IDFC First Bank ની ચંદીગઢ બ્રાન્ચમાં થયેલાં રૂપિયા 590 કરોડના કૌભાંડના સમાચારને કારણે બેંકના સાડાત્રણ કરોડ ખાતાધારકો અને ઈન્વેસ્ટર્સમાં ફફડાટ વ્યાપી ગયો છે. આવી સ્થિતિમાં ખાતાધારકોને સવાલ થાય એ સ્વાભાવિક છે કે આઈડીએફસી ફર્સ્ટ બેંકના ખાતાઓમાં જમા તેમની જમા પૂંજી સુરક્ષિત છે કે નહીં? રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. આવો જોઈએ ગવર્નર સંજય મલ્હોત્રાએ શું સ્પષ્ટતા કરી છે...
સામાન્ય ખાતાધારકો પર શું અસર થશે?
જો તમારું સેવિંગ્સ એકાઉન્ટ, ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કે કરંટ એકાઉન્ટ આ બેંકમાં છે, તો તમારે ગભરાવાની જરૂર નથી. આ કૌભાંડથી સામાન્ય ગ્રાહકો પર થનારી વિષે સ્પષ્ટતા કરતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) બંનેએ સ્પષ્ટતા કરી છે કે ગ્રાહકોની જમાપૂંજી સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ કૌભાંડ બેંકના ઇન્ટરનલ કંટ્રોલની ખામીને કારણે થયું છે અને તે માત્ર હરિયાણા સરકારના ચોક્કસ ખાતાઓ પૂરતું મર્યાદિત છે.
આરબીઆઈના ગવર્નરે વધુમાં એવી સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આ કૌભાંડની ખાતાધારકો પર કઈ અસર જોવા નહીં મળે. આ સિવાય નેટ બેંકિંગ, યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની સેવાઓ પર આ સ્કેમની કોઈ અસર થશે નહીં અને ખાતાધારકો પહેલાની જેમ જ વ્યવહાર કરી શકશો. ગ્રાહકોની લોન અને એફડી પર મળતા વ્યાજ દરોમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ANI
આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ આ મામલે દરમિયાનગિરી કરતા જણાવ્યું હતું કે બેંકિંગ સિસ્ટમમાં કોઈ 'સિસ્ટમેટિક રિસ્ક' નથી. આરબીઆઈ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને ખાતાધારકોને કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન નહીં આપવાની અપીલ પણ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ કૌભાંડનો ખુલાસો એ સમયે થયો હતો કે જ્યારે હરિયાણા સરકારે તેના કેટલાક ખાતા બંધ કરવાની અરજી કરી હતી. બેંક રેકોર્ડ અને સરકારના રેકોર્ડમાં તફાવત જણાતા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે બેંકના કેટલાક કર્મચારીઓએ બહારના લોકો સાથે મળીને અનઅધિકૃત ટ્રાન્ઝેક્શન દ્વારા રૂપિયા 590 કરોડની ઉચાપત કરી હતી.
આઈડીએફસી ફર્સ્ટ બેંકનું આ કૌભાંડ ચોક્કસપણે ચિંતાનો વિષય છે, પરંતુ તે બેંકની નાદારી કે સામાન્ય લોકોના પૈસા સાથે જોડાયેલું નથી. જો તમે આ બેંકના ખાતાધારક છો, તો તમારી મહેનતની કમાણી સુરક્ષિત છે. બેંક પોતે જ આ છેતરપિંડી પકડનાર છે, જે દર્શાવે છે કે તેઓ સુધારાત્મક પગલાં લઈ રહ્યા છે.