Mon May 25 2026

Logo

ભાવનગરના સરતાનપર બંદરે દરિયામાં ડૂબવાથી સગાં ભાઈ-બહેનનાં મોત, મોટી બહેનનો બચાવ

19 hours ago
Author: Devayat Khatana
Article Image

ભાવનગર: જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે રહેતા એક જ પરિવારના સગા ત્રણ ભાઈ બહેન દરિયામાં ડૂબ્યાં હતા. મળતી વિગતો અનુસાર, બે બહેનો અનેક એક ભાઈ આજે બપોરે દરિયામાં નહાવા માટે ગયા હતા અને આ દરમિયાન ત્રણે ભાઈ-બહેન દરિયાના મોજામાં તણાવા લાગ્યા હતા.  જો કે તેમાંથી સ્થાનિક માછીમારોએ મોટી દીકરીને બચાવી લીધી હતી, જ્યારે અન્ય બે ભાઈ-બહેનને ફરજ પરના તબીબી મૃત જાહેર કર્યા હતા. 

મળતી વિગતો અનુસાર, તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે રહેતા રમેશ ટેકાભાઈ જાદવના ત્રણ સંતાનો આજે બપોરે પાડોશીઓ સાથે દરિયામાં  ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન નાના ભાઈ અને એક બહેન દરિયાના મોજામાં તણાવા લાગ્યા હતા. આ જોઈને  તેમને બચાવવા મોટી બહેન દરિયામાં કૂદી પડી હતી પરંતુ આ દરમિયાન સ્થાનિક માછીમારોનું ધ્યાન જતા તેમને બચાવી લીધી હતી. જો કે નાના ભાઈ-બહેનના મૃત્યુ થયા હતા. 

સ્થાનિક માછીમારોએ મોટી દીકરીને બહાર કાઢી લીધી હતી અને તાત્કાલિક તળાજાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, આથી મોટી દીકરીનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાની સાથે ગામલોકો પણ સ્થળ પર દોડી ગયા હતા. સ્થાનિક આગેવાને જણાવ્યું હતું કે બંને ભાઈ-બહેન ડૂબ્યા હોવાના અહેવાલ બાદ મોટી સંખ્યામાં ગામના લોકો એકઠા થઇ ગયા હતા અને પોતાની હોડીઓ દ્વારા બચાવ કામગીરી શરૂ કરી હતી. આ અંગે તળાજા ફાયર રેસ્ક્યુ ટીમને પણ જાણ કરવામાં આવી હતી અને આથી રેસ્ક્યુ ટીમ દ્વારા દોઢેક કલાકમા પાણીમા ગરકાવ બાળકોને શોધવામાં સફળતા મળી હતી. ત્યારબાદ બંનેને તળાજા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે મૃત બાળકોના પિતા રમેશભાઇ જાદવે જણાવ્યું હતુ કે તેમની પત્ની વૈશાલીબેન ચારેક વર્ષ પહેલાં ત્રણેય સંતાનોને મૂકીને આમળા ગામના પુરુષ સાથે ભાગી ગઈ હતી. ત્યારબાદ અહીં પોતાના લગ્ન થતા ન હોઇ મહારાષ્ટ્રની યુવતી સાથે તેમણે લગ્ન કર્યા હતા. મજૂરી કામની આવકથી તેઓ ઘરનું ગુજરાન ચલાવતા હતા.