દિવસ બીજો:- 3-4-2026
માતૃભાષા ભાગવત સપ્તાહના બીજા દિવસે સમ્રાટ વૈષ્ણવાચાર્યશ્રી 108 યદુનાથજી મહારાજએ શ્રીમદ ભાગવતજીને દંડવત પ્રણામ કરી માતૃભાષા ભાગવત સપ્તાહના અનોખા આયોજન બદલ ‘મુંબઈ સમાચાર’ની સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર હોવાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે ‘આનંદની વાત એ છે કે આ માતૃભાષા ભાગવત સપ્તાહમાં પોતપોતાની ભાષામાં સર્જન કરનારા સર્જકોની પણ અહીં વંદના કરવામાં આવી છે. એ રીતે માતૃભાષા ભાગવત સપ્તાહનો અર્થ અહીં સાર્થક થાય છે. વિવિધ ભાષાના આ સર્જકોને જનસમુદાય સમક્ષ મૂકી ‘મુંબઈ સમાચાર’એ આ અનન્ય આયોજન કર્યું છે.
ભાષા માત્ર સંવાદ પૂરતી નથી હોતી એ હીલિંગ ટચ (રાહત આપતો સ્પર્શ)નું પણ કામ કરે છે. શ્રીમદ ભાગવત પણ અહીં હાજર ભાવિકોને પ્રેમનો એવો હીલિંગ ટચ આપે છે જેને પામી ભાવિકો ધન્યતાનો અનુભવ કરે છે.’
મુખ્ય મનોરથી સૌરભભાઈ મહેતા પરિવાર અને સહ મનોરથી પારેખ પરિવાર દ્વારા પોથી પૂજા પછી ભાઈશ્રીએ કથા કાનથી નહીં પણ મનથી સાંભળવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કાનથી સાંભળેલી વાત બુદ્ધિ સ્વીકારે નહીં એમ જણાવી ભાઈશ્રીએ બ્રહ્માના નાકના નસકોરામાંથી વરાહ ભગવાન પ્રગટ્યા અને પૃથ્વીનું સર્જન થયું એ વાત બુદ્ધિથી સાંભળો તો અનેક પ્રશ્ન ઊભા થાય. આ વાત ગળે ન ઊતરે. ભાગવત અને પુરાણ બુદ્ધિથી સાંભળવા બેસો તો ઘણીવાર અશ્રદ્ધા ઉત્પન્ન થવાનો સંભવ છે. આ કથાને મનથી - શ્રદ્ધાથી સાંભળવાની હોય છે.

કથા શ્રવણને ભાષાના મહત્ત્વ સાથે જોડી ભાઈશ્રીએ Hearing - Listening એ બે શબ્દના ભાવને બહુ સુંદર રીતે સમજાવી કહ્યું કે ‘હીયરિંગ કાનની ક્ષમતા છે પણ લિસનિંગ એટલે સાંભળેલી વાત હૃદય સોંસરવી ઊતરી જાય અને એનો ભાવ સમજાય. માતૃભાષાના મહત્ત્વ તરફ ઈશારો કરી ભાઈશ્રીએ દરરોજ માતૃભાષામાં સહજ ઉપલબ્ધ ભાગવત વાંચન કરવા આગ્રહપૂર્વક વિનંતી કરી હતી કે દરરોજ એક કલાક મોબાઈલને આઘો રાખી સારાં પુસ્તકો વાંચશો એ માતૃભાષાની સેવા ગણાશે. તમને એનાથી જ્ઞાન મળશે. સમજ્યા વિના મોબાઈલના મેસેજ ફોરવર્ડ કરવાને બદલે સમજીને એકાદું પુસ્તક વાંચી કોઈને એ વાંચવાની ભલામણ કરશો તો માતૃભાષાનું માહાત્મ્ય જળવાશે.’
ભારતીય ફિલસૂફીના મહત્ત્વનાં સિદ્ધાંત અદ્વૈત- Non Dualism ને ટાંકી ભાઈશ્રીએ ગુજરાતી અને હિન્દીમાં એનું વિશ્ર્લેષણ કરતા શ્રોતાઓ ભાવવિભોર થઈ ગયા અને માતૃભાષા ભાગવત સપ્તાહની ભાવના સાર્થક થઈ. અસ્ખલિત હિન્દીમાં તેમણે જણાવ્યું કે या तो मैं को इतना फैला दो के दूसरा कोई बचे नहीं, या मैं को मिटा दो. मै को फैलाना ज्ञान का मार्ग है और मैं को मिटा देना भक्तिका मार्ग है. જ્ઞાનનું વિસ્તરણ માતૃભાષામાં કેવી પ્રભાવી રીતે થાય એ વ્યાસપીઠ પરથી ભાઈશ્રીએ સમજાવ્યું.
શાંતિ માટેની માનવીની ખોજ વિશે ભાઇશ્રીએ મર્મભેદી વાત કરી હતી કે ‘આપણે સુખ શોધીએ છીએ સંપત્તિમાં, મોટા ઘરમાં, મોંઘા આભૂષણોમાં - કપડામાં અને બીજી વસ્તુઓમાં. એ બધું મળે છે, પણ આનંદ નથી મળતો. પછી આનંદ માટે આપણે આવલાં મારતા હોઈએ છીએ. આવલાં મારવા એટલે તરફડિયાં મારવા. એક ઉદાહરણ પરથી જીવનનો મર્મ સમજાવી આપણી ભાષાના એક વિસરાઈ ગયેલા શબ્દથી ભાવિકોને પરિચિત પણ કર્યા. એવી જ રીતે કૃષ્ણ કુશલી ઓઢીને ચાલ્યા એનો ઉલ્લ્ોખ કરી ભાઈશ્રીએ આજની યુવા પેઢીને કુશલી શબ્દનો અર્થ નહીં ખબર હોય એવી શંકા વ્યક્ત કરી હતી. એમની શંકા સાચી હતી. કુશલી એટલે રાહત અને સુરક્ષા પૂરી પાડતું વસ્ત્ર. આમ પ્રસંગોપાત ભક્તિ સાથે ભાષાનું મહત્ત્વ પણ ભાઈશ્રી દરરોજ સમજાવતા હતા.
‘હે રંગલો જામ્યો કાલિંદીને ઘાટ’થી ખુરશીની કિંમત શૂન્ય બની ગઈ અને ખુશી અમૂલ્ય બની ગઈ.
માતૃભાષા ભાગવત સપ્તાહમાં પહેલે દિવસે રાજ્યની માતૃભાષામાં સંગીત કાર્યક્રમ રજૂ કરી બીજે દિવસે રાજભાષા હિન્દીમાં કૈલાશ ખેરના સંગીત જલસાની રજૂઆત કરવામાં આવી હતી. સૂફી અને લોકગીત માટે ખ્યાતિપ્રાપ્ત લોકલાડીલા ગાયક કૈલાશ ખેરએ ડમરુ વગાડતા વગાડતા ભક્તિમય બની કરેલી શિવજીની સ્તુતિમાં એવી રમઝટ બોલાવી કે બોરીવલીનો ડોમ કૈલાસ પર્વત બની ગયો હોય એવી અનુભૂતિ હાજર ભાવિકોને થઈ હોય એવું લાગી રહ્યું હતું. ત્રણ કલાક ભાગવત સપ્તાહમાં અમૃતવાણીનું આચમન કર્યા પછી ભાવિકોમાં સૂફી ગાયકના શ્રવણ માટે અસાધારણ ઉમંગ છલકાઈ રહ્યો હતો.

‘કાગા સબ તન ખાઈઓ’, ‘મૈં તો તેરે પ્યાર મેં દીવાના હો ગયા’ અને ‘આઓજી આઓજી’ એમ ત્રણ ગીતથી હાજર મેદનીને ઝૂમતી કરી પોતે સપનું સાકાર કરવા વીસેક વર્ષ પહેલા બોરીવલીના સ્ટેશને ઉતર્યા હતા અને એ જ બોરીવલીમાં માતૃભાષા ભાગવત સપ્તાહ જેવા સરાહનીય પ્રયાસમાં સહભાગી થવાનો મોકો મળ્યો એ બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો.

સૂફી - પોપનું મિશ્રણ ‘તૌબા તૌબા’ અને પછી ફિલ્મી ગીત ‘કૈસે બતાયેં ક્યોં તુજકો ચાહેં’ રજૂ થયું ત્યારે ભાવિકો કોરસવૃંદ બની ગયા હતા. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને પ્રિય સંત કબીરની ‘નૈહરવા હમ કા ન ભાવે’ રચના રજૂ કરી ‘પ્રીત કી લત મોહે ઐસી લાગી’ના સૂર રેલાવતા રસિયાઓને સંગીતની લત લાગી હોય એવું લાગી રહ્યું હતું. શ્રોતાગણના ઉત્સાહની ચરમસીમાને ઓળખી ગુજરાતી ગીત ‘હે રંગલો જામ્યો કાલિંદીને ઘાટ’ શરૂ કરતા ખુરશીની કિંમત શૂન્ય બની ગઈ અને ખુશી અમૂલ્ય બની ગઈ.
