ભાટી એન.
ઘુમલીનાં નવલખા મંદિર બરડા ડુંગરની ગોદમાં શિલ્પ, સ્થાપત્યનો અતૂટ ખજાનો ઢબૂરી બેઠો છે. લીલાછમ ડુંગરા વચાળે કુદરતનાં ખોળે સ્થાપત્ય, કલા વૈભવનો સંગમ છે, તો ડુંગરા પર માતાજીનું વિરાટ દેવાલય પગથિયા ચડી જવાની મોજ અનેરી છે. હું તો ઘુમલી નવલખા મંદિર ભગ્ન હતું ત્યારે પણ ગયેલ અને ફરી ર્જીણોદ્ધાર થયેલ ત્યારે તસવીરો પાડેલ, પણ દિવ્ય દેવાલય નવલખો ઘુમલી પર સપ્તરંગી તસવીર અને ઇતિહાસકાર લેખક : નરોતમ પલાણ, અનુવાદ વિમલા ઠક્કર દ્વારા ગુજરાતી ઈંગ્લિશ અનુવાદ સાથે કલા ગંગોત્રી દ્વારા વિના મૂલ્યે કલા ચાહકોને અર્પણ કરવામાં આવે છે. આ સંસ્થાનાં અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ બેનમૂન ‘ઘુમલી : શિલ્પ-સ્થાપત્યનો કલાવૈભવ’ દળદાર ગ્રંથ એવા ઘૂમલી નવલખા વિશે અવગત થઈએ.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડથી છ કિલોમીટરના અંતરે, બરડાની ડુંગરમાળા વચ્ચે બે હજાર એકરના વિસ્તારમાં માત્ર ચારસો-પાંચસોની વસ્તી ધરાવતું નાનું રળિયામણું ગામ ઘૂમલી. તેનાં ખંડિત સ્થાપત્યોમાં સદીઓનો ઇતિહાસ સચવાયેલો છે. તેની પ્રથમ ભાળ ઈ.સ. 1822માં અંગ્રેજ મળેલ. એ પછી ઘણા અંગ્રેજ અમલદારો અને સંશોધકોએ તેમાં રસ લીધો અને ત્યાર બાદ આપણા વિદ્વાનોની જિજ્ઞાસા પણ ઘૂમલીના ઇતિહાસ અને કલા-સ્થાપત્ય પ્રત્યે ખેંચાઈ અને વિવિધ સ્તરે સંશોધનો થયાં.
ઘૂમલીની ખરી મહત્તા તેના ઇતિહાસમાં રહેલી છે. અહીં અંદાજે અઢી હજાર વર્ષ જૂના અવશેષો મળ્યા છે. આ અવશેષોમાં વિવિધ રાજવંશોનો પ્રભાવ સંચિત થયો છે. ઘૂમલીનાં ઈતિહાસને મૌર્યકાળ સાથે જોડવામાં આવ્યો છે.
ઘૂમલીનો રાજવંશ જેઠવા ક્ષત્રિય હતો, તેની પહેલાં સૈન્ધવ રાજવંશની સત્તા ઘૂમલી ઉપર હોવાનાં કુલ પંદર તામ્રપત્રો મળ્યાં છે, જે ઈ.સ. 735થી 915 સુધીનાં, એટલે કે 180 વર્ષના ગાળા સુધીનાં છે. 180 વર્ષ સૈન્ધવોએ શાસન કર્યું તેમાં તેણે પોતાની કલાશૈલી નિપજાવી છે.
નવલખાની શિલ્પખચિત બાજુ નીચે ગજથર, મંડોવર, વલભીકપોત (છજું) અને ખંડકયુક્ત શિખરનો આરંભ એની સમપ્રમાણતાના કારણે બેનમૂન છે. મંડોવરની દર્પણક્ધયા, દિક્પાલ ઇન્દ્ર, ચતુર્ભુજ, જેમાંથી બે ખંડિત છે અને ઉપલા બેમાં અંકુશ છે તે ઉલ્લેખનીય છે. પગ પાસે હાથી અને વસ્ત્રાલંકારથી રાજા પ્રદર્શિત થાય છે. પશ્ચિમ દિશાનો સ્વામી વરુણ પગ પાસે વાહન મકર અને હાથમાં રત્નપાત્ર તથા અંકુશ-પાશ એ રીતે જોઈ શકાય છે.
બાજુમાં શોભનમૂર્તિની જાંઘનો કલાત્મક ઘાટ તથા ઉપલા હાથનું રત્નપાત્ર ધ્યાનાકર્ષક છે. નવલખાની પીઠની રત્નકણિકા અને નરથર વિશે વાત થવી જોઈએ. સામાન્યત: નરથર 10મી સદી પછીથી મંદિર-સ્થાપત્યમાં ઉમેરાયેલું વિશેષ અલંકરણ છે. સંભવત: મોઢેરા (ઈ.સ.ની 11મી સદીનો આરંભ) આવું પ્રથમ મંદિર છે કે જેમાં નરથર જોવા મળે છે. નરથરમાં તત્કાલીન સમાજજીવનના વિશિષ્ટ પ્રસંગો શિલ્પત્વ પામ્યા હોય છે. અહીં સંગીતમંડળી શિલ્પત્વ પામી છે, જેમાં ઝાંઝ, કરતાલ, ઢોલક જેવાં વાઘો જોવા મળે છે. આદિવાસીનું સૂરિવાઘ પણ કલ્પી શકાય છે.
ઘૂમલીનો નવલખો એક વિશિષ્ટ સ્થાપત્ય છે. અહીં કલાશૈલીનું મિશ્રણ છે, તેમ આ શિવમંદિર છે કે સૂર્યમંદિર તે પણ સવાલ છે. જલનિક છે એટલે શિવમંદિર હોઈ શકે, પણ ગર્ભગૃહમાં દ્વાર ઉપર ત્રણ દિશાની ત્રણ બારીઓ એટલે શિવજીનું ચતુર્મુખ સ્વરૂપ અહીં પૂજાસ્થાનમાં હશે એવું અનુમાન કરી શકાય. વિશિષ્ટ પ્રદક્ષિણાપથ અને બે કે ત્રણ માળનો ગૂઢમંડપ પ્રશ્ન સર્જે છે : શિખરની સમકક્ષ ગૂઢમંડપ? આવી જ જિજ્ઞાસા અશ્વથરનો અભાવ છે તે બાબતે છે. કહો કે મંદિરકલાનું આ એક વિસ્મય છે.