દેવલ શાસ્ત્રી
1970ની ફિલ્મ Love Story માં Love means never having to say you're sorry વાક્ય દુનિયા આખીને રોમેન્ટિક લાગ્યું હતું.
તાજેતરમાં આ નવલકથાનું સંક્ષિપ્ત સ્વરૂપ વાંચ્યું એમાં પણ ખાસ ઉલ્લેખ હતો. ફિલ્મના અંત ભાગમાં હીરોઈન મૃત્યુની નજીક છે, હીરો તેને ‘સોરી’ કહે છે. એ સમયે હીરોઈન ઉપરોક્ત ડાયલોગ બોલે છે. આ ડાયલોગમાં પહેલો શબ્દ લવ છે, પ્રેમ હોય તો માફીની જરૂર નથી કેવો હતો એમનો પ્રેમ એ સમજવા ફિલ્મ જોવી કે નવલકથા વાંચવી પડે.
સલમાનખાન અને ભાગ્યશ્રીની સુપરહિટ ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’માં દોસ્તી કા એક ઉસૂલ હે, મેડમ નો સોરી, નો થેન્ક્યુ વાળો ડાયલોગ ચાર દાયકા પછી પણ કોઈ આભાર માનતું હોય ત્યારે વટભેર કહેવામાં આવે છે. આ બંને ફિલ્મમાં હીરો પોતાના પ્રેમના સન્માન માટે સંઘર્ષ કરે છે, Love means never having to say you're sorry વાત દેખીતી રીતે આપણા સ્વભાવમાં વણાઈ ગઈ છે. પ્રેમ કરતા હોઈએ તો સોરી કહેવાની શું જરૂર છે?
માની લો, એક સ્ત્રી તેના પુરુષને અનહદ ચાહે છે ત્યારે પુરુષથી ભૂલ થાય, જાણે- અજાણે ઝગડો થાય એ સંજોગોમાં પુરુષ માફી માગે એ સ્વાભાવિક છે. સ્ત્રી એવું માનતી હોય છે કે, પુરુષ તેને એટલો પ્રેમ કરે છે કે તેની ભૂલ માફ કરી શકાય. વિવાદ પછી તે માને છે કે, સોરીની જરૂર નથી, તું મને પ્રેમ કરે છે ને એટલું કાફી છે.
આ વાત દેખીતી રીતે રોમેન્ટિક લાગે, સ્ત્રીના હૃદયમાં પુરુષ માટે લાગણી છે એવો અહેસાસ થાય છે, પરંતુ મનોવિજ્ઞાન માને છે કે માફી માગવાના પ્રોસેસ વગર થોડો સમય સારું લાગે પણ એ લાગણી લાંબો સમય ટકતી નથી.
જો પુરુષને માફી માગવાની શરમ આવતી હોય તો સ્ત્રી અનુભવે છે કે તેની લાગણીઓ અવગણાઈ રહી છે. તેની કલ્પના, તેની નાની નાની અપેક્ષા અને તેની વેદના વિષે પુરુષને ખબર જ નથી. ‘નો સોરી નો થેન્ક્સ’ પ્રેમને જિદ્દી બનાવી દે છે અને બેમાંથી એક પાત્ર અંદરથી એકલતા અનુભવે છે. રોમાન્સની શરૂઆતમાં તે ગમતું હોય છે, પરંતુ લાંબા ગાળે રોમેન્ટિક લાઈફમાં અંતર વધારે છે.
રણબીર કપૂરની ફિલ્મ ‘વેક અપ સિડ’ માં નાયક સિદ્ધાર્થ પોતાની ભૂલ સ્વીકારીને સોરી કહે છે અને તેની પ્રેમિકાને વધુ પ્રેમ કરવા લાગે છે. ‘યહ જવાની હૈ દીવાની’માં સોરી કહીને રણબીર તેના પ્રેમને વધુ મધુર બનાવે છે. ‘ચક દે ઇન્ડિયા’ માં કોચની વિનમ્રતા ટીમને જીત અપાવે છે. આ ફિલ્મો એ તો સ્વીકારે છે કે સોરી કહેવી એ કમજોરી નથી, તે પ્રેમની સૌથી મોટી તાકાત છે આપણા ઝગડામાં ફક્ત ‘સોરી’તત્ત્વ ઉમેરવામાં આવે તો મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ આવી જાય.
સ્ત્રી-પુરુષના પ્રેમમાં સૂક્ષ્મ, પરંતુ અત્યંત મહત્ત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે ભૂલ થાય, ઝઘડો થાય અથવા લાગણીને ઠેસ પહોંચે ત્યારે શું કરવું? શું પ્રેમ એટલો મોટો છે કે સોરી કહેવાની જરૂર જ નથી પડતી? અથવા પ્રેમ એટલો ઊંડો છે કે ભૂલ સ્વીકારીને, નમ્રતાથી સોરી કહેવાની દરવખતે તૈયારી રાખવી પડે?
આપણા આ બંને વાક્યો Love means never having to say you're sorry અને Love means always being ready to say you're sorry ધ્યાનથી સમજો. સ્ત્રી-પુરુષના રોમાન્સ, લાગણીઓ, કલ્પનાઓ અને ઘનિષ્ઠ સંબંધને સીધી અસર કરે છે. પહેલીવાત સિનેમેટિક, થોડી મહત્તા સાથે અને આદર્શવાદી દીવાસ્વપ્ન જેવી છે. બીજી વાતમાં નમ્રતા, જવાબદારી અને દેખીતી મધુરતા છે.
કલ્પના કરો કે પુરુષ કોઈ વાતે નાના- મોટા વિવાદ પછી તેની સ્ત્રીની આંખમાં નજર મિલાવીને એટલું જ કહે, સોરી મને ખબર છે કે મેં તને દુ:ખ પહોંચાડ્યું. સ્ત્રીના હૃદયમાં આપોઆપ લાગણી જન્મે છે. તે અનુભવે છે કે તેને સમજવામાં આવી રહી છે, તેની લાગણીઓને માન આપવામાં આવ્યું છે. પુરુષના સ્વભાવની આ વિશાળતા તેને વધુ નજીક લાવે છે. પુરુષે ફક્ત એટલું જ કહેવાનું બાકી રહે છે, હવે બસ ફરી આવું નહીં થાય. આ ક્ષણમાં તેમની વચ્ચેની નજદીકી માત્ર શારીરિક નથી રહેતી પણ તે ભાવનાત્મક અને આત્મિક બની જાય છે. આ વાક્ય સાંભળવું કોને ન ગમે?
ભારતીય ભક્તિ પરંપરામાં રાધા-કૃષ્ણની લીલા આનું સૌથી સુંદર ઉદાહરણ છે. રાધા ગુસ્સે થાય છે, રિસાઈ જાય છે, કૃષ્ણને દૂર રાખે છે. કૃષ્ણ વાંસળી વગાડીને, નમ્રતાથી, પોતાની ભૂલ સ્વીકારીને રાધાને મનાવે છે. આ કથા હજારો વખત સાંભળવી ગમે છે. ભગવાન કૃષ્ણની નમ્રતા જ તેમના પ્રેમને આજ સુધી અમર રાખ્યો છે. ભારતીય માન્યતાઓમાં ક્ષમા વીરતાનું આભૂષણ છે. ભક્તિ પરંપરામાં પ્રેમ એ અહંકારનો ત્યાગ છે.
પશ્ચિમી ફિલોસોફીમાં પ્લેટો અને રોમેન્ટિઝમે પ્રેમ વિષે ઘણી આદર્શ વાતો કહી હતી. પશ્ચિમની ફિલોસોફી માને છે કે પ્રેમ હંમેશાં બિનશરતી જ હોવો જોઈએ. બિનશરતી પ્રેમમાં કોઈ પાત્રએ બીજાને સોરી કે થેન્ક્સ કહેવાની જરૂર નથી. માણસ પ્રેમમાં શરત અથવા વળતરની અપેક્ષા રાખે છે એટલે દુ:ખી થાય છે. જો તમે અનકન્ડિશનલ લવ કરી શકતા હોવ તો તમને કોઈ દુ:ખી કરી શકે નહીં, આ પ્રેમમાં સોરી કે થેન્ક્સ ના કહો તો પણ કશો ફેર પડતો નથી. આપણે ત્યાં આ મીરાં અથવા કબીરની કક્ષા હોઈ શકે પણ અહીં વાત સામાન્ય માનવની ચાલે છે.
સામાન્ય માણસ માટે જાણીતા લેખક વિચારક જિન પોલ સાર્ત્ર અને એમની પ્રેમિકા સિમોન માનતા હતા કે પુરુષ-સ્ત્રી સંબંધમાં અહંકાર હોય જ. ખાસ કરીને પુરુષ વધુ અહંકારી હોય એવું માનવામાં આવે છે. આ કારણે પુરુષ તેની કોઈપણ ભૂલને સોરી કહ્યા વગર સ્ત્રી સમજી જાય એવી અપેક્ષા રાખે છે. સરવાળે પુરુષ સોરી કહેવાનું ટાળવા માટે ‘નો સોરી નો થેન્ક્સ’ જેવા ડાયલોગનું બહાનું શોધી કાઢે છે. સ્ત્રીને ‘તું સમજી જ જાય છે’ એવું કહીને તે પોતાની જવાબદારી ત્યજી દે છે. આનાથી સ્ત્રીમાં આંતરિક નિરાશા વધે છે, વિવાદ વધવા લાગે છે અને રોમાન્સ સમય જતાં ઠંડો પડી જાય છે તો સોરી કહેવાની ટેવ પાડોને?!
ધ એન્ડ:
જીવનનાં રહસ્યો સમજ્યા વગર જીવવાનો કોઈ અર્થ નથી. (પ્લેટો)