નવી દિલ્હી : કેન્દ્ર સરકારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના હાલાત વચ્ચે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં સત્તા અને વિપક્ષના નેતાઓ હાજર રહ્યા હતા. જોકે, ટીએમસી આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. આ બેઠકમાં
ઉર્જા સંકટ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
સરકારે જણાવ્યું પરિસ્થિતિ નિયંત્રણમાં
આ બેઠકમાં સરકારે જણાવ્યું હતું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને દેશમાં ઈંધણની કોઈ અછત નથી. તેમજ ચાર જહાજો ભારત આવી રહ્યા છે અને કેટલાક જહાજો ટૂંક સમયમાં હોર્મુઝ સ્ટ્રેટથી રવાના થવાની તૈયારીમાં છે. સરકારે ખાતરી આપી હતી કે ગભરાવાની કોઈ જરૂર નથી. વિપક્ષે પણ સરકારને પોતાનો ટેકો આપ્યો છે.
કેબિનેટ સમિતિ સાથે સંકળાયેલા મંત્રીઓ હાજર રહ્યા
આ બેઠકમાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ સાથે સંકળાયેલા મંત્રીઓ હાજર રહ્યા હતા. જેમાં ગૃહ મંત્રી અમિત શાહ, એસ. જયશંકર અને નિર્મલા સીતારમણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જે.પી. નડ્ડા અને કિરેન રિજિજુએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વૈશ્વિક પરિસ્થિતિ અને પશ્ચિમ એશિયામાં કટોકટી અંગે વિગતવાર માહિતી આપી હતી. કોંગ્રેસના નેતાઓ તારિક અનવર અને મુકુલ વાસનિક, સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ અને બીજેડીના સસ્મિત પાત્રા પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
તમામ પક્ષોએ સરકારને ટેકો આપવાનું વચન આપ્યું
જ્યારે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે બેઠકમાં તમામ પક્ષોએ ભાગ લીધો હતો અને સરકારને ટેકો આપવાનું વચન આપ્યું હતું. તેમણે માહિતી આપી હતી કે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું અને વર્તમાન પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી શેર કરવામાં આવી હતી.
તમામ પક્ષોનો આભાર વ્યક્ત કરતાં રિજિજુએ ટિપ્પણી કરી હતી કે રાજકીય પક્ષોએ રાષ્ટ્રીય હિતના મુદ્દા પર એકતા દર્શાવી છે અને ખાતરી આપી હતી કે પ્રવર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સરકારને જે પણ પગલાં લેવા જરૂરી લાગશે તેમાં તેમને સંપૂર્ણ સહયોગ મળશે.