વડોદરા: ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની ગણાતા વડોદરા શહેરે દેશભરમાં એક નવો ચીલો ચાતર્યો છે. ડીજેના ઘોંઘાટ અને વાઈબ્રેશનથી ઐતિહાસિક ઈમારતોને થતા નુકસાનને અટકાવવા માટે શહેર પોલીસ અને વડોદરા મહાનગરપાલિકાએ (VMC) જૂના શહેરના 'ચાર દરવાજા' વિસ્તારને 'નો ડીજે ઝોન' જાહેર કર્યો છે.
વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના નેતૃત્વમાં લેવાયેલો આ નિર્ણય માત્ર પ્રતિબંધ નથી, પરંતુ લોકસહકાર દ્વારા વારસાને સાચવવાની એક સામાજિક મુહિમ બની ગઈ છે. 'વિકાસની સાથે વિરાસત'ના મંત્રને સાર્થક કરતી આ પહેલે હેરિટેજ પ્રેમીઓમાં આનંદની લહેર ફેલાવી દીધી છે.
સામાન્ય રીતે પોલીસ પ્રતિબંધો લાદવા માટે દંડનો ઉપયોગ કરતી હોય છે, પરંતુ આ કિસ્સામાં વડોદરા પોલીસે 'સોફ્ટ એપ્રોચ' અપનાવ્યો હતો. આઈપીએસ અધિકારી નરસિમ્હા કોમારે સ્થાનિક લોકો અને તમામ ધર્મોના આગેવાનો સાથે બેઠકો યોજીને તેમને સમજાવ્યું કે આ ઐતિહાસિક વિરાસત તેમની પોતાની છે.
લોકોએ પણ પોલીસની વાત સમજી અને ધાર્મિક કે સામાજિક કાર્યક્રમોમાં ડીજેના બદલે પરંપરાગત વાદ્યોનો ઉપયોગ કરવાનું સ્વીકાર્યું. મુસ્લિમ બિરાદરોના તહેવારો હોય કે હિન્દુ ધર્મના પવિત્ર પ્રસંગો, તમામ સ્તરે આ નિયમનું પાલન કરીને શહેરીજનોએ સાચી સંસ્કારિતાનો પરિચય આપ્યો છે.

વડોદરાની ઓળખ ગાયકવાડી શાસનકાળની ભવ્ય ઈમારતોથી છે. જૂના શહેરમાં આવેલા માંડવી ગેટ, લહેરીપુરા ગેટ, ચાંપાનેર ગેટ અને પાણી ગેટ એ શહેરની જીવંત વિરાસત છે. ડીજેના ભારે અવાજના કારણે આ હજારો વર્ષ જૂની ઈમારતોના માળખામાં તિરાડો પડવાનું જોખમ તોળાતું હતું.
આ ડરને ધ્યાનમાં રાખીને જ જૂના શહેરમાં આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જ્યારે નવા વિકસિત વિસ્તારોમાં નિયમોને આધીન ડીજે વગાડવાની છૂટ યથાવત છે. વડોદરા હવે માત્ર ગરબા કેપિટલ જ નહીં, પણ વિરાસત પ્રેમી શહેર તરીકે પણ ઉભરી આવ્યું છે.
આ પહેલની સૌથી મોટી સફળતા તાજેતરમાં મહાશિવરાત્રી દરમિયાન જોવા મળી હતી. વડોદરાની પ્રખ્યાત 'શિવજીની સવારી'માં આ વર્ષે ડીજેના બદલે પરંપરાગત બેન્ડ અને વાજિંત્રોના સૂરો રેલાયા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં નીકળેલી આ યાત્રા અત્યંત ભવ્ય અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. હેરિટેજ ટ્રસ્ટના સભ્યોના મતે આ બદલાવથી શહેરની ગરિમા વધી છે. પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ આ સફળતાનો તમામ શ્રેય વડોદરાની જનતાને જાય છે જેમણે પોતાના વારસાના મૂલ્યને સમજ્યું છે.