Mon May 25 2026

Logo

પોતાના ત્રણ સંતાનો સાથે દંપતીએ નહેરમાં ઝંપલાવ્યું, પંજાબના રાજપુરામાં બની આ ઘટના

1 hour ago
Author: Vimal Prajapati
Article Image

રાયપુરાઃ પંજાબમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પંજાબના રાજપુરા પાસે આત્મહત્યાની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. મોહાલીમાં રહેતા એક દંપતીએ પોતાના ત્રણ બાળકો સાથે રવિવારે નહેરમાં છલાંગ લગાવી દીધી હતી. છલાંગ લગાવી ત્યારે આપસાસ રહેલા લોકોએ દંપતીને તો બચાવી લીધા હતા, પરંતુ ત્રણ બાળકોનું મોત થઈ ગયું હતું. પાણીના વહેણમાં ત્રણ બાળકો ડૂબી ગયા હતા અને તેમનું મોત થઈ ગયું હતો. આખરે શા માટે આ પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હશે? તે એક પ્રશ્ન બની ગયો છે. 

બાળકો સાથે દંપતીએ નહેરમાં મોતની છલાંગ લગાવી

ત્રણ બાળકોના મોત થયાં તેમાં બે દીકરીઓ અને એક દીકરો છે. આ ત્રણેય બાળકો સાથે દંપતીએ નહેરમાં મોતની છલાંગ લગાવી હતી. આ સમગ્ર ઘટના રાજપુરા પાસે આવેલ મંડોલી પુરથી એક કિલોમિટર દૂર બની છે. આ પરિવાર મોહાલી જિલ્લાના લાંડરં પાસે આવેલા મોજપુર ગામનો રહેવાસી હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રકાશમાં આવ્યું છે. 

ગ્રામજનોએ દંપતીને બચાવી લીધા

જ્યારે આ પરિવાર મોતની છલાંગ લગાવી રહ્યો હતો, ત્યારે આસપાસના ગ્રામજનો જોઈ ગયાં હતા એટલા માટે તરત જ બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. ભારે જહેમત બાદ ગ્રામજનોએ દંપતીને બચાવી લીધા હતાં. પરંતુ બાળકોને બચાવી શક્યાં નહીં! ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક તંત્ર અને પોલીસ દોડી આવી હતી. ઘણી શોધખોળ બાદ ત્રણેય બાળકોના મૃતદેહોને નહેરમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતા. 

બાળકોના મોતના કારણે સમગ્ર પંથકમાં ભારે શોકનો માહોલ

પોલીસના જણાવ્યાં પ્રમાણે, મૃત બાળકોમાં 14 વર્ષીય મુસ્કાન, 12 વર્ષીય રાજવીર અને 7 વર્ષીય એકમ રૂપે ઓળખ થઈ છે. ત્રણેય બાળકોના મોતના કારણે અત્યારે સમગ્ર પંથકમાં ભારે શોકનો માહોલ છવાયો છે. આખરે શા માટે આ પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયત્ન કર્યો ? તે અંગે હજી કોઈ સ્પષ્ટ જાણકારી મળી નથી. પોલીસે ત્રણેય બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યાં છે. આત્મહત્યાનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.