Tue May 26 2026

Logo

ડૉલરની મજબૂતી અને ફેડરલ વ્યાજ વધારે તેવી ભીતિ હેઠળ વૈશ્વિક સોનામાં 4.9 ટકાનો અને ચાંદીમાં 5.50 ટકાનો કડાકો...

2 months ago
Author: Ramesh Gohil
Article Image

સ્થાનિકમાં ચાંદી રૂ. 13,104 ગબડી, સોનું રૂ. 7649 તૂટ્યું 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) 

મુંબઈઃ
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ વધુ લંબાઈ જવાની ભીતિ હેઠળ આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ક્રૂડતેલના ભાવ વધી આવતાં ફુગાવો વધવાની અને વૈશ્વિક અર્થતંત્રો પર માઠી અસર પડવાની શક્યતાને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી ધારણા રોકાણકારો મૂકી રહ્યા હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં 4.9 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ 5.50 ટકા ઘટી આવ્યા હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 13,104 ગબડી ગયા હતા અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 7618થી 7649 સુધીનો ઘટાડો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વિશ્વ બજાર પાછળ વેરારહિત ધોરણે 999 ટચ ચાંદીના કિલોદીઠ ભાવ આગલા બંધ સામે રૂ. 13,104 ગબડીને રૂ. 2,19,260ના મથાળે રહ્યા હતા. જોકે, વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહી હતી. વધુમાં આજે વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 7618 ઘટીને રૂ. 1,39,010 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 7649 ઘટીને રૂ. 1,39,569ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં ઘટ્યા મથાળેથી રોકાણકારોની છૂટીછવાઈ રોકાણલક્ષી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની વધુ ભાવ ઘટે તેવી ધારણા હેઠળ લેવાલી પાંખી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સની મજબૂતી અને અમેરિકી 10 વર્ષીય બૉન્ડની યિલ્ડ વધી આવતાં હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે એક તબક્કે આઠ ટકા સુધી ઘટ્યા બાદ આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે 4.9 ટકા ઘટીને આૈંસદીઠ 4266.47 ડૉલર અને એપ્રિલ ડિલિવરી વાયદામાં ભાવ 6.7 ટકા ઘટીને 4267.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 5.5 ટકા ઘટીને આૈંસદીઠ 64.01 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગત 28મી ફેબ્રુઆરીથી અથવા તો અમેરિકા-ઈઝરાયલે સંયુક્તપણે ઈરાન પર હુમલો કર્યો ત્યારથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં બાવીસ ટકાનો અને ઊંચા મથાળેથી 25 ટકાનો ઘટાડો આવી ગયો છે. 

સામાન્યપણે ફુગાવો વધે ત્યારે સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓમાં રોકાણકારોની હેજરૂપી લેવાલી રહેતી હોય છે, પરંતુ ઈરાન સાથેના યુદ્ધને કારણે ફુગાવો વધવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને વધતા ફુગાવાના સંજોગોમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતાને કારણે સોનાના ભાવ દબાણ હેઠળ આવે છે. હવે વર્ષ 2026માં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ નહીં મૂકે તેવી ઓછી અને વ્યાજદરમાં વધારો કરે તેવી શકયતા વધી રહી હોવાથી સોના-ચાંદીમાં નરમાઈ રહેતી હોવાનું જેફરીઝનાં વિશ્લેષક નિકોસે જણાવ્યું હતું. 
વધુમાં હાલ ક્રૂડમાં તેજીનું વલણ રહેતું હોવાને કારણે રોકાણકારો ક્રૂડ તેલમાં ખરીદી અને સોનામાં વેચવાલી રહેતી હોવાનું પણ અમુક વર્ગનું માનવું છે.