Mon May 25 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:24 May 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

1 day ago
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

11 hours ago

રાહુલના 30 બૉલમાં 60 રન, પણ કોલકાતા સામેની મૅચ અર્થ વિનાની

દિલ્હી કૅપ્ટિલ્સના ઓપનર કેએલ રાહુલે (60 રન, 30 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર) રવિવારે ઈડન ગાર્ડન્સમાં યજમાન કોલકાતાની ટીમના બોલર્સની ખબર લઈ નાખી હતી, પરંતુ તેના અને કૅપ્ટન અક્ષર પટેલ (39 અણનમ, પચીસ બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) તેમ જ ડેવિડ મિલર (28 રન, 19 બૉલ, ત્રણ સિક્સર)ના પર્ફોર્મન્સનો કોઈ અર્થ નહોતો, કારણકે દિલ્હીની ટીમ શનિવારે જ પ્લે-ઑફ રાઉન્ડની રેસમાંથી બહાર થઈ ગઈ હતી, જ્યારે કોલકાતાએ રવિવારે રાજસ્થાનના મુંબઈ સામેના વિજયને પગલે ટૂર્નામેન્ટની બહાર થઈ જવું પડ્યું હતું. કોલકાતા વતી સૌરભ દુબેએ સૌથી વધુ બે વિકેટ મેળવી હતી. સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી અને અનુકૂલ રૉયને એક-એક વિકેટ મળી હતી. કોલકાતાએ સાધારણ શરૂઆત કરી અને 43મા રને ફિન ઍલન (20 રન)ની વિકેટ ગુમાવી ત્યાર બાદ કૅપ્ટન રહાણે (37 રન) અને મનીષ પાન્ડે (24 રન) રમી રહ્યા હતા અને આઠમી ઓવરમાં કોલકાતાનો સ્કોર એક વિકેટે 83 રન હતો.

12 hours ago

મમતા બેનરજીના નજીકના કાકોલી ઘોષે આપ્યું રાજીનામું

બંગાળના રાજકારણમાં સત્તાવાર રીતે ભાજપ સત્તામાં આવ્યા પછી તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી) ધીમે ધીમે વિખરાઈ રહી છે. આજે ફાલતા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત પછી હવે મમતા બેનરજીના નજીકના સાંસદ ડોક્ટર કાકોલી ઘોષ દસ્તીદારે બારાસાતનાં સંસદીય જિલ્લાના એઆઈટીસી જિલ્લાપ્રમુખપદેથી રાજીનામું આપ્યું છે.

13 hours ago

રાજસ્થાન જીતીને પ્લે-ઑફમાંઃ પંજાબ અને કોલકાતા આઉટ

રાજસ્થાન રૉયલ્સે (20 ઓવરમાં 8/205) રવિવારે વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સ (20 ઓવરમાં 9/175)ને હરાવીને પ્લે-ઑફમાં પ્રવેશ કર્યો હતો. 2008ના પ્રથમ વર્ષની ચૅમ્પિયન ટીમ રાજસ્થાને બૅટિંગમાં એકંદરે સાધારણ પર્ફોર્મ કર્યું હતું, પરંતુ પછીથી બોલિંગ અને ફીલ્ડિંગમાં પૂરી તાકાતથી પર્ફોર્મ કરીને પ્લે-ઑફમાં એન્ટ્રી કરી જ લીધી અને એ સાથે પંજાબ કિંગ્સ તથા કોલકાતા નાઇટ રાઇડર્સ આપોઆપ ટૂર્નામેન્ટની  બહાર થઈ ગયા છે. દિલ્હીની ટીમ શનિવારે જ બહાર થઈ ગઈ હતી.

14 hours ago

દિલ્હી સામે કોલકાતાએ ફીલ્ડિંગ લીધી

ઈડન ગાર્ડન્સમાં દિલ્હી કૅપિટલ્સ સામે કોલકાતા નાઇટ રાઇડર્સે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનું પસંદ કર્યું છે. અજિંક્ય રહાણેની ટીમમાં કોઈ જ ફેરફાર નથી કરાયો, જ્યારે અક્ષર પટેલની ટીમમાં કુલદીપ યાદવ અને આકિબ નબીને ફરી રમવાનો મોકો મળ્યો છે. દિલ્હીની ટીમ ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ છે. દિલ્હી વતી અભિષેક પોરેલ અને કેએલ રાહુલ ઓપનિંગમાં રમવા આવ્યા હતા.

15 hours ago

મુંબઈનો ધબડકો, છ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીઃ સૂર્યાને ઈજા

વાનખેડે સ્ટેડિયમમાં 33,000 પ્રેક્ષકોની હાજરીમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ નિરાશાજનક પર્ફોર્મ કરી રહી છે. 206 રનનો લક્ષ્યાંક મળ્યા પછી મુંબઈએ પાવરપ્લેની પહેલી છ ઓવરમાં માત્ર 38 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી. રોહિત (0), નમન ધીર (છ રન), રિકલ્ટન (12 રન) અને તિલક વર્મા (ત્રણ રન) સસ્તામાં આઉટ થયા પછી સૂર્યકુમાર યાદવ (17 નૉટઆઉટ) અને વિલ જૅક્સ (પાંચ નૉટઆઉટ)ની જોડી રાજસ્થાનના બોલર્સ સામે ઝઝૂમી રહી હતી. સૂર્યાને એક શૉટ મારવા જતાં માથા પર ઇજા થઈ હતી જોકે તેણે થોડીવારમાં ફરી રમવાનું શરૂ કર્યું હતું. પાવરપ્લેની છઠ્ઠી અને છેલ્લી ઓવરને અંતે મુંબઈનો સ્કોર 4/49 હતો. બે વિકેટ જોફ્રા આર્ચરે અને એક-એક વિકેટ બ્રિજેશ શર્મા તથા નેન્ડ્રે બર્ગરે લીધી હતી.

15 hours ago

રોહિતનો ઝીરો, ચોથા જ બૉલમાં આઉટઃ જોફ્રાની બે ઓવરમાં બે વિકેટ

વાનખેડેમાં રાજસ્થાને જીતવા માટે 206 રનનો લક્ષ્યાંક આપ્યો ત્યાર બાદ મુંબઈએ આંચકા સાથે શરૂઆત કરી છે. રોહિત શર્મા (0) ચોથા જ બૉલમાં આઉટ થઈ ગયો હતો. પેસ બોલર જોફ્રા આર્ચરના બૉલમાં તે વિકેટકીપર ધ્રુવ જુરેલના હાથમાં કૅચઆઉટ થયો હતો. આર્ચરે તેની બીજી ઓવરમાં નમન ધીર (છ રન)ને ક્લીન બોલ્ડ કરીને મુંબઈને બીજો ઝટકો આપ્યો હતો. રાયન રિકલ્ટનની સાથે સૂર્યકુમાર જોડાયો હતો. ત્રણ ઓવરને અંતે મુંબઈનો સ્કોર 2/23 હતો. રિકલ્ટન 12 રને અને સૂર્યા પાંચ રને રમી રહ્યો હતો.

16 hours ago

બંગાળમાં ફલતા બેઠક પર ભાજપની મોટી જીત

બંગાળની ફલતા વિધાનસભા બેઠક પર ફરી થયેલી ચૂંટણીની મતગણતરીમાં ભાજપના ઉમેદવાર દેબાંગ્શુ પાંડા મોટા માર્જિનના મતથી વિજેતા થયા છે. લગભગ એક લાખ વોટથી પોતાના પ્રતિસ્પર્ધીને હરાવ્યા છે. ટીએમસીની સીટ પર ભાજપના ઉમેદવારની જીતથી મમતાને વધુ એક ઝટકો લાગ્યો છે.

16 hours ago

ભારતની જિમ્નૅસ્ટ પ્રણતિ નાયક વિશ્વ સ્પર્ધામાં સિલ્વર જીતી

ઓડિશાની 31 વર્ષીય જિમ્નૅસ્ટ પ્રણતિ નાયક તાશ્કંદમાં એફઆઇજી વર્લ્ડ ચૅલેન્જ કપ 2026 નામની સ્પર્ધામાં બીજા નંબરે આવતા સિલ્વર મેડલ જીતી છે. એશિયન ચૅમ્પિયનશિપમાં ત્રણ મેડલ જીતી ચૂકેલી પ્રણતિએ તાશ્કંદની ઇવેન્ટમાં ફાઇનલ જંગમાં બે વૉલ્ટમાં સરેરાશ 13.025નો સ્કોર નોંધાવ્યો હતો. વિયેટનામની થિ કૂયન નુ ઍન્ગૂયેન 13.375ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ અને ઉઝબેકિસ્તાનની શકિનાબોનુ યુસુફોવા 12.950ના સ્કોર સાથે બ્રૉન્ઝ મેડલ જીતી હતી. ભારતની જ પ્રૉતિશા સામન્થા (12.850) છઠ્ઠા નંબરે રહી હતી.

16 hours ago

કર્ણાટકમાં મોટી દુર્ઘટનાઃ નદીમાં ડૂબતા આઠનાં મોત

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં થટ્ટે હકક્લૂ નદીમાં જોરદાર પાણીના વહેણને કારણે એક જ પરિવારના આઠ સભ્યો ડૂબ્યા, જેમાં સાત મહિલાનો સમાવેશ થાય છે. અન્ય બે જણ ગુમ છે. શિરાલી ગામના લગભગ 14 લોકો છીપલા વીણવા માટે નદીમાં ઊતર્યાં ત્યારે બનાવ બન્યો હોવાનું પોલીસે જણાવ્યું.

18 hours ago

બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા હોલ્ડિંગ સેન્ટર બનાવાશે

પશ્ચિમ બંગાળમાં સત્તા પલટા પછી શુવેન્દુ સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. ગેરકાયદે રહેનારા વિદેશી નાગરિકોમાં ખાસ કરીને બાંગ્લાદેશી અને રોહિંગ્યા પ્રવાસીઓને તેમના દેશ પરત મોકલવાની તૈયારીઓ શરુ કરી છે, જ્યારે તેના માટે હોલ્ડિંગ સેન્ટર બનાવવાનો પણ નિર્દેશ કર્યો છે.

18 hours ago

મુંબઈએ ફીલ્ડિંગ લીધી, બુમરાહ નથી રમવાનો

વાનખેડેમાં રાજસ્થાન સામેની મૅચમાં મુંબઈએ ટૉસ જીતીને ફીલ્ડીંગ પસંદ કરી છે. બુમરાહને બદલે દીપક ચાહર રમશે. રાજસ્થાનની ટીમમાં નેન્ડ્રે અને રવીન્દ્ર જાડેજાએ કમબૅક કર્યું છે. મુંબઈ પ્લે-ઓફની રેસની બહાર થઈ ગયું છે. રાજસ્થાનને પ્લે-ઓફ માટે આ મૅચ જીતવી અત્યંત જરૂરી છે.

21 hours ago

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ સર્ચ ઓપરેશન

ઉત્તર કાશ્મીરમાં સુરક્ષા દળોએ આતંકવાદ વિરુદ્ધ સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન અનેક આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. બારામુલ્લા જિલ્લાના ક્રીરી વિસ્તાર અંગે મળેલી ગુપ્ત માહિતીના આધારે નીલસરમાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 23 વિસ્ફોટક સ્ટિક્સ અને અન્ય સામગ્રી મળી આવી હતી.

1 day ago

કરોડોના કૌભાંડમાં બે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર

ગાંધીનગર: ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આવેલી શૂટસ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ કરોડોનું કૌભાંડ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ કંપનીએ ક્લાઉડ ડેટા સ્ટોરેજ સ્પેસ ભાડે આપવાના નામે મુખ્ય સૂત્રધાર ઉત્પલ પટેલ સહિત છ સંચાલકોએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે, જે મામલે અત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર અરુણ વીરચંદભાઈ પટેલ અને ઝોનલ મેનેજર સચિન પટેલની એસઆઈટી ટીમે ધરપકડ કરી લીધી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

1 day ago

કરોડોના કૌભાંડમાં બે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર

ગાંધીનગર: ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આવેલી શૂટસ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ કરોડોનું કૌભાંડ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ કંપનીએ ક્લાઉડ ડેટા સ્ટોરેજ સ્પેસ ભાડે આપવાના નામે મુખ્ય સૂત્રધાર ઉત્પલ પટેલ સહિત છ સંચાલકોએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે, જે મામલે અત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર અરુણ વીરચંદભાઈ પટેલ અને ઝોનલ મેનેજર સચિન પટેલની એસઆઈટી ટીમે ધરપકડ કરી લીધી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

1 day ago

વ્હાઇટ હાઉસની બહાર 25 રાઉન્ડ ફાયરિંગ

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં રવિવારે રાષ્ટ્રપતિ ભવન 'વ્હાઇટ હાઉસ' નજીક ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટના બની ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં જ હાજર હતા. રિપોર્ટ અનુસાર, વ્હાઇટ હાઉસ પાસે ગોળીબાર કરનાર શંકાસ્પદ હુમલાખોર યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસના જવાનોની જવાબી કાર્યવાહીમાં ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું છે. પછીથી તેની ઓળખ ૨૧ વર્ષીય નસીરે બેસ્ટ તરીકે થઈ હતી.