા માણેક બંગલાનું મુખ્ય દ્વાર ઉઘાડું હતું. દરવાજે ઊભેલો ધનંજય જાગીરદાર. 

ઈન્સ્પેક્ટર કરણ બક્ષી પાણીદાર આંખોના એક્સ-રેથી ધનંજયના વ્યક્તિત્વનું માપ કાઢી રહ્યો. મેગા મોલના માલિકનું જેવું હોવું જોઈએ એવું જ પ્રભાવશાળી ને જાજરમાન વ્યક્તિત્વ હતું પાંત્રીસેકના દેખાતા ધનંજયનું. છતાં સમગ્ર વ્યક્તિત્વમાં એક પ્રકારની કૃત્રિમતા પણ જણાતી હતી. કદાચ અમીરીના દેખાડા પાછળ એ એની અસલિયત છુપાવી રહેલો. 

બે અંગૂઠા સહિત દસેય આંગળીઓમાં સોના, હીરા ને વિવિધ નંગની વીંટીઓ. ગળામાં હીરાના પેન્ડન્ટવાળો સોનાનો અછોડો. પોણા છ ફૂટ કરતાં થોડી વધુ ઊંચાઈ હશે. સપ્રમાણ દેહ. માથે કાળા ભમ્મર વાળનો જથ્થો. પગમાં રંગરંગી નંગ જડેલી સફેદ મોજડી. બગલાની પાંખ જેવા શ્વેત પાયજામા પર શ્વેત કુર્તો. કુર્તા પર સોનેરી બટન. નહીં ગોળ ને નહીં લંબગોળ એવું સોહામણું ગોં મુખ. નાક પ્રમાણમાં ચપટું. ઘેરી બદામી આંખોમાં ઉદાસી છવાયેલી. પણ, આ શું. કરણે ધારીને જોયું તો ઉદાસ દેખાતી આંખોમાંથી ખંધાઈ ટપકતી જણાઈ. કરણને બે ઘડી થયું કે એ પોતાનો વહેમ છે. પણ ના... આ વહેમ નથી. વાદળ આડે છુપાઈ જતા સૂર્યની જેમ ઉદાસી પાછળ ખંધાઈ ઢંકાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. ખેર, જે હશે એ નીરક્ષીર થઈ જશે!

દરમિયાન ધનંજયે બે હાથ જોડીને પોલીસ ત્રિપુટીને આવકારી. ત્રિપુટીને બંગલામાં દોરી ગયો. બંગલાનો કોરિડોર વટાવીને સહુ દીવાનખંડમાં આવી પહોંચ્યાં. પહેલી દૃષ્ટિએ એકદમ સ્વચ્છ ને સુઘડ જણાતા દીવાનખંડમાં બે સામસામી દીવાલે ગુલાબી રંગના સોફા સજાવેલા. સોફાની લગોલગ કાચની ટીપોય. ક્યાંય કોઈ ડાઘાડૂઘી નહીં. પણ ફર્શ પરના દૃશ્યએ દીવાનખંડનું સમૂળગું ચિત્ર જ બદલી નાખેલું. આછા વાદળી રંગના સ્વચ્છ મલમલી ગાલીચા પર એક સ્ત્રીનો મૃતદેહ ચત્તોપાટ પડેલો. ધનંજય એની સામે આંગળી ચીંધીને કહી રહ્યો : `ઈન્સ્પેક્ટર સાહેબ, આ જ છે પદ્મિની...'

પોલીસ ત્રિપુટીએ મૃતદેહનું નિરીક્ષણ કર્યું. એમાંથી આછી દુર્ગંધ આવવા લાગેલી. પણ હમણાં જ થયેલા રંગરોગાનની ગંધમાં એ દુર્ગંધ થોડી દબાઈ ગયેલી. સ્ત્રીની ઉંમર અઠ્ઠાવીસથી બત્રીસેકની વચ્ચેની હશે. અત્યંત ખૂબસૂરત કહેવાય એવી ભલે નહોતી, પણ દેખાવે આકર્ષક તો હતી જ. પાંચ ફૂટ ત્રણ ઈંચ જેટલી ઊંચાઈ. શરીર સૌષ્ઠવ વખાણવાલાયક. પીડાને કારણે એનો લંબગોળ ચહેરો વંકાઈ ગયેલો. એની આંખો બંધ હતી. હોઠ અધખુલ્લા. પીઠ નીચે ખભા સુધીના વાંકડિયા વાળ દબાઈ ગયેલા. 

કેટલીક લટોએ કપાળને અર્ધું ઢાંકી દીધેલું. લીલી કિનારીવાળી લાલ બાંધણી એણે પહેરેલી. લાલ રંગનું બ્લાઉઝ. ધ્યાનથી જોતાં એના દેહ પર ઠેકઠેકાણે ધારદાર છરીના ઊંડા પ્રહાર કરાયેલા જણાયા. જખમ એટલા ઊંડા હતા કે લોહીનાં છાંટાં ઊંચે સુધી ઊડ્યા હશે. સોફાને માથે સ્વીચ બોર્ડ હતું ત્યાં સુધી. છરી હજુ એના શરીરમાં ખૂંપેલી. પરિણામે પુષ્કળ લોહી વહી નીકળેલું. લાલ બાંધણીમાં ભળી ગયેલું. જોકે એ લોહી સુકાઈને કાળું પડી ગયેલું. લોહી વહી જવાને કારણે જ મૃત્યુ થયેલું. મોતને બોતેર કલાક જેટલો સમય થયો હશે.  

`પદ્મિની જેવી બીજી સેક્રેટરી મળવી મુશ્કેલ. એટલી તો કાર્યદક્ષ ને નિષ્ઠાવાન...' ધનંજય જાગીરદાર બબડી રહ્યો. ઈન્સ્પેક્ટર કરણ બક્ષીએ ધનંજયને ખભે હાથ મૂક્યો. સાંત્વનાના સૂરે કહ્યું : `બંગલાના બીજા કમરાઓ જોઈ લઈએ...'

`જી, ઇન્સ્પેક્ટર...' ધનંજય આગળ થયો. પાછળ પોલીસ ત્રિપુટી. ધનંજયે ત્રણેયને આખા બંગલામાં ઘુમાવ્યાં. દીવાનખંડની જમણી બાજુએ આધુનિક ઉપકરણોથી સજ્જ રસોડું હતું. ઘણા સમયથી રસોડું બંધ જ હોય એવું લાગ્યું. કોઈએ એનો ઉપયોગ કર્યો હોય એવું લાગ્યું નહીં. રસોડાની બાજુમાં આલીશાન બેડરૂમ. વિશાળ પલંગ પર પથરાયેલી બેડશીટ પર એકેય સળ નહોતી. 

બાજુમાં બે જણા બેસી શકે એવો મુલાયમ સોફો. જોકે બેડરૂમનો પણ ઉપયોગ થયેલો ન લાગ્યો. સામેની બાજુએ ગેસ્ટ રૂમ હતો. બંગલાની પાછલી બાજુએ ખૂલતો એક દરવાજો હતો, જે અંદરથી બંધ હતો. બંગલામાં બીજે ક્યાંય કંઈ આઘુંપાછું થયાનાં નિશાન નહોતાં. નોંધવા જેવી બાબત હોય તો એ જ કે આખાયે બંગલામાં નવા કરાયેલા રંગરોગાનની ગંધ નાકમાં પેસી રહેલી. 

બંગલાનું નિરીક્ષણ કર્યા પછી કરણ બક્ષી ધનંજય જાગીરદારને લઈને ફરી દીવાનખંડમાં આવ્યો. દેવકી અને જયરાજે ધનંજય પાસેથી નંબર મેળવીને પદ્મિનીને ઘેર ફોન કર્યો. એનાં પરિવારજનોને  માણેક બંગલો આવવા કહ્યું. પછી આજુબાજુ રહેતાં લોકોની પૂછપરછ કરવા નીકળી ગયાં. પૂછતાછને અંતે દેવકી અને જયરાજ એવા તારણ પર પહોંચ્યાં કે અલંકાર સોસાયટીમાં ધનંજયનું નામ બદનામ હતું. એ કોઈ પણ સમયે સોસાયટીમાં આવતો ને ગમે ત્યારે નીકળી જતો. એની ગણના રંગીલા આદમી તરીકે થતી. ભોળી છોકરીઓને પૈસાને જોરે એ ફસાવી લેતો. એણે ફસાવેલી છોકરીઓની યાદીમાં છેલ્લું નામ હતું પદ્મિનીનું. પદ્મિની અવારનવાર માણેક બંગલોમાં આવતાંજતાં દેખાતી. કોઈકને તો પદ્મિનીએ કહેલું કે એ અને ધનંજય પરણવાના હતાં. જોકે પદ્મિનીના ખૂન અંગે કોઈ જાણતું નહોતું.  

પાડોશમાં રહેતાં સુમિત્રાબહેનને એટલું યાદ હતું કે એમણે ત્રણચાર દિવસ પહેલાં પદ્મિનીને સોસાયટીમાં આવતાં જોયેલી, જતાં નહીં ! ચોકીદાર બહાદુરે પણ સૂર પુરાવ્યો. પછી કંઈક યાદ આવ્યું હોય એમ ઉમેર્યું : `અઠવાડિયા પહેલાં જ માણેક બંગલોનું રંગરોગાનનું કામ પૂં થઈ ગયેલું, પણ કાલે  સવારથી ધનંજય સાહેબ ખુદ રંગકામ કરવા મંડી પડેલા. ગઈ કાલે સાંજે જ કામ પતાવીને મોડેથી નીકળેલા.' પણ પોતે કાંઈ પૂછ્યું નહીં. મોટા માણસની મોટી વાતો !

`અમારે વધુ કંઈ પૂછવું હશે તો તમને બોલાવીશું.' કહીને દેવકી અને જયરાજ બંગલોમાં પેઠા. કરણને વિગતો જણાવી. એ સાંભળ્યા પછી કરણે ધનંજયને પૂછ્યું: `પદ્મિની તમારી સેક્રેટરી તરીકે ક્યારથી કામ કરતી?' 
`અં, જુઓને...' ધનંજય યાદ કરી રહ્યો : `છેલ્લા દોઢેક વર્ષથી...'

`પદ્મિનીએ તમારી સેક્રેટરી તરીકે શું કામગીરી કરવાની રહેતી ?' કરણ ચીલાચાલુ પ્રશ્ન પૂછી રહ્યો. 
`એ જ જે સેક્રેટરીએ કરવાની હોય છે...' ધનંજય કહી રહ્યો : `મારી એપોઇન્ટમેન્ટ્સ જોવાની, ફોન એટેન્ડ કરવાના, ઓફિસનો પત્રવ્યવહાર જોવાનો...બસ, એવું બધું.'
`પદ્મિનીનો પગાર કેટલો હતો ?' કરણ પૂછી રહ્યો.

`પંચોતેર હજાર...' ધનંજય દાંત દેખાડતાં બોલ્યો : `મેગા મોલના માલિકની સેક્રેટરીનો પગાર એટલો તો હોય જ ને !'

`મિસ્ટર ધનંજય, એપોઇન્ટમેન્ટ્સ જોવાની, ફોન એટેન્ડ કરવાના, ઓફિસનો પત્રવ્યવહાર જોવાનો ને એવા બધા કામનો પગાર અન્ય ઠેકાણે માંડ પંદર હજાર મળે છે...' કરણે ટાઢા ડામ દેતો હોય એમ કહ્યું : `તો પછી પદ્મિનીને આવડો મોટો પગાર કયા આધારે આપતા તમે ?'

`એ તમે સમજી જાવ ને, ઇન્સ્પેક્ટર...' ધનંજય નફ્ફટાઈથી બોલ્યો : `એ પણ મારે મોઢે જ કહેવડાવશો કે શું ?' 

`હં, એટલે પદ્મિની અવારનવાર આ બંગલામાં આવતી ?' દેવકી પોતાના ક્રોધ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહી : `તમારા પૈસાના જોરે તમે એને ભોળવી લીધેલી.'

`જુઓ, મેં પદ્મિની સાથે કોઈ બળજબરી કરી નથી...' ધનંજય નામના શિયાળના ચહેરા પરથી સસલાનું મહોં ખસી રહેલું : `એ એની રાજીખુશીથી અહીં આવતી. મારા ઢોલિયાની શોભા વધારવા..'

`કારણ કે તમે એની સાથે લગ્ન કરવાનું વચન આપેલું..' જયરાજની આંખમાંથી ઘૃણા વરસી રહી.

`વચન તો હોય છે જ તોડવા માટે...' ધનંજયના શબ્દકોશમાં શરમ નામનો શબ્દ જ નહોતો : `ઈન્સ્પેક્ટર, મેં પરણવાનું વચન ન આપ્યું હોત તો પદ્મિની મારે વશ ન થઈ હોત. તમે જ કહો, હું મેગા મોલનો માલિક થઈને પદ્મિની જેવી એક સામાન્ય સેક્રેટરી સાથે શું કામ પરણું ? મારા લગ્ન તો મશહૂર ઉદ્યોગપતિ અનુપમ પારેખની એકની એક દીકરી રાગિણી સાથે થવાનાં છે.'

`મિસ્ટર ધનંજય, છેલ્લે પદ્મિની ત્રણ દિવસ પહેલાં અહીં આવતી જોવામાં આવેલી. તમે જ એને બોલાવી હશે....' કરણ ધારદાર સ્વરે પૂછી રહ્યો : `જો એ તમારા કહેવાથી આવી હોય તો એનું ખૂન કોણે કર્યું ?' 

કરણનું વાક્ય પૂરૂં થયું, ત્યાં તો પદ્મિનીનાં પરિવારજનો આવી પહોંચ્યાં. પિતા પીતાંબર અને ભાઈ પરેશ. કરણને મોઢે પદ્મિનીનાં ખૂન અંગે સાંભળીને બંને ચીસ પાડી ઊઠ્યાં. પદ્મિનીનો મૃતદેહ જોઈને ફસડાઈ પડ્યા : `શું...ખૂન? પદ્મિનીનું ખૂન... આ નપાવટ ધનંજયે જ કર્યું હશે એનું ખૂન. પહેલાં મારી પારેવા જેવી દીકરીને ભોળવી લીધી અને ગરજ મટી જતાં એને રસ્તામાંથી હટાવી દીધી. અમે તો એને કેટલુંયે સમજાવેલી કે પૈસાવાળાઓથી આઘા જ રહેવું. પણ એ માની નહીં. કહેતી રહી કે ધનંજય એને પરણવાનો છે...પણ આ પાપીએ તો પરણવાના નામે પદ્મિનીને પતાવી જ દીધી.'

`તમે ચિંતા ન કરો. અમે પદ્મિનીના ખૂનીને પકડી લઈશું...' દેવકી અને જયરાજ પદ્મિનીનાં પરિવારજનોને આશ્વાસન આપી રહ્યાં. જોકે એમની રોકકળની ધનંજય પર કોઈ અસર થઈ નહોતી. એ તો તીરે બેસીને તમાશો જોતો રહ્યો. દરમિયાન કરણ બક્ષી મનોમન ગણતરીઓ માંડી રહેલો. ધનંજયનું ખરડાયેલું નામ,પદ્મિનીને પરણવાનું વચન આપવું, રાગિણી સાથે થનારાં લગ્ન, ત્રણેક દિવસ અગાઉ માણેક બંગલોમાં આવેલી પદ્મિની, એનો મૃતદેહ મળી આવવો, નવા રંગરોગાન, ધનંજયની નફ્ફટાઈ..

`મિસ્ટર ધનંજય, હું ફરીથી પૂછું છું....' કરણના સ્વરમાં તીખાશ ભળી : `પદ્મિની ત્રણ દિવસ પહેલાં તમારા કહેવાથી અહીં આવેલી, તો એનું ખૂન કોણે કર્યું?'  
`મેં !' ધનંજય સપાટ અવાજે કહી રહ્યો. ન કોઈ પસ્તાવો, ન કોઈ અફસોસ. 
`હં, તો હવે કૃપા કરીને જણાવો કે પદ્મિનીનું ખૂન શા માટે કર્યું ?' કરણ બક્ષીનો સ્વર સ્પર્શી શકાય તો દાઝી જવાય એવો દાહક હતો. પદ્મિનીના પિતા અને ભાઈ આક્રંદ કરી રહ્યા. 

`કારણ કે મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો....' ધનંજયના અવાજમાં નિર્લજ્જતાની પરાકાષ્ઠા જણાઈ : `મેં પહેલી વાર પદ્મિનીને એક પ્રસંગમાં જોયેલી. એને જોતાંવેંત મોહી ગયેલો. એથી એને સેક્રેટરીની નોકરી આપી. તગડો પગાર આપ્યો. અંતે પરણવાનું વચન આપ્યું. ત્યારે એ પીગળી. મારે તાબે થઈ. પછી એનાથી પીછો છોડાવવા મેં એને રૂપિયાની લાલચ આપી. પણ એ ન માની. પદ્મિની તો પરણવાની હઠ લઈને બેઠી. દરમિયાન, રાગિણી સાથે મારા લગ્ન નક્કી થયાં. 

પદ્મિનીને અંતિમ વાર સમજાવવા મેં એને અહીં બોલાવી. પણ એ ન માની. એણે રાગિણી સમક્ષ અમારાં સંબંધો જાહેર કરી દેવાની ધમકી આપી. મને ગુસ્સો આવ્યો. રસોડામાં જઈને ફળ કાપવાની છરી હું લઈ આવ્યો. અને એના શરીરમાં આડેધડ પ્રહાર કરવા માંડ્યો. એ મારી નજર સામે તરફડીને મરી ગઈ. પુઅર ગર્લ.. પણ એમાં મારો કોઈ વાંક નથી. મારે એનો કાંટો કાઢવો જ પડે એમ હતું... આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ !'

`તમે પદ્મિનીના ખૂની હોવાનો એકરાર કર્યો છે, મિસ્ટર ધનંજય...' કરણના પાણીદાર અવાજના રણકાથી બંગલાનો દીવાનખંડ ગુંજી ઊઠ્યો: `યુ આર અન્ડર એરેસ્ટ!'

`ઈન્સ્પેક્ટર, મેં ખૂન કર્યું છે, પણ મારી કબૂલાતથી અદાલત મને ખૂની માનવાની નથી...' ઘાટ ઘાટના પાણી પી ચૂકેલો ધનંજય અઠંગ ખેલાડી નીકળ્યો: `અદાલતમાં તો હું મારા નિવેદનથી ફરી જઈશ. તમારી પાસે શું પુરાવો છે કે ખૂન મેં કર્યું છે?'

કરણ બક્ષીને કપાળે કરચલી પડી. એવામાં એની હાંસી ઉડાડતો હોય એમ ધનંજય બોલ્યો : `મેં બધી બાબતનું ધ્યાન રાખ્યું છે. બંગલાનું એરક્નડીશનર ચોવીસે કલાક ચાલુ રાખેલું. જેથી પદ્મિનીનો મૃતદેહ લાંબો સમય ઠંડો રહે. એની દુર્ગંધ બહાર ન જાય. છરી સહિત બંગલાના તમામ ઠેકાણેથી મારાં આંગળાંની છાપ ભૂંસી નાખી છે. પદ્મિનીનું લોહી તો ઠેઠ ઊંચે સુધી ઊડેલું. પણ મેં ખુદ રંગરોગાન કરીને દીવાલે ઊડેલા લોહીનાં છાંટાં છુપાવી દીધાં છે. ગાલીચા અને સોફા પણ બદલાવી નાખ્યાં છે. એટલે તમને ક્યાંયથી પદ્મિનીનાં લોહીથી રંગાયેલાં મારાં આંગળાંની છાપ નહીં મળે... પ્રયત્ન કરી જુઓ. કેચ મી ઇફ યુ કેન.'

કરણ, દેવકી અને જયરાજ આ શાતિર ખૂનીને જોઈ રહ્યાં. એવો ખૂની જે પોલીસને પડકારી રહેલો. પણ આ ઘડીએ એનું પલ્લું નામી રહેલું. પોલીસ ત્રિપુટી શાંતચિત્તે વિચારી રહી. પોલીસ ટે્રનિંગ દરમિયાન એમને શીખવવામાં આવેલું કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં મગજ શાંત રાખીને વિચાર કરવો. કારણ કે ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય તો પણ કોઈ ને કોઈ ભૂલ તો કરી જ બેસે છે. જરૂર હોય છે એ ભૂલ શોધવાની...પોલીસ ત્રિપુટી ધનંજયની ભૂલ શોધવા પ્રયત્ન કરી રહી. કરણ દીવાનખંડની દીવાલો સામે તાકી રહ્યો. ધનંજયનું નિવેદન મમળાવી રહ્યો : પદ્મિનીનું લોહી તો ઠેઠ ઊંચે સુધી ઊડેલું. પણ મેં ખુદ રંગરોગાન કરીને દીવાલે ઊડેલા લોહીનાં છાંટાં છુપાવી દીધાં છે.... કરણ ઊંચે જોઈ રહ્યો. સ્વીચ બોર્ડ જોઈને એના મગજમાં એકાએક બત્તી થઈ. એ મનમાં જ બોલ્યો, હં, એનો અર્થ એ થયો કે.. 

`મિસ્ટર ધનંજય, તમે પદ્મિનીનું ખૂન કર્યા પછી એ જ લોહીનાં છાંટાં સાફ કર્યા જે તમને દેખાયા. પણ સ્વીચ બોર્ડની સ્વીચ પર પડેલો ડાઘ ભૂંસવાનું તમને સૂઝ્યું નહીં હોય. કારણ કે એ ડાઘ તમને દેખાયો જ નહીં હોય...બત્તી ચાલુ કરવા ને બંધ કરવા તમે આંગળાંનો ઉપયોગ કર્યો હશે. એટલે પદ્મિનીનાં લોહીનાં છાંટાં ઊડેલી સ્વીચ પરથી તમારાં લોહીવાળાં આંગળાની છાપ મળી આવશે. ને અદાલતમાં તમે ખૂન કર્યાનું પુરવાર થઈ જશે...' કરણ ટાઢા બોળ અવાજે કહી રહ્યો.

ધનંજય એકદમ દોડ્યો સ્વીચ બોર્ડ ભણી, પણ દેવકી અને જયરાજે એને ઝડપી લીધો. પદ્મિનીનાં પરિવારજનો એના પર ફિટકાર વરસાવી રહ્યાં. કરણ બક્ષી આંખમાં અંગારા વરસાવતા બોલ્યો : `યુ આર અન્ડર એરેસ્ટ...આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ!'  
ધનંજય શું બોલે ? એને કાપો તો લોહી ન નીકળે ! એના અહંકારે એનો જ ભોગ લઈ લીધેલો! 

આવતા અઠવાડિયે નવી કથા