Sat Apr 25 2026

Logo

અરાઉન્ડ ધ વર્લ્ડઃ બહારની દુનિયાથી સાવ અજાણ ગામ- ફ્લામ...

8 hours ago
Author: Patiksha Thanki
Article Image

 

પ્રતીક્ષા થાનકી

નોર્વેમાં હવે એક વાત નક્કી હતી, ક્યાંય પણ જાઓ એક જ પ્રકારના વ્યુ મળવાના હતા. છતાંય ફોસવાન્ગનનું ફ્યોર્ડ રોજ જોવા મળી જાય તો પણ તેનાથી મન ભરાય તેવું લાગતું ન હતું. આ પહેલાં સ્વિત્ઝરલેન્ડનાં લેન્ડસ્કેપનો વ્યુ એકદમ વધુપડતો ચોખ્ખો લાગતો હતો, પણ નોર્વેમાં તો કુદરતી દૃશ્યો જરા વધુપડતાં જ હાઇ-રેઝ હોય તેવું લાગતું હતું. લીલોતરી પણ વધુપડતી ઘેરી અને બ્લુ આકાશ અને પાણી પણ વધુપડતાં બ્લુ લાગતાં હતાં. ત્યાં વોસને નજીકથી જોયા પછી ફ્લામ જવાનો સમય આવી ગયો હતો. 

ફ્લામમાં એક ઐતિહાસિક ટે્રન લાઈન પર આખોય વિસ્તાર એક્સપ્લોર કરવાનો હતો, પણ તે ટ્રેન સારા વેધરમાં એવી ભરચક રહેતી કે અમે અગાઉથી બુકિગ કરાવવા છતાં તે દિવસની છેલ્લી ટ્રેન મળી હતી. એટલે અમે બપોરે જમવાના સમય સુધી ફ્લામ પહોંચ્યાં ત્યાં અમારી પાસે છેલ્લે સાંજે છ વાગ્યાની ટ્રેન લેવાની હતી. ત્યાં સુધી ટાઇમપાસ કરવાની ફ્લામમાં કોઈ કમી ન હતી. ત્યાંનો ટ્રેન સ્ટેશનની આસપાસનો માહોલ જાણે મેળો જામ્યો હોય તેવો લાગતો હતો. ત્યાં ફ્યોર્ડમાં બોટ ટૂર્સ, ટ્રેનની લાંબી લાઈનો, સુવિનિયર સ્ટોર્સ, આ બધાં વચ્ચે નોર્વેના પ્રમાણમાં મોટો કહી શકાય તેવા સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલની જમાવટ લાગેલી હતી. ત્યાં મોટા ભાગનું ફૂડ તો સ્થાનિક હતું, પણ સાથે થોડી દુનિયાભરની વાનગીઓનાં નોર્વેજિયન વર્ઝન પણ હાજર જ હતાં. 

બરાબર લંચના સમયે ફૂડ ફેસ્ટિવલના સ્ટોલ્સ દેખાવા લાગે તો સ્વાભાવિક છે ભૂખ તો લાગવાની જ. હવે પ્રશ્ન એ હતો કે શું ખાવું ને શું ન ખાવું. મજાની વાત છે કે ત્યાં આ મોટાભાગના ફૂડ ટ્રક બારેમાસ હોય છે અને ફેસ્ટિવલ જેવો માહોલ ખાસ ટૂરિસ્ટ સીઝનમાં હોય છે. નોર્વેજિયન ફિશ સેન્ડવિચ, બીન સૂપ, થાઇ કરી, ફ્રાઇસ, બર્ગર અને જમ્યા પછી નેપ લેવાની ઇચ્છા, બધું ત્યાં એક સાથે મળી ગયું. 

જોકે જમ્યા પછી આરામ કરવાને બદલે અમારી ટોળકીએ સાઇકલ રેન્ટ કરીને ફ્લામ ખૂંદી વળવાની તૈયારી ચાલુ કરી. અહીં પણ દરેક જગ્યાએ બાકીની દુનિયાની જેમ સાઇકલ રેન્ટ કરવા માટેનાં સ્ટેન્ડ હતાં. અને ત્યાંથી સાઇકલ રેન્ટ કરવાનું જરાય સરળ ન હતું. અમે અને એક અમેરિકન મા-દીકરો પણ સાઇકલ કઈ રીતે ક્રેડિટ કાર્ડથી જાતે બારકોડ સ્કેન કરીને સ્ટેન્ડના લોકમાંથી કાઢવી એ પ્રયત્નમાં લાગ્યાં હતાં. અમે કોઈ તેમાં સફળ ન થયાં. એટલે એ પણ સમજાયું કે આટલાં લોકો હોવા છતાં બધી સાઇકલો એમની એમ પડી છે તેનું કારણ એ છે કે આ સાઇકલને રેન્ટ કરવું કેટલું અઘં હતું. 

જોકે અમે સાઇકલ પર લામ ફરવાની ઇચ્છા રોકી નહીં. સ્ટેશનની પાછળના ભાગ પર અમને એક માણસ ચલાવતો હતો એવું સાઇકલ સ્ટેન્ડ મળી ગયું. પાંચ સાઇકલો નીકળી. અને હવે અમે ફ્લામનો અલગ જ હિસ્સો જોવા માટે તૈયાર હતાં. ખરેખર સાઇકલ પર જે રીતે કોઈ વિસ્તાર જોવા મળે છે તે ન કોઈ ફાસ્ટ વાહન પર જોઈ શકાય, ન પગે ચાલીને. ફ્યોર્ડ પર બાંધેલો બ્રિજ સાઇકલ પર વટાવી અમે બીજી તરફ સ્થાનિક ગામમાં પ્રવેશ્યાં. લોકોએ ગાર્ડનમાં સલાડ અને ફ્રુટ્સ ઉગાડેલાં. એક નાનકડી સ્કૂલ પણ દેખાઈ. ખાસ ખરીદી માટેનાં ઓપ્શન દેખાયાં નહીં. તેના માટે ડ્રાઇવ કરીને લોકો થોડા મોટા ગામ સુધી જતાં હશે. 

લોકો ખેતી કરતાં, બાળકોને ભણાવતાં, પ્રાણીઓને પાળતાં અને મજાથી ચાલવા નીકળતાં. અહીં ટૂરિસ્ટિક વિસ્તાર સાવ નજીક હોવાં છતાં, બહારની દુનિયાનાં આધુનિક જોબ્સ અને બિઝનેસની હવા જરાય પહોંચી હોય તેવું લાગતું ન હતું. તે પછી ગાયો ભરેલું ખેતર, બતક, ઘેંટા, બધું એક પછી એક ફાર્મ વટાવતાં મજેદાર વોટરફોલ આવી ગયો. હજી આગળ નકશા પર બીજા ઘણા વોટરફોલ હતા. તેમાંય આગલા બે દિવસ એટલો વરસાદ પડ્યો હતો કે જ્યાં રેગ્યુલર ન હોય તેવી જગ્યાએ પણ નાના ધોધ બની ગયેલા. 

અને તે સમયે ચમકતા તડકામાં પાણી પણ ચમકી રહ્યું હતું. અને થોડી વારમાં ત્યાંનું ખ્યાતનામ ચર્ચ આવ્યું. આ લાકડાનું ચર્ચ અહીં છેક પંદરમી સદીથી એમનું એમ ઊભું છે. ખરેખર ત્યાંનું ઓરિજનલ માળખું કેવું હશે તે વિચારવું રહ્યું. ચર્ચ પણ કોઈ પિક્ચર પોસ્ટકાર્ડનો ભાગ હોય તેવું લાગતું હતું. બેકગ્રાઉન્ડમાં નળિયાવાળાં મકાનોની ચીમનીમાંથી નીકળતો ધુમાડો, પહાડોની ઉપર ગોઠવાયેલો સૂરજ, થોડાં રડ્યાંખડ્યાં વાદળો, બધું બાળકોનાં કુદરતી દૃશ્યોનો ભાગ હોય તેવું લાગતું હતું.

સાઈકલ આગળ ચાલી અને ગ્લેસિયરથી ઓગળીને બનેલી નાની નાની કેનાલો વટાવતાં ક્યારે ઢાળ ચઢીને પહાડ પર પહોંચી ગયાં તે ખબર પણ ન પડી. ત્યાં પહોંચીને વધુ એક ધોધ જોવા મળી ગયો. ઢાળ ચઢવાની જેટલી મજા આવતી હતી એનાથી વધુ મજા ઢાળ ઊતરવાની આવે એ તો સ્વાભાવિક છે. ત્યાં દરેક ટર્ન પર વ્યુનો ફોટો પાડવાની ઇચ્છા થતી હતી અને તે ઇચ્છા કાબૂમાં રાખીને બસ આગળ પેડલ ચલાવતાં ગયાં. ફ્લામનો દરેક ખૂણો અમે બે પૈડાં પર જોઈ લીધો. અને એક વાતની તો ખાતરી થઈ જ ગઈ, ત્યાં ભલે વાઇ-ફાઈ હોય, અને દરેક પ્રકારની ટેકનોલોજી મોજૂદ હોય, ત્યાં લોકોનું કામ હજી પણ જુનવાણી હતું. 

વચ્ચે વચ્ચે ઘણો સ્ટ્રેચ રેલવે ટ્રેકની બાજુમાં આવતો હતો. અમે એક ફ્લામ્સબાનાને વેવ પણ કર્યું. હજી ટ્રેન લેવાનો સમય નહોતો આવ્યો. હવે અમે રાહ જોઈને થાકી ગયેલાં. થોડું સ્નેક શોપિંગ પણ કર્યું. સાંભળવા મળેલું કે ટ્રેન પર સ્નેક કરવાનો મોકો મળશે. તો અમે સ્ટ્રોબેરી અને ક્રીમ ખરીદ્યાં. હવે ફ્લામબાનાની રાહ જોવાઈ રહી હતી.