Fri Apr 17 2026

Logo

થરાદમાં દારૂ ભરેલી કાર ઝાડ સાથે અથડાયા બાદ પલટી જતાં બે લોકોનાં મોત

1 month ago
Author: Mayurkumar Patel
Article Image

બનાસકાંઠાઃ ગુજરાતમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો રહ્યો હતો.  થરાદાના પીલુડા અને કરબૂણ વચ્ચે દારૂ ભરીને જતી કાર બાવળના વૃક્ષ સાથે અથડાઈને પલટી જતાં બે લોકોનાં મોત થયા હતા. અકસ્માતના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ કાર રાજસ્થાન તરફથી આવતી હતી.

મળતી માહિતી મુજબ, વહેલી સવારે એક સફેદ રંગની કાર અત્યંત પૂરઝડપે પસાર થઈ રહી હતી. ડ્રાયવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ગાડી રોડ નીચે ઉતરી ગઈ હતી અને પલટીઓ ખાતી સીધી બાવળના ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. 

ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માત એટલો વિકરાળ હતો કે, ગાડીમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ગાડીને બહાર લાવવા માટે ટ્રેક્ટરની મદદ લેવામાં આવી હતી.પોલીસે અકસ્માતનો ગુનો નોંધી, ગાડીમાંથી મળી આવેલા દારૂના જથ્થા અને ગાડીના માલિક અંગેની વધુ તપાસ શરૂ કરી છે.  અકસ્માત બાદ ગાડીમાંથી દારૂની બોટલો બહાર ફેંકાઈ ગઈ હતી.

લીમખેડામાં પણ કાર વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી

ગઈકાલે દાહોદ-અમદાવાદ હાઈવે પર લીમખેડાના ઢઢેલા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. ડ્રાયવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર  ડિવાઇડર બાદ વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. અકસ્માત બાદ લાશોને ટ્રેકટરથી ખેંચીને બહાર કાઢવામાં આવી હતી.

જેતપુરના જેતલસર જંક્શન રેલવે બ્રિજ પણ થયો હતો અકસ્માત

આ પહેલા જેતપુરના જેતલસર જંક્શન રેલવે બ્રિજ પર પણ આવો જ અકસ્માત સર્જાયો હતો.જેમાં જૂનાગઢના ભવનાથના શિવરાત્રિ મેળામાંથી દર્શન કરીને પરત ફરી રહેલા ચાર પૈકી ત્રણ મિત્રોના કરૂણ મોત થયા હતા. કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને બે ટુકડા થઇ ગયા હતા.