Fri Apr 17 2026

Logo

દર્શન કરાવવાને નામે ભક્તો પાસેથી પૈસા લેવાનું  રૅકેટ: ત્ર્યંબકેશ્વર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીની ધરપકડ

3 days ago
Author: યોગેશ ડી. પટેલ
Article Image

નાશિક: નાશિકના પ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર મંદિરમાં વીઆઇપી સુવિધા થકી ભગવાનના ઝડપથી દર્શન કરાવવાને નામે ભક્તો પાસેથી રૂપિયા લેવા પ્રકરણે અજાણ્યા ગેરકાયદે ‘એજન્ટો’ની ધરપકડ બાદ હવે આ મામલે ત્ર્યંબકેશ્વર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીની ધરપકડ કરાઇ હતી.નાશિક ગ્રામીણના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ બાળાસાહેબ પાટીલે કહ્યું હતું કે ત્ર્યંબકેશ્વર દેવસ્થાન ટ્રસ્ટના ટ્રસ્ટી પુરુષોત્તમ કડલગની સોમવારે મોડી રાતે એક વાગ્યે ધરપકડ કરાઇ હતી. આ પુરાવા આધારિત કાર્યવાહી છે. અમે અત્યાર સુધીમાં બે વ્યક્તિની ધરપકડ કરી છે. કેટલાક નામો સામે આવ્યાં છે અને તપાસ કર્યા બાદ ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે.

આરોપીને ધરપકડ બાદ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 20 એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.નાશિકના બે ભક્તોએ આક્ષેપ કર્યો હતો કે 11 એપ્રિલે ત્ર્યંબકેશ્વર મંદિરમાં તેની સાથે છેતરપિંડી આછરવામાં આવી હતી. તેમની પાસે 200 રૂપિયાના દર્શનના પાસ હોવા છતાં તેમનેે 10 મિનિટમાં વીઆઇપી દર્શન કરાવીશું એમ કહીં શકમંદે 3,000 રૂપિયા લીધા હતા. આરોપી અને તેના સાથીએ એન્ટ્રી તો અપાવી, પણ પૈસા ચૂકવ્યા તેની સામે કોઇ રસિદ આપી નહોતી.

પોલીસે ગોટીરામ મનાજી પેહર (41) અને ટ્રસ્ટીના ભાણેજ અભિષેક કડલગ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ગોટીરામની ધરપકડ કરાઇ હતી, જ્યારે કડલગ ફરાર છે. અભિષેકની પૂછપરછમાં પુરુષોત્તમ કડલગની સંડોવણી સામે આવી હતી. કેટલાક એજન્ટો મંદિર આસપાસ ફરી રહ્યા છે અને ઝડપથી દર્શનને નામે રૂપિયા પડાવી રહ્યા છે, એમ તેણે પૂછપરછમાં જણાવ્યું હતું. આરોપીઓ વીઆઇપી દર્શનને નામે ઉતાવળિયા ભક્તો પાસેથી રૂપિયા પડાવતા હતા. આ રીતે રોજ મોટા પાયે તેઓ કમાણી કરતા હતા. 

નોંધનીય છે કે નાશિક શહેર નજીક ત્ર્યંબકેશ્વર મંદિર 12 જ્યોતિર્લિંગમાંથી એક માનવામાં આવે છે, જેથી દુનિયાભરના ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. અહીં 200 રૂપિયાના દર્શન પાસ અધિકૃત રીતે મળે છે. (પીટીઆઇ)