Sat Apr 25 2026

Logo

મસ્તરામની મસ્તીઃ ખાધું પીધું મતદાન મથક સુધી આવે...

9 hours ago
Author: Milan Trivedi
Article Image

 

મિલન ત્રિવેદી

ચૂંટણીનો પવન ફૂંકાય એટલે ગલીએ ગલીએ નેતાઓનાં હોર્ડિંગ્સ લાગવા માંડે, પણ આ વખતે પવન જરા અલગ દિશામાં વાઈ રહ્યો છે. અત્યાર સુધી આપણે `વિકાસ' કે `પરિવર્તન' જેવા ભારેખમ શબ્દો સાંભળતા હતા, પણ અમારા મહોલ્લાના નાકે ઊભેલા ચુનિયાએ આ વખતે એક નવું જ ક્રાંતિકારી સૂત્ર વહેતું મૂક્યું છે: `જે જાજું ખવડાવશે, પીવડાવશે અને ઉપરથી પાંચસો-હજાર ખવડાવશે, તેને જ મત આપશું!'

આ સૂત્ર સાંભળતા જ આખા વિસ્તારમાં લોકશાહીનો એક નવો જ `સ્વાદ' ફેલાઈ ગયો છે. ચુનિયાનું તર્ક બહુ સીધું છે. એ કહે છે, `ભાઈ, પાંચ વર્ષ સુધી આ નેતાઓ આપણું લોહી પીવે, એના કરતાં બે મહિના આપણે એમનું તેલ અને ખિસ્સા કેમ ન પીવા?'

મેનૂ કાર્ડ એ જ મેનિફેસ્ટો. પહેલાંના જમાનામાં નેતાઓ `સંકલ્પ પત્ર' બહાર પાડતા. હવે જમાનો બદલાયો છે. હવે મતદારોને આશા છે કે નેતાજી વચનોની યાદી નહીં, પણ `કેટરર્સ'નું લિસ્ટ અને `કવર' લઈને આવે. જે પક્ષના મેનૂમાં પનીર ટીક્કા અને છેલ્લે પાન-મસાલાની વ્યવસ્થા હશે એ પક્ષની જીત પાકી સમજવી. જો કોઈ નેતા ભૂલથી પણ `ગરીબ કલ્યાણ'ની વાત કરે, તો જનતા તરત પૂછે છે, `એ બધું ઠીક છે સાહેબ, પણ મેનૂમાં ગુલાબજાંબુ ગરમાગરમ મળશે કે પેકેટવાળા? અને હા, ગળામાં ડૂચો ભરાય તો ઉતારવા માટે લિક્વિડમાં શું છે?'

આપણા દેશમાં (અને ખાસ કરીને અમુક `ડ્રાય' સ્ટેટ્સમાં) ચૂંટણી ટાણે જે `પીણાં'ની ગંગા વહે છે, એ જોઈને તો ભલભલા તરસ્યા તણાવા માંડે. અહીં માત્ર શરબત કે છાસની વાત નથી થતી, સાહેબ! અહીં તો `સ્પેશિયલ' પાણીની બોટલો ફરે છે, જેના ઉપર લેબલ નથી હોતું પણ અંદર `કિક' પૂરેપૂરી હોય છે.

ચૂંટણી એટલે તરસ્યા મહોલ્લાઓ માટે `વોટર વર્કસ'ની સ્કીમ! નેતાજી ભાષણ આપતા હોય કે `હું ભ્રષ્ટાચાર નાબૂદ કરીશ,' ત્યારે પાછળ બેઠેલો કાર્યકર ચુનિયાના કાનમાં ફૂંક મારે છે, `રાત્રે અગિયાર વાગ્યે ઓલી ડેરીની પાછળ પહોંચી જજે, પેટીઓ ઊતરી ગઈ છે!' પછી તો ભ્રષ્ટાચાર નાબૂદ થાય કે ન થાય, પણ અડધો મહોલ્લો `લોકશાહીના નશામાં' ઝૂલતો થઈ જાય છે.

જોકે અહીં વાત માત્ર પેટ ભરવા કે ગળું ભીનું કરવાથી પૂરી નથી થતી. અસલી ખેલ તો `રોકડા' ખાવાનો છે. મતદાર હવે જાગૃત થયો છે, એ જાણે છે કે નેતાજી જે ખવડાવે છે એ તો `સ્ટાર્ટર' છે, `મેઈન કોર્સ' તો કવરમાં છે!

એક નેતાજી ઘરે વોટ માગવા આવ્યા. ઘરધણીએ પૂછ્યું, `સાહેબ, શું આપશો?'

નેતાજી કહે, `હું રસ્તા બનાવીશ, ગટર લાઈન નાખીશ...'

ઘરધણીએ વચ્ચે જ અટકાવ્યા, `સાહેબ, રસ્તા તો પછી બનશે, અત્યારે `ગાંધીછાપ' કાગળિયાં કેટલા વહેંચશો એ કહોને? રસ્તા પર ચાલવા માટે ચંપલ લેવાના પૈસા તો આપો!'

હવે તો રેટ-કાર્ડ ફિક્સ હોય છે. `પાંચસોમાં પક્ષપલટો, હજારે આખું ઘર અને બે હજારે આખો મહોલ્લો!' નેતાઓ પણ આ `રૂપિયા ખવડાવવાની' કળામાં માહેર થઈ ગયા છે. કોઈ પુસ્તકની અંદર નોટ મૂકીને આપે છે, તો કોઈ વળી `પ્રસાદ'ના નામે પકડાવી દે છે. જનતા પણ વિચારે છે કે, `પાંચ વર્ષ સુધી આ ભાઈ આપણી ઉપર કમાણી કરવાના છે, તો અત્યારે એમના નફામાંથી આપણો `શેર' કેમ ન લેવો?'

મતદાર તો કહે જ છે કે સ્વાદદાન કરો અમે મતદાન કરીશું.

ગઈકાલે જ રસ્તામાં એક ભાઈ મળ્યા, એમના બંને ગજવાં ફૂલેલાં હતાં અને હાથમાં ખમણનું પડીકું હતું. મેં પૂછ્યું, `કેમ ભાઈ, કોને મત આપવાના છો?'

તેમણે ત્રીજી વાર ઓડકાર ખાતા કહ્યું, `હજુ નક્કી નથી કર્યું. સવારે `અ' પક્ષના ત્યાં ગાંઠિયા ખાધા, બપોરે `બ' પક્ષવાળાએ કવર આપ્યું અને સાંજે `ક' પક્ષના ત્યાં `ઠંડુ-પીણું' પીવા જવાનું છે. છેલ્લે જેનું `પેકેજ' ભારે હશે, એના બટન પર આંગળી મુકાશે!'

આને કહેવાય સાચી લોકશાહીની `બજાર'! જ્યાં મત વેચાય છે અને મોજ લેવાય છે.

ચુનિયો કહે છે તેમ, `સાહેબ, દેશનું ભવિષ્ય તો પાંચ વર્ષ પછી ખબર પડશે, પણ માં પેટ અને ખિસ્સા તો અત્યારે જ ખાલી છે ને!'

આમ, `જે જાજું ખવડાવશે, પીવડાવશે અને ગજવાં ભરશે તેને મત આપશું.' એ માત્ર એક રમૂજ નથી, પણ આજના યુગની ચૂંટણીની કડવી સચ્ચાઈ છે. નેતાઓ સમજી ગયા છે કે જનતાને લાંબી સ્પીચમાં નહીં, પણ ભરેલી થાળીમાં રસ છે.

તો ચાલો, આ વખતે આપણે પણ તૈયાર રહીએ. હાથમાં વોટર આઈડી, ગળામાં તરસ અને ખિસ્સામાં ખાલી કવર લઈને લાઈનમાં ઊભા રહીએ. નેતાજી આવશે, પીરસશે, પાશે અને ખિસ્સામાં `ગાંધીજી' પકડાવશે. પણ યાદ રાખજો, જે આજે `મફત' લાગે છે, એનું બિલ આવતા પાંચ વર્ષ સુધી આપણે વ્યાજ સાથે ચૂકવવાનું જ છે.           

વિચારવાયુ:
`બાપના કર્યા બેટા ભોગવે' એ જ રીતે જૂના ભ્રષ્ટાચારી નેતાઓને કારણે નવા નેતાઓ ગાળું, ને વધારામાં જૂતા ખાય છે.