થાણે: ભાંડુપની 45 વર્ષની મહિલા અને તેના પરિચિતોને સરકારી નોકરી અપાવવાને બહાને 46 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ નાશિકના રહેવાસી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
7 જૂન, 2024થી સપ્ટેમ્બર, 2025 દરમિયાન આ છેતરપિંડી આચરાઇ હતી. નાશિકના રહેવાસી એવા આરોપીએ પોતાની ઓળખ મંત્રાલયના કર્મચારી તરીકે આપી હતી અને સચિવાલયમાં તેનો પ્રભાવ હોવાનું જણાવ્યું હતું.
આરોપીએ ભાંડુપ વિસ્તારમાં રહેનારી મહિલા, તેના સંબંધીઓ અને પરિચિતોને સરકારી નોકરી મેળવી આપવાનું આશ્ર્વાસન આપ્યું હતું.
માનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ નકલી હસ્તાક્ષર સાથેના બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને ફરિયાદી તથા તેના પરિચિતોનો વિશ્ર્વાસ સંપાદન કરવા તેને સરકારી દસ્તાવેજો તરીકે રજૂ કર્યા હતા.
આરોપીએ ડોંબિવલી વિસ્તારમાંની ઓફિસમાં મહિલા પાસેથી 35.25 લાખ અને અન્ય વ્યક્તિ પાસેથી 14 લાખ રૂપિયા સ્વીકાર્યા હતા. જોકે રૂપિયા ચૂકવ્યા છતાં નોકરી અંગે કોઇ હિલચાલ ન થતાં મહિલા તથા અન્યોએ રૂપિયા પાછા માગ્યા હતા. જોકે આરોપીએ માત્ર 3.25 લાખ રૂપિયા પાછા કર્યા હતા. બાકીના રૂપિયા તે આપી શક્યો નહોતો.
દરમિયાન મહિલાએ આ પ્રકરણે માનપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે 20 એપ્રિલે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)