Fri Apr 17 2026

Logo

ઉત્તર પ્રદેશના બહરાઇચમાં પોલીસે નકલી ચલણી નોટો છાપવાના રેકેટનો પર્દાફાશ કર્યો

1 week ago
Author: Chandrakant Kanoja
Article Image

બહરાઇચ : ઉત્તર પ્રદેશના બહરાઇચમાં પોલીસે નકલી ચલણી નોટો છાપવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં ચાર આરોપીની ધરપકડ કરી છે. તેમજ તેમની પાસેની નોટ છાપવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા કલર પ્રિન્ટર પણ કબજે કર્યો છે. આ મશીનમાંથી નકલી નોટો છાપીને બજારમાં ફેરવતા હતા. 

500 રૂપિયાની 23 નકલી નોટો અને એક કલર પ્રિન્ટર જપ્ત 

આ કેસની વિગતો મુજબ નકલી ભારતીય ચલણી નોટો અંગે  ખૈરીઘાટ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેઓ રંગીન પ્રિન્ટરનો ઉપયોગ કરીને ₹500ની નકલી  નોટો છાપીને બજારમાં ફેરવતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી  500 રૂપિયાની  23 નકલી નોટો અને એક કલર પ્રિન્ટર જપ્ત કર્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર  આરોપીઓ ઘણા સમયથી આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ હતા અને નકલી ચલણી નોટોનો ઉપયોગ કરીને લોકોને છેતરતા હતા. 

પોલીસ સમગ્ર નેટવર્કને શોધવા સક્રિય 

પોલીસે ચાર આરોપીની ધરપકડ બાદ તેમની પૂછતાછ શરૂ કરી છે. તેમજ આ સમગ્ર રેકેટમાં કોણ કોણ સંડોવાયેલું છે અંગે તપાસ શરૂ કરી છે. તેમજ જો પોલીસ આ સમગ્ર નેટવર્કને શોધવામાં સફળ થશે તો અનેક નવા ખુલાસા થવાની શક્યયા છે. 

પોલીસે આરોપીઓ સામે કેસ નોંધ્યો

આ અંગે  પોલીસે જણાવ્યું હતું કે  એક બાતમીદાર પાસેથી માહિતી મળી હતી. આ માહિતીના આધારે ઝડપથી કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે વધુમાં નોંધ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ જપ્ત કરાયેલી ચલણી નોટો નકલી લાગે છે અને હાલમાં તેની ચકાસણી ચાલી રહી છે.
પોલીસે કાયદાની સંબંધિત કલમો હેઠળ આરોપીઓ સામે કેસ નોંધ્યો છે અને વધુ કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. આ સિન્ડિકેટ સાથે જોડાયેલા અન્ય કોઈ વ્યક્તિઓ સક્રિય છે કે નહિ તે શોધવા માટે  તપાસ ચાલી રહી છે.