(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે હાજરમાં સોનાના ભાવમાં ચાર ટકાનો અને ચાંદીના ભાવમાં આઠ ટકાનો કડાકો બોલાઈ ગયા બાદ આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી સાધારણ નરમાઈ અને મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધતાં લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીમાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે બન્ને કિંમતી ધાતુઓમાં બાઉન્સબૅક જોવા મળ્યું હતું. જોકે, સ્થાનિક ઝવેરી બજાર ગઈકાલે ધુળેટીની જાહેર રજાને કારણે સત્તાવાર ધોરણે બંધ રહ્યા બાદ આજે ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતા હાજરમાં ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 18,501 અને સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 4903થી 4923 ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલ અને સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો સહિત જ્વેલરી ઉત્પાદકોની પણ માગ નિરસ રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 18,501ના ઘટાડા સાથે રૂ. 2,71,347ના મથાળે રહ્યા હતા. તેમ જ હાજરમાં 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે ભાવ રૂ. 4903 ઘટીને રૂ. 1,61,897 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 4923 ઘટીને રૂ. 1,62,548ના મથાળે રહ્યા હતા. તેમજ સોનામાં પણ ઊંચી સપાટીએથી માત્ર છૂટીછવાઈ રોકાણલક્ષી માગને બાદ કરતાં સ્ટોકિસ્ટો, રિટેલ સ્તરની અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલીનો અભાવ હતો.
ગઈકાલે વિશ્વ બજારમાં સોનાના ભાવમાં ચાર ટકાનો અને ચાંદીના ભાવમાં આઠ ટકાનો કડાકો બોલાઈ ગયા બાદ આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધતા સલામતી માટેની માગને ટેકે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ 2.2 ટકાના બાઉન્સબૅક સાથે આૈંસદીઠ 5198.58 ડૉલર અને એપ્રિલ વાયદામાં ભાવ 1.7 ટકા વધીને 5211.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 5.3 ટકા ઉછળીને આૈંસદીઠ 86.39 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
સતત પાંચ સત્ર સુધી બજારમાં એકતરફી તેજીનું વલણ રહ્યા બાદ ગઈકાલે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને રોકાણકારોએ તેની લેણની પોઝિશનો છૂટી કરતાં બન્ને કિંમતી ધાતુઓમાં ઘટાડો નોંધાયો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં બન્ને કિંમતી ધાતુઓમાં રોકાણકારોની સલામતી માટે ઘટ્યા મથાળેથી લેવાલી નીકળતા બાઉન્સબૅક જોવા મળ્યું હોવાનું નેમો મનીનાં વિશ્લેષક જેમી દત્તાએ જણાવ્યું હતું.
હાલના તબક્કે અમેરિકા અને ઈઝરાયલ ઈરાનની મિસાઈલની તથા એર ડિફેન્સનાં મથકો પર હુમલાઓ કરી રહ્યા હોવાથી મધ્યપૂર્વમાં ભૂરાજકીય તણાવમાં વધારો થવાની ભીતિ વધી છે. તેમ જ ક્રૂડતેલના ભાવ વધી આવતાં ફુગાવાની સાથે આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર આવતાં ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં રોકાણકારોની સલામતી માટેની માગ જોવા મળી રહી છે. તેમ જ જો અમેરિકા-ઈઝરાયલની આ લશ્કરી કાર્યવાહી વધુ લાંબા સમય સુધી ચાલે તો વૈશ્વિક સોનાને આૈંસદીઠ 5000 ડૉલરની સપાટીની ઉપર ટેકો મળતો રહેશે, એમ અન્ય એક વિશ્લેષકે જણાવ્યું હતું.