નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષ 2026-27ના પહેલા અથવા તો ગત એપ્રિલ મહિનામાં ઑટોમોબાઈલ ઉદ્યોગમાં રિટેલ વેચાણ એપ્રિલ, 2025ના 23,12,221 યુનિટ સામે 12.94 ટકાના ઉછાળા સાથે 26,11,317 યુનિટની સપાટીએ રહ્યું હોવાનું ફેડરેશન ઑફ ઑટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન (ફાડા)એ તાજેતરમાં સંકલિત કરેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
ગત સપ્ટેમ્બર મહિનામાં સરકારે જીએસટીનું તાર્કિકરણ કરવાની સાથે પોસાણક્ષમતામાં વધારો, રિઝર્વ બૅન્કની ટેકાલક્ષી વ્યાજદરની નીતિ, રવી પાકની સારી લણણી થવાથી ગ્રામીણ આવકોમાં થયેલો વધારો, લાંબા સમયગાળા સુધીની લગ્નસરાની મોસમ જેવાં કારણોસર ગત સપ્ટેમ્બરથી વાહનોનામાં વેચાણમાં આકર્ષક વૃદ્ધિદર જળવાઈ રહ્યો હોવાનું ફાડાએ યાદીમાં ઉમેર્યું હતું.
ગત એપ્રિલ મહિનામાં વર્ષાનુવર્ષ ધોરણે પેસેન્જર વાહનોનું વેચાણ 12.21 ટકા વધીને 4,07,355 યુનિટ (3,63,028 યુનિટ)ના સ્તરે, દ્વીચક્રી વાહનોના વેચાણમાં માસિક ધોરણે શ્રેષ્ઠ કામગીરી જોવા મળતાં વેચાણ 13.01 ટકાના વૃદ્ધિદર સાથે 19,16,258 યુનિટ (16,95,638 યુનિટ) અને ત્રિચક્રી વાહનોનું વેચાણ 7.19 ટકા વધીને 1,06,908 યુનિટ (99,741 યુનિટ)ની સપાટીએ રહ્યું હતું.
વધુમાં ગત એપ્રિલ મહિનામાં વેપારી વાહનોનું વેચાણ પણ વર્ષાનુવર્ષ ધોરણે 15.02 ટકા વધીને 99,339 યુનિટ (86,364 યુનિટની સપાટીએ રહ્યું હતું. એકંદરે નાણાકીય વર્ષ 2026-27ના આરંભમાં ઑટો ઉદ્યોગમાં રિટેલ વેચાણ 12.94 ટકાના આકર્ષક અને મજબૂત વૃદ્ધિદર સાથે 26,11,317 યુનિટની સપાટીએ રહ્યું છે જે અત્યાર સુધીના એપ્રિલ મહિનાના વેચાણની સર્વોચ્ચ સપાટી રહી હોવાનું ફાડાના વાઈસ પ્રેસિડૅન્ટ સાઈ ગિરધરે જણાવતા ઉમેર્યું હતું કે વાહનોની છ કેટેગરી પૈકી પાંચ કેટેગરીએ એપ્રિલ મહિનાના વેચાણમાં વિક્રમ સર્જ્યો હોવાથી વર્ષ 2026ના બીજી છ માસિકગાળાથી જોવા મળેલો વેચાણમાં સુધારો જળવાઈ રહ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે પેસેન્જર વાહનોના સેગ્મેન્ટમાં સાર્વત્રિક સ્તરેથી કામગીરી શ્રેષ્ઠ રહી હતી, જેમાં ગ્રામીણ ક્ષેત્રે વેચાણ વૃદ્ધિ શહેરમાં જોવા મળેલા 7.11 ટકાના વૃદ્ધિદર સામે લગભગ ત્રણ ગણી 20.40 ટકાના સ્તરે રહી હતી. જોકે, આ વર્ષે ઉનાળામાં ઘણાં રાજ્યોમાં હીટ વેવ રહેવાની શક્યતા ઈન્ડિયા મીટરોલોજિકલ વિભાગે વ્યક્ત કરી હોવાથી તેમ જ પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલી ભૂરાજકીય કટોકટી અને તેને કારણે ક્રૂડતેલના ભાવ વધી આવતા પેટ્રોલ અને ડીઝલના ભાવની ભવિષ્યમાં વાહનોના વેચાણ પર કેવી અસર થશે, તે જોવુંં મહત્ત્વનું રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું.