Mon May 25 2026

Logo

ઉનાળામાં પરસેવે રેબઝેબ થઈ સ્કૂલ જતાં નાનકડા ટેણિયાએ કહ્યું હું પીએમ બનીશ તો... વીડિયો જોઈ તમે પણ હસવાનું રોકી નહીં શકો...

2 weeks ago
Author: Darshana Visaria
Article Image

હાલમાં દેશભરમાં ગરમી અને લૂનું મોજું ફરી વળ્યું છે. એમાં પણ ખાસ કરીને ઉત્તર ભારતમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને લૂના પ્રકોપ વચ્ચે સોશિયલ મીડિયા પર એક શાળાના બાળકનો વીડિયો ભારે ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં બાળકે ગરમીની રજાઓને લઈને જે તર્ક આપ્યા છે તે સાંભળીને તમે હસવાનું રોકી નહીં શકો, પરંતુ તેની પાછળ એક ગંભીર પીડા પણ છુપાયેલી છે. ચાલો તમને જણાવીએ શું છે આ વાઈરલ વીડિયોનું સત્ય... 

સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં નાનો બાળક માસૂમિયત અને પારાવાર ગુસ્સા સાથે પ્રશાસન પાસે માંગણી કરી રહ્યો છે કે આ ભીષણ ગરમીમાં શાળાઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અથવા તો વહેલી તકે રજાઓ જાહેર કરવી જોઈએ. બાળકનો અંદાજ અને રજૂઆત ચોક્કસ જ તમને ખડખડાટ હસવા માટે મજબૂર કરી દેશે પણ બાળકે રમુજી અંદાજમાં એક ગંભીર વાત પણ કહી દીધી છે. 

વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં બાળક આગળ એવું પણ કહે છે કે ભવિષ્યમાં જ્યારે હું વડા પ્રધાન બનીશ, ત્યારે ઉનાળામાં સ્કૂલ બેન કરી દઈશ. આ વીડિયોમાં બાળકની પરસેવે રેબઝેબ હાલત જોઈને લોકો કહી રહ્યા છે કે બાળકોની આ પરેશાની સમજવી જરૂરી છે અને તેની વાત બિલકુલ ખોટી નથી. 

હાલમાં ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં તાપમાન 40થી 44 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે, જેના કારણે બાળકો માટે ભારે દફતર સાથે લૂના મોજાં વચ્ચે સ્કૂલે જવું જોખમી બની રહ્યું છે.  ડોક્ટરોના મતે, આટલી ગરમીમાં નાના બાળકોને ડિહાઇડ્રેશન, ચક્કર આવવા, ઉલ્ટી થવી અને અતિશય થાક જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને કારણે એક નવી ચર્ચા છેડાઈ છે કે શું બાળકોના શિક્ષણ કરતા તેમનું સ્વાસ્થ્ય વધુ મહત્વનું નથી?

અત્રે ઉલ્લેખનીય છે કે ગરમીના વધતા પ્રકોપને જોતા દિલ્હી જેવા શહેરોમાં બાળકોને હાઇડ્રેટ રાખવા માટે 'વોટર બેલ' જેવી અનોખી પહેલ પણ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, વધતા તાપમાનને જોતા અનેક રાજ્યોમાં શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અથવા વહેલી ગરમીની રજાઓ જાહેર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. 

તમે પણ આ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો. વાઈરલ થઈ રહેલો આ વીડિયો માત્ર મનોરંજન માટે નથી, પરંતુ તે માસૂમ અવાજમાં રજૂ થયેલો એક સંદેશ છે કે ભીષણ ગરમીમાં બાળકોની સુરક્ષા અને સુવિધાને નજરઅંદાજ ન કરવી જોઈએ.