Fri Apr 17 2026

Logo

અકસ્માતમાં બ્રેઈનડેડ થયેલા કપડવંજના ખેડૂતે મૃત્યુ બાદ સાત વ્યક્તિઓને આપ્યું નવજીવન

1 hour ago
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
 સિવિલ હોસ્પિટલ ખાતે ખેડાના કપડવંજ વિસ્તારના 39 વર્ષીય ખેડૂત મનુભાઈ પરમારના અંગદાનથી સાત લોકોને નવજીવન મળ્યું હતું. ગત 12 એપ્રિલના રોજ એક માર્ગ અકસ્માતમાં મનુભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોના અથાગ પ્રયત્નો છતાં તેમની સ્થિતિમાં સુધારો થયો ન હતો અને અંતે તબીબોએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

આ કપરી પરિસ્થિતિમાં સિવિલ હોસ્પિટલની ટીમે મનુભાઈના પત્ની અરખાબેન અને પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. પરિવારે મનુભાઈના હૃદય, લિવર, બે કિડની, બંને આંખો અને ત્વચા સહિત કુલ સાત અંગોનું દાન કરવાનો ઉમદા નિર્ણય લીધો હતો.

આ અંગો પૈકી લિવર અને બંને કિડનીને સિવિલ કેમ્પસની જ કિડની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે હૃદયને શહેરની સીમ્સ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. આંખો અને ત્વચાને પણ સંબંધિત બેંકોમાં જમા કરાવી જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશે.સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ આ માનવતાભરી પહેલને બિરદાવી હતી.

ઉલ્લેખનીય છે કે, જનજાગૃતિના પરિણામે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 234 બ્રેઈનડેડ દર્દીઓના અંગદાન દ્વારા કુલ 774 અંગો પ્રાપ્ત થયા હતા, જેમાં 431 કિડની, 208 લિવર, 74 હૃદય અને 34 ફેફસાંનો સમાવેશ થાય છે.
**