Fri Apr 17 2026

Logo

સુરેન્દ્રનગર પોલીસની મોટી સફળતા: હનીટ્રેપ અને અપહરણ કરી 1 કરોડ પડાવનારી ગેંગના 4 સાગરીતો ઝડપાયા

1 month ago
Author: Mumbai Samachar Team
Article Image

સુરેન્દ્રનગર: જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કરી 1 કરોડ રૂપિયા જેવી માતબર રકમની ખંડણી વસૂલવામાં આવી હતી. આ હાઈ-પ્રોફાઈલ ગુનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. પોલીસની સતર્કતાને કારણે ગણતરીના કલાકોમાં જ આ ગેંગના ચાર સભ્યોને મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા છે, જેનાથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ ગુનાનો ભેદ ઉકેલવા માટે એલ.સી.બી. પીઆઈ જે.જે. જાડેજા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લીધો હતો. પોલીસની અલગ-અલગ ટીમોએ બાતમીના આધારે દરોડા પાડીને આ ખંડણીખોરોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં એક મહિલા સહિત તોસીફખાન મલેક, સાહિલખાન મલેક અને આસિફખાન મલેકનો સમાવેશ થાય છે. આ ટોળકીએ સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન વિસ્તારમાંથી ગુનાને અંજામ આપ્યો હતો.

પોલીસે આરોપીઓ પાસેથી જે મુદ્દામાલ જપ્ત કર્યો છે તે ચોંકાવનારો છે. કુલ 72.50 લાખ રૂપિયાની કિંમતનો સામાન જપ્ત કરાયો છે, જેમાં ખંડણી પેટે પડાવેલા 69.30 લાખ રૂપિયા રોકડા, પાંચ મોંઘા મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી અલ્ટો કારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આરોપીઓ પાસેથી એક પિસ્તોલ અને જીવતો કારતૂસ પણ મળી આવ્યો છે, જે દર્શાવે છે કે આ ગેંગ હથિયારોના જોરે લોકોને ડરાવીને લૂંટતી હતી.

આ સમગ્ર કાવતરામાં હજુ પણ બે મુખ્ય આરોપીઓ અરબાઝખાન મલેક અને અમન પોલીસ પકડથી દૂર છે. પોલીસ આ બંને શખ્સોને પકડવા માટે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ લાંબા સમયથી સક્રિય હોઈ શકે છે. હાલમાં ચારેય આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેથી આ રેકેટમાં અન્ય કોઈ મોટા માથા સામેલ છે કે કેમ તેની વિગતો જાણી શકાય.